Comments

કમલનાથ કોંગ્રેસમાં મજબૂત સ્થિતિમાંથી ઓચિંતા અપ્રસ્તુત વ્યક્તિ બની ગયા

જો જોરશોરથી પ્રસિદ્ધ કરાયેલા મિડિયા અહેવાલો અને મોટેથી બોલતા એન્કર્સની વાતો પર વિશ્વાસ કરવામાં આવે તો, કોંગ્રેસના દિગ્ગજ નેતા કમલનાથ તેમના સાંસદ પુત્ર નકુલ નાથ સાથે ભાજપમાં જોડાવા માટે તૈયાર હતા. કેટલાક દિવસો સુધી આ ચાલ્યું, કમલ નાથ દિલ્હી પહોંચ્યા ત્યાં સુધી, પિતા-પુત્રની જોડી ભગવા પાર્ટીમાં જવા વિશે ઘણી વિગતો સાથે સમાચારો ચાલ્યા હતા. જો કે, એવું કંઈ બન્યું નહીં અને મધ્યપ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ભોપાલ પાછા ફર્યા અને તે ઘટનાક્રમમાંથી કંઈ પણ નીકળ્યું નહીં. દિલ્હીમાં તેમના ટૂંકા રોકાણ દરમિયાન ખરેખર શું બન્યું હતું તે કોઈને ખબર નથી. અહેવાલો અનુસાર તેઓ ભાજપના વરિષ્ઠ નેતા અને ગૃહ મંત્રી અમિત શાહ અને પક્ષના અધ્યક્ષ જે. પી. નડ્ડાને મળવા માટે તૈયાર થયા હતા. દેખીતી રીતે, તેમની ચાલ ક્યાંક નિષ્ફળ કરાઈ હતી. પણ કોના દ્વારા?

77 વર્ષીય કમલનાથ, પાસે નવા વિકલ્પોની શોધમાં દિલ્હી દોડવાનું એક યોગ્ય કારણ હતું કારણ કે તેમને મધ્ય પ્રદેશ ભાજપના અધ્યક્ષ દ્વારા પાર્ટીમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું હતું. શું તે રાજ્ય એકમના અધ્યક્ષ વી. ડી. શર્માની પૂરી તૈયારી કર્યા વગરની ટિપ્પણી હતી અથવા તેઓ કોઈ યોજના મુજબ કામ કરી રહ્યા હતા? શર્માએ 16 ફેબ્રુઆરીએ, કમલ નાથ દિલ્હીમાં ઊતર્યા તેના દિવસો પહેલાં, તેમને ભાજપમાં જોડાવા આમંત્રણ આપ્યું હતું. ‘કમલનાથ ભાજપમાં જોડાય તો તેમનું સ્વાગત છે. જો તેમને હૃદયથી દુઃખ છે કે કોંગ્રેસે રામ મંદિર અભિષેક સમારોહનો બહિષ્કાર કરીને ભગવાન રામનું અપમાન કર્યું છે. જો તેમને (કમલનાથ) આનાથી દુઃખ થાય છે, તો તેમનું પણ ભાજપમાં સ્વાગત છે’, એમ તેમણે કહ્યું હતું.

શું કમલ નાથ દિલ્હી ઊતરતાં પહેલાં પાર્ટીના કોઈ કેન્દ્રીય નેતાઓના સંપર્કમાં હતા?
તે ગમે તે બાબત હોઈ શકે? તે સ્પષ્ટ રીતે રાજ્યના અધ્યક્ષ દ્વારા દરખાસ્ત કરવાનો અને કેન્દ્રીય નેતૃત્વ દ્વારા તેનો નિકાલ કરવાની બાબત હતી. પરિણામે, કમલ નાથને શરમજનક સ્થિતિનો સામનો કરવો પડ્યો હતો. તેમને ખ્યાલ ન હતો કે મધ્ય પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં તેમના નેતૃત્વ હેઠળ કોંગ્રેસની હાર પછી, તેમના ચાર દાયકાના પક્ષમાં ઊભા રહેવા છતાં તેમની સ્થિતિ ઘણી નબળી પડી ગઈ હતી. તે અવિશ્વસનીય છે કે કમલ નાથ ભાજપ હાઈકમાન્ડના કોઈ પણ સંકેત વિના દિલ્હી દોડી ગયા. જો એમ હતું તો ભગવા પક્ષના નેતૃત્વએ છેલ્લી ઘડીએ ઠંડો પ્રતિસાદ કેમ આપ્યો હતો અથવા કમલ નાથે તેમના જૂના પક્ષ કોંગ્રેસમાં તેમના હિસ્સાને મેળવવા માટે દબાણ બનાવવાની રણનીતિ તરીકે આખું નાટક રચ્યું હતું.

રાજકારણની કળામાં નિપુણ રણનીતિજ્ઞ, કમલ નાથ દેખીતી રીતે પરિસ્થિતિને યોગ્ય રીતે સમજવામાં નિષ્ફળ ગયા. મધ્યપ્રદેશની વિધાનસભાની ચૂંટણીઓ અને રાજ્યસભાની બેઠક તેમને આપવાથી ઈન્કાર કર્યા પછી, તેમણે હજુ પણ વિચાર્યું કે તેમની પાસે શક્તિ દેખાડવાનો અને વર્તમાન કોંગ્રેસમાં પોતાની જગ્યા બનાવવાની તક છે. પણ એવું નહોતું. લાંબા સમયથી પ્રથમ વખત કમલ નાથ, કદાચ, પોતાની રમતમાં હાર્યા. વધુ પડતા આત્મવિશ્વાસથી કે ભાજપમાં તેમનો પ્રવેશ નિશ્ચિત છે. તેમણે કોંગ્રેસ નેતૃત્વ પર ગુસ્સો દેખાડ્યો જેમ કે તેમના પુત્રે તેમના સોશ્યલ મિડિયા હેન્ડલ્સ પરથી કોંગ્રેસ શબ્દ અને પક્ષથી સંબંધિત પ્રવૃત્તિઓ હટાવી દીધી હતી, જેનાથી આવનારા ઘટનાક્રમની રૂપરેખા દેખાડી હતી. પણ એવું બન્યું નહોતું.

જો તેઓ ભાજપમાં જોડાયા હોત, તો તેઓ ભગવા પક્ષમાં પ્રવેશ મેળવનાર કોંગ્રેસના 13મા ભૂતપૂર્વ મુખ્યમંત્રી હોત. શા માટે ભાજપે કોંગ્રેસની ‘મોટી માછલી’ને તેમની જાળમાંથી છટકી જવા દીધી? સામાન્ય રીતે, છેલ્લાં 10 વર્ષમાં ભૂતકાળના દાખલાઓ છે તેમ, ભાજપ નેતૃત્વને કોંગ્રેસમાંથી કોઈને પણ સ્વીકારવામાં કોઈ સંકોચ નથી, પછી ભલે તે વ્યક્તિની કલંકિત છબી હોય કે ભ્રષ્ટાચારના કેસોમાં સંડોવાયેલા હોય. ભગવા પક્ષમાં આવી કોઈ પણ એન્ટ્રીને કોંગ્રેસ એક ડૂબતું જહાજ છે અને તેમાં સવાર દરેક સુરક્ષિત કિનારાની શોધમાં છે એવો સંદેશ સામાન્ય લોકો સુધી પહોંચાડવા માટે એક મોટા દાખલા તરીકે જોવામાં આવે છે. પરંતુ કમલનાથના કિસ્સામાં નહીં.

શું કમલ નાથ કુખ્યાત 1984 શીખવિરોધી રમખાણો સાથેના તેમના જોડાણના આરોપોને કારણે હારી ગયા હતા? બુદ્ધિગમ્ય જવાબ હા હોઈ શકે છે. પણ પછી સવાલ એ ઊભો થાય છે કે આવા આક્ષેપો હવે દાયકાઓથી ચાલી રહ્યા છે અને આ પૃષ્ઠભૂમિમાં રાજ્ય ભાજપના અધ્યક્ષે શા માટે તેમને પક્ષમાં આવવાનું આમંત્રણ આપવું જોઈએ, જે કોઈ પણ સંજોગોમાં હાઈકમાન્ડની મંજૂરી વિના આપવામાં આવ્યું ન હોત. ભાજપમાં વર્તમાન કાર્યકારી મોડલ સૂચવે છે કે બે ટોચના નેતાઓ-વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ મંત્રી અમિત શાહને બાદ કરતાં, અન્ય કોઈ પક્ષના નેતા અથવા જૂથનો અભિપ્રાય ભાગ્યે જ મહત્ત્વનો છે. શું બંને નેતાઓ કમલ નાથના પક્ષમાં પ્રવેશ માટે સંમત થયા હતા? જો એમ હોય, તો પછી કયા દબાણ હેઠળ આખી વાત ફેરવી નાંખવામાં આવી.

વિરોધ પક્ષો ખાસ કરીને કોંગ્રેસમાંથી કોઈ પણ અને દરેક માટે ભાજપમાં જોડાવા માટે જે રીતે દરવાજા ખોલવામાં આવ્યા છે તેના પર આરએસએસ-ભાજપ જૂથમાં નારાજગીના સંકેતો હતા. તેઓનું ખુલ્લા હાથે સ્વાગત કરવામાં આવ્યું એટલું જ નહીં પરંતુ મંત્રી પદ કે મુખ્યમંત્રી પદના રાજ્યસભા સભ્યપદ સાથે યોગ્ય પુરસ્કાર પણ આપવામાં આવ્યો. આના કારણે પાર્ટીના જૂના અને વિશ્વાસુ નેતાઓને ચોક્કસપણે દુ:ખ થયું છે, પરંતુ બહુ થોડા લોકોમાં ઊભા થઈને બોલવાની હિંમત હતી. કમલ નાથ પ્રકરણે તે અવરોધ તોડી નાખ્યો હોય તેવું લાગતું હતું.

કદાચ મિસ્ટર નાથે પોતાના માટે સોદો કરવાને બદલે તેમના પુત્રનું ભવિષ્ય સુરક્ષિત કરવા માટે વધુ ઉતાવળમાં કામ કર્યું હતું, જે મધ્ય પ્રદેશમાં તેમના ગઢ છિંદવાડામાંથી સાંસદ છે. રાજ્ય વિધાનસભાની હાર પછી, દેખીતી રીતે, તેમને શંકા હતી કે શું કોંગ્રેસ તેમના પુત્રને ફરીથી ચૂંટણી લડવા માટે ઉમેદવારી આપશે. કદાચ, તેમણે ભાજપ સાથે સોદો કરીને તેમના પુત્ર માટે લોકસભાની બેઠક સુરક્ષિત કરવાનું વધુ સારું માન્યું હતું. વધુમાં જ્યારે ભાજપ પાસે તે મતવિસ્તારમાં કોઈ પ્રબળ ઉમેદવાર નથી. કમલ નાથ જે મજબૂત સ્થિતિમાં હતા, ત્યાંથી અચાનક તેઓ અપ્રસ્તુત વ્યક્તિ બની ગયા છે. ભાજપમાં તેમના માટે કોઈ લેનાર નથી જ્યારે તેમની પોતાની પાર્ટી દ્વારા તેમને શંકા અને તિરસ્કારની નજરે જોવામાં આવે છે જ્યાં તેમણે દબદબાભેર ચાર દાયકા સુધી શાસન કર્યું હતું.

ભાજપ હાઈકમાન્ડ દ્વારા તેમને ઓછો સમય આપવામાં આવ્યો હતો જ્યારે તેઓ બેઠક માટે દિલ્હીમાં આતુરતાપૂર્વક રાહ જોતા હતા, કોંગ્રેસ નેતૃત્વ દ્વારા તેમની લાગણીઓને શાંત કરવા માટે વધુ પ્રયત્નો કરવામાં આવ્યા હોય એવું લાગતું નથી. કમલ નાથ હવે અહીંથી કેવી રીતે આગળ વધે છે તે જોવું રસપ્રદ રહેશે. જો તેમના પુત્રને છિંદવાડાથી લોકસભાની ટિકિટ નકારવામાં આવે તો? આ બાબતની હકીકત એ છે કે પોતાના પુલને બાળી નાખ્યા પછી, કમલ નાથ પાસે તેમને જે મળે કે ન મળે તે સ્વીકારવા સિવાય ભાગ્યે જ કોઈ વિકલ્પ બચ્યો છે. સ્પષ્ટપણે, તેમણે કોંગ્રેસમાં તેમની સોદાબાજીની શક્તિ ગુમાવી દીધી છે અને જો આ અપ્રિય ઘટનાક્રમ પછી પણ ભાજપમાં તેમને પ્રવેશ મળે છે તો તે ખૂબ જ નબળી પિચ પર હશે.
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top