SURAT

નાઇટ કરફ્યૂને લીધે દાયકાઓ પછી ઉતરાયણની આગલી રાતે પતંગની હરાજીની પરંપરા તૂટશે

ઉતરાયણનું પર્વ દેશમાં અને ગુજરાતમાં સૌથી વધુ ઉત્સાહભેર ડાયમંડ સીધી સુરતમાં ઉજવવામાં આવે છે. સુરતી ઉતરાયણ વિશે હાસ્યલેખક જ્યોતિન્દ્ર દવેથી ચં.ચી. મહેતા સુધી અને છેક યઝદી કરંજિયા સુધીના લેખક અને નાટ્યકારે ખૂબ મર્યાદિત પરંતુ ખૂબ સારું લેખન કર્યું છે.

સુરતમાં ઉતરાયણના પર્વ નિમિત્તે ધાબાઓ અને અગાસીઓ પર ચઢીને પતંગ ઉડાડવાની પરંપરા સૈકાઓ જૂની માનવામાં આવે છે. એક વાયકા એવી છે કે છેક સત્તરમી સદીથી સુરતમાં તાપી નદીના કિનારે પતંગ ઉડાડવાની પરંપરા ચાલતી આવી હતી. તે પછી તળ સુરતના ધાબાઓ અને અગાસીઓ સુધી પહોંચી છે.

2021ની ઉતરાયણ કોરોના સંક્રમણ દરમિયાન આવી છે ત્યારે સુરતમાં ઉતરાયણના દિવસની આગલી રાતે જોવા મળતી દાયકાઓ જૂની પરંપરા ચાલુ વર્ષે તૂટશે. જાણકારો કહે છે કે, નાઇટ કરફ્યૂને લીધે દાયકાઓ પછી ઉતરાયણની આગલી રાતે પતંગની હરાજીની પરંપરા તૂટશે. શહેરના ડબગરવાડ, રાંદેર, રાજમાર્ગ અને કોટસફીલ રોડ પર ઉતરાયણની આગલી રાતે પતંગોની બોલી બોલવામાં આવે છે, મોટા ભાગના સુરતીઓ રાત્રે પતંગની ખરીદી કરતા હોય છે.

ડબગરવાડમાં પેઢીઓથી પતંગ અને દોરીનો વેપાર કરનાર નરેશ છત્રીવાળા કહે છે કે, કોરોનાકાળ પહેલા સુરતના પતંગ અને દોરી બજારમાં નવેમ્બર માસમાં 25 ટકા અને ડિસેમ્બર માસમાં 40 ટકા વેપાર થતો હતો. પરંતુ ચાલુ વર્ષે છેક ડિસેમ્બરના છેલ્લા સપ્તાહથી વાતાવરણ સુધર્યું છે. ગત રવિવારે થોડીક ગ્રાહકી જોવા મળી હતી. ચાલુ વર્ષે કોરોનાને લીધે રાત્રે દસ વાગ્યે કરફ્યૂ લાગી જશે. તેના લીધે ઉતરાયણની આગલી રાતે પતંગ અને અન્ય એસેસરીઝની હરાજી થઇ શકશે નહીં.

અન્ય એક વેપારી ચંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, પતંગ અને દોરીના વિક્રેતાઓએ ઉતરાયણના પર્વ માટેનો વેપાર 13મી જાન્યુઆરીએ રાત્રે 10 વાગ્યા સુધી કરવાનું નક્કી કર્યું છે. કેટલાક વેપારીઓ એવું વિચારી રહ્યા છીએ કે, હરાજીની પરંપરા જાળવી રાખવા માટે વહેલી હરાજી થઇ શકે છે. એટલે કે 13મી જાન્યુઆરીએ રાત્રે આઠથી દસ કલાક દરમ્યાન પતંગરસિયાઓ છેલ્લી ઘડીની ખરીદી કરી શકે છે.

તે ઉપરાંત ઉતરાયણના દિવસે એટલેકે 14 જાન્યુઆરીએ પણ સવારથી દુકાનો ચાલુ રહી શકે છે. વર્ષોની પરંપરા મુજબ ઉતરાયણની આગલી રાત્રે રંગબેરંગી પતંગો ઉપરાંત સુરતી પેટેન્ટ માંજાની ફીરકીઓની પણ હરાજી થાય છે. સાથે સાથે કાનપટ્ટી, ટોપી, ચશ્મા, પીપૂડી, મેડિકલ ટેપ, નાનાં ઢોલ-નગારાં, બલૂન સહિતની વસ્તુઓનું પણ એજ રાત્રે વેચાણ થતું હતું. તેના લીધે લાલગેટથી છેક ભાગળ સુધી અને ભાગળથી કોટસફીલ રોડ સુધી તથા રાંદેર એસ.ટી. બસ સ્ટેશન સુધીના વિસ્તારો પતંગ બજારના માહોલથી ઝગમગતા હતા. તે ઝળહળાટ હવે 13 જાન્યુઆરીની રાત્રે જોવા મળશે નહીં.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top