Latest News

More Posts

નવસારી : નવસારી એલ.સી.બી. પોલીસે બાતમીના આધારે જલાલપોર તાલુકાના બોરસી-માછીવાડ ગામે દરિયાઈ માર્ગેથી લવાયેલો 1.53 લાખના વિદેશી દારૂ સાથે બેને ઝડપી પાડ્યા હતા. જ્યારે દારૂ મંગાવનાર, મોકલનાર અને પહોચાડનાર સહીત ત્રણને વોન્ટેડ જાહેર કરી આગળની તજવીજ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવસારી લોકલ ક્રાઈમ બ્રાંચ પોલીસને બાતમી મળી હતી કે, જલાલપોર તાલુકાના બોરસી માછીવાડ ગામે વપલું ફળીયામાં રહેતી યોગીતાબેન ભાવેશભાઈ ટંડેલે નાની દમણ માસ્ટરશેરીમાં રહેતા આશિષભાઈ ઉર્ફે અજય નરસિંહભાઈ ટંડેલ પાસેથી વિદેશી દારૂનો જથ્થો દરિયાઈ માર્ગે મંગાવ્યો હતો. જેથી આશિષ ઉર્ફે અજયે એક નાની એન્જીનવાળી બોટમાં દારૂનો જથ્થો ભરી તેના ચાર માણસો મારફતે બોટમાં રવાના કર્યો છે. આ દારૂનો જથ્થો લેવા માટે યોગીતાબેનના બે માણસો હલેસાવાળી બલ્લમમાં લેવા ગયા છે. અને તેઓ દારૂનો જથ્થો બોરસી માછીવાડ ગામની સીમમાં પૂર્ણા નદીના કિનારે લઈ આવી ઉતારનાર છે. જે બાતમીના આધારે પોલીસે બોરસી-માછીવાડ ગામની સીમમાં પૂર્ણા નદીના કિનારે વોચ ગોઠવી હતી.

દરમિયાન 1 હલેસાવાળી બલ્લમમાં દારૂનો જથ્થો લઈ આવી તેમાંથી બાઈક સાથે બાંધેલી લોરીમાં કાર્ટિંગ કરતા હતા. ત્યારે પોલીસે છાપો મારી 1,53,804 રૂપિયાની વિદેશી દારૂની 900 નંગ બાટલીઓ સાથે બોરસી માછીવાડ ગામે દીવાદાંડી ગ્રાઉન્ડ ફળીયામાં રહેતા રવિભાઈ નરોત્તમભાઈ ટંડેલ અને પરેશ નરોત્તમભાઈ ટંડેલને ઝડપી પાડ્યા હતા. પોલીસે દારૂ મંગાવનાર યોગીતાબેન, દારૂ મોકલનાર આશિષ ઉર્ફે અજય અને દારૂનો જથ્થો પહોંચાડનાર આશિષ ઉર્ફે અજયના 4 માણસોને વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે ઘટના સ્થળેથી વિદેશી દારૂ સહીત 25 હજાર રૂપિયાની હલેસાવાળી બલ્લમ, 25 હજાર રૂપિયાની બાઈક, 5 હજાર રૂપિયાની લોખંડની લોરી અને 10 હજાર રૂપિયાનો મોબાઈલ મળી કુલ્લે 2,18,804 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તજવીજ હાથ ધરી છે.

To Top