SURAT

કિરણ જેમ્સ કંપની મુંબઈ શિફ્ટ થઈ ગઈ? શું કહે છે સુરત ડાયમંડ બુર્સના દિનેશ નાવડીયા..

સુરત: સુરતને ડાયમંડનું વર્લ્ડ ટ્રેડિંગ હબ બનાવવાના સપના સાથે એક મહિના અગાઉ મુંબઈ છોડી સુરતમાં શિફ્ટ થયેલી હીરા ઉદ્યોગની સૌથી મોટી કંપની કિરણ જેમ્સના અરમાનો પર એક જ મહિનામાં પાણી ફરી વળ્યા જેવો ઘાટ સર્જાયો છે. ઈન્ફ્રાસ્ટ્રક્ચરના અભાવે સુરત ડાયમંડ બુર્સમાંથી વૈશ્વિક સ્તરનો વેપાર કરવો હાલ શક્ય નહીં હોઈ કંપનીએ મુંબઈની ઓફિસોને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે.

તેના લીધે એવી ચર્ચા ઉઠી છે કે સુરત ડાયમંડ બુર્સ છોડી કિરણ જેમ્સ હંમેશ માટે મુંબઈ જતું રહ્યું છે, મુંબઈ વિના હીરાનો આંતરરાષ્ટ્રીય વેપાર શક્ય નથી. વિશ્વના સૌથી મોટા ઓફિસ બિલ્ડિંગ સુરત ડાયમંડ બુર્સની સફળતા સામે આશંકાઓ ઉભી થવા લાગી છે ત્યારે આ ચર્ચાઓ અને અફવાઓનો જવાબ આપતા આજે સુરત ડાયમંડ બુર્સની મીડિયા કમિટીના કન્વીનર દિનેશ નાવડીયાએ વીડિયો મેસેજ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

શું કહ્યું દિનેશ નાવડીયાએ?
દિનેશ નાવડીયા વીડિયો મેસેજમાં કહ્યું છે કે, મે સુધીમાં 80 ટકા ઓફિસો સુરત ડાયમંડ બુર્સમાં શરૂ થશે. હાલ મોટા ભાગની ઓફિસોમાં ફર્નિચરનું કામ ચાલી રહ્યું છે. સંપૂર્ણ ક્ષમતા સાથે બુર્સ કાર્યરત થયું નહીં હોવાથી કિરણ જેમ્સને વેપાર કરવામાં અગવડ પડી રહી છે, તેથી બુર્સની કમિટીની 18 જાન્યુઆરીની મિટિંગમાં સર્વાનુમત્તે નક્કી થયું છે કે થોડા સમય માટે કિરણ જેમ્સ તેની મુંબઈની ઓફિસ ફરી શરૂ કરી ત્યાંથી વેપાર કરે. તેથી આજથી કિરણ જેમ્સ મુંબઈમાં ઓફિસ શરૂ કરી રહી છે. જોકે, સુરતમાં ડાયમંડ બુર્સ ધમધમતું થવા સાથે જ કિરણ જેમ્સ ફરી સુરત શિફ્ટ થઈ જશે. તેથી ચર્ચાઓ અને અફવાઓ પર ધ્યાન આપવું નહીં.

સુરત ડાયમંડ બુર્સ કમિટીના મીડિયા કમિટીના ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, ‘સુરત હીરા બુર્સની કમિટીના સભ્યોએ સર્વાનુમતે તમામની સહી સાથે વલ્લભભાઇ પટેલને એક પત્ર પાઠવીને જણાવ્યું છે કે સ્વાભાવિક છે કે સુરત હીરા બુર્સમાં વિધિવત રીતે મોટાભાગની ઓફિસો શરૂ થાય અને કારોબાર ધમધમે, તેમાં હજુ થોડો સમય નીકળી જાય તેમ છે. આવી સ્થિતિમાં કિરણ જેમ્સને કારોબાર કરવામાં તકલીફ ન પડે તે માટે તમામ મેનેજિંગ કમિટીના સભ્યોએ કિરણ જેમ્સના વલ્લભભાઇ પટેલને સૂચન કર્યું છે કે તેમણે કિરણ જેમ્સનો કારોબાર મુંબઇથી પણ જારી રાખવો જોઇએ.’

મુંબઈ આવતા વિદેશી બાયર્સ ટ્રેનના પ્રવાસથી કંટાળે છે, કિરણ જેમ્સનાં કર્મચારીઓ મુંબઈ પરત ફરશે
સુરત: મુંબઈથી 17000 કરોડનો વેપાર સમેટી સુરત ડાયમંડ બુર્સમાં વેપાર શિફ્ટ કરનાર કિરણ જેમ્સનાં વલ્લભભાઈ લાખાણીને બુર્સ કમિટીના સભ્યોએ જ સાથ નહિ આપતા વલ્લભભાઈનો હૃદય ભંગ થયાની ચર્ચાઓ ઉપડી છે. મુંબઈથી કામકાજ બંધ કરી સુરતમાં શરૂ કરવા એકપણ કંપની આગળ નહિ આવતા કિરણ જેમ્સના 1000 કર્મચારીઓ ટૂંક સમયમાં મુંબઈ પરત થશે.

મોટી ડાયમંડ કંપનીઓની નવી પેઢીના સભ્યોને સુરતમાં ફાવતું નથી, તેઓને મુંબઈનું મેટ્રોપોલિટન કલ્ચર છોડવું નથી, એને લીધે પણ ઝઘડાઓ થયા હોવાનું સૂત્રો જણાવી રહ્યાં છે. બીજી તરફ સરકારે આપેલા વચનો પણ પૂર્ણ કરવામાં આવ્યા નથી. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ કનેક્ટિવિટી અને હોસ્પિટાલિટીનાં વચનો પૂર્ણ ન થાય તો ડાયમંડ બુર્સ તેની ચમક ગુમાવશે એવો ભય ઊભો થયો છે. જાણકારો કહે છે કે, મુંબઈ આવતા વિદેશી બાયર્સ ટ્રેનના પ્રવાસની ભીડથી કંટાળે છે.

કિરણ જેમ્સનાં માલિક અને સુરત ડાયમંડ બુર્સના સ્વપ્નદ્રષ્ટા વલ્લભભાઈ લાખાણી દ્વારા સંચાલિત, નવેમ્બર 2023માં SDBમાં પોતાની ઓફિસ સુરત શિફ્ટ કર્યા પછી કહે છે કે, વેપારમાં પણ વ્યાપક અસર થઈ હતી. કિરણ જેમ્સ દ્વારા મુંબઈના કર્મચારીઓને રાખવા માટે સુરતમાં લક્ઝુરિયસ 1,200 ફ્લેટ બનાવવામાં આવ્યા હતા.

જાણકારો કહે છે કે, સુરત ડાયમંડ બુર્સ કમિટીને સરકારે સુરતથી બેંગકોક વાયા હોંગકોંગની ડેઇલી ફ્લાઇટ, સિંગાપોર, લંડન, ન્યુયોર્ક, બ્રસેલ્સની વિકલી ફ્લાઇટ શરૂ કરવા માટે આપવામાં આવેલું વચન સરકારે પાળ્યું નથી. માત્ર બે એરલાઇન્સ કંપનીએ દુબઇની બે ફ્લાઇટ જાહેર કરી છે, એમાં પણ એકપણ ફ્લાઇટ ડેઇલી નથી. અમદાવાદ, વડોદરા, રાજકોટ અને સુરત સહિતના મહાનગરોમાં 70 માળની બિલ્ડિંગ ઊભી કરવાની જાહેરાતો કરનાર સરકારે ઇન્ટરનેશનલ હોટેલની ચેઇનને 30 માળની મંજૂરી આપવા પરવાનગી નહિ આપતા એને લઈને પણ ખોટો મેસેજ ગયો છે. સુરત ડાયમંડ બુર્સ કે એરપોર્ટની નજીક 30 માળની બિલ્ડિંગનું બાંધકામ મળી રહ્યું નથી.

નાગજી સાકરિયાના રાજીનામાંથી બીજી કંપનીઓ મુંબઈથી શિફ્ટ થતી અટકી
જેમ્સ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ (GJEPC)ના એક અગ્રણીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું હતું કે, કિરણ જેમ્સ દ્વારા “ભારત ડાયમંડ બુર્સમાં તેની ઓફિસ બંધ કરીને સુરતમાં બેઝ શિફ્ટ કરવાનો નિર્ણય લાગણીમાં આવી લેવાયેલો નિર્ણય હતો.

વિદેશી બાયરોને મુંબઈ જે આપી શકે, એ સુરત આપી શકે એમ નથી. મુંબઈથી સુરત જવા કોઈ ફ્લાઇટ નથી. જે દેશોમાં હીરા, ઝવેરાતનો વેપાર છે ત્યાં જવાની વિકલી ફ્લાઇટનાં ઠેકાણા નથી. વિદેશમાં જવા બધો વેપાર વાયા દુબઈ કે શારજાહ થઈ કરવો ખૂબ ખર્ચાળ છે, જ્યારે મુંબઈથી જવું આવવું સરળ છે.

સૂત્રોના જણાવ્યા મુજબ ડાયમંડ બુર્સની સર્વિસ મેનેજમેન્ટ કમિટીના ચેરમેન નાગજીભાઈ સાકરીયા પર મુંબઈ ઓફિસ બંધ કરી સુરતથી કારોબાર શરૂ કરવાનું દબાણ વધતાં તેમણે રાજીનામું આપી દીધું હતું. એને લીધે મુંબઈથી સુરત શિફ્ટ થવા માંગતી કંપનીઓ પણ અટકી ગઈ છે. નાગજીભાઈ સાકરિયાના અચાનક રાજીનામાએ આગમાં બળતણ ઉમેર્યું છે, જે આંતરિક વિખવાદ અંગે ચિંતા પેદા કરે છે.

Most Popular

To Top