National

દેશના નવા મુખ્ય ન્યાયાધીશ બન્યા જસ્ટિસ યુયુ લલિત

નવી દિલ્હી: જસ્ટિસ યુયુ લલિતે(Justice Yuu Lalit) દેશના નવા મુખ્ય ન્યાયાધીશ(Chief Justice) તરીકે શપથ(oath) લીધા છે. આજે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ(President) દ્રૌપદી મુર્મુ(Draupadi Murmu)એ તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. જસ્ટિસ લલિત ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે. જસ્ટિસ ઉદય ઉમેશ લલિત જસ્ટિસ એનવી રમનાનું સ્થાન લેશે, જેઓ ગઈકાલે, 26 ઑગસ્ટના રોજ ચીફ જસ્ટિસ તરીકે નિવૃત્ત થયા હતા. શપથ ગ્રહણ સમારોહમાં ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અન્ય કેટલાક કેન્દ્રીય મંત્રીઓ હાજર રહ્યા હતા. જસ્ટિસ લલિત પહેલાં ચીફ જસ્ટિસ તરીકે ફરજ બજાવતા જસ્ટિસ એનવી રમના પણ આ પ્રસંગે હાજર હતા.

આ ત્રણ કામ જસ્ટિસ યુયુ લલિતની પ્રાથમિકતામાં રહેશે
શુક્રવારે જસ્ટિસ એનવી રમનાના વિદાય સમારંભમાં બોલતી વખતે, જસ્ટિસ યુયુ લલિતે કહ્યું કે તેઓ મુખ્ય ન્યાયાધીશ તરીકેના તેમના 74 દિવસના કાર્યકાળ દરમિયાન ત્રણ ક્ષેત્રો પર કામ કરવાની ઈચ્છા ધરાવે છે. તેમણે કહ્યું કે તેઓ સુનિશ્ચિત કરવા માટે સખત મહેનત કરશે કે સુપ્રીમ કોર્ટમાં ઓછામાં ઓછી એક બંધારણીય બેંચ સમગ્ર વર્ષ દરમિયાન કાર્ય કરે. ઉપરાંત, ટોચની અદાલતમાં સુનાવણી માટેના મુદ્દાઓની સૂચિ અને તાત્કાલિક બાબતોનો ઉલ્લેખ તેમની પ્રાથમિકતાઓમાંની એક હશે.

ફોજદારી કાયદાના નિષ્ણાત છે જસ્ટિસ યુયુ લલિત
જસ્ટિસ ઉદય ઉમેશ લલિતને ક્રિમિનલ લૉના નિષ્ણાત માનવામાં આવે છે. 13 ઓગસ્ટ 2014ના રોજ તેઓ બારમાંથી સીધા સુપ્રીમ કોર્ટના જજ તરીકે ઉન્નત થયા હતા. ત્યારબાદ મે 2021માં તેમની નેશનલ લીગલ સર્વિસ ઓથોરિટીના કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. તેમણે સુપ્રીમ કોર્ટના આદેશો હેઠળ તમામ 2G કેસોમાં CBIના સરકારી વકીલ તરીકે ટ્રાયલ્સમાં ભાગ લીધો છે. તેઓ બે ટર્મ માટે સુપ્રીમ કોર્ટની કાનૂની સેવા સમિતિના સભ્ય તરીકે પણ રહી ચૂક્યા છે.

ન્યાયિક પ્રક્રિયા સાથે સંકળાયેલી છે ચાર પેઢીઓ
જસ્ટિસ યુયુ લલિત ભારતના 49મા મુખ્ય ન્યાયાધીશ બન્યા છે, તેમને ન્યાયાધીશોની નિમણૂકથી લઈને મહત્વપૂર્ણ બંધારણીય પ્રશ્નો સુધીના પડકારોનો સામનો કરવો પડી શકે છે, પરંતુ તેમને તેમના ન્યાયિક વારસાનો અનુભવ પણ હશે. વાસ્તવમાં યુયુ લલિતનો પરિવાર ચાર પેઢીઓથી ન્યાયિક પ્રક્રિયા સાથે જોડાયેલો છે. જસ્ટિસ લલિતના દાદા રંગનાથ લલિત આઝાદી પહેલા સોલાપુરમાં વકીલ હતા. જસ્ટિસ યુયુ લલિતના 90 વર્ષીય પિતા ઉમેશ રંગનાથ લલિત પણ પ્રોફેશનલ વકીલ રહી ચૂક્યા છે. બાદમાં તેમણે હાઈકોર્ટના જજ તરીકે સેવા આપી હતી. આ સિવાય જસ્ટિસ લલિતના બે પુત્રો હર્ષદ અને શ્રેયશ છે, જેઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. જોકે, બાદમાં શ્રેયશ લલિત પણ કાયદા તરફ વળ્યા હતા. તેમની પત્ની રવિના પણ વકીલ છે.

Most Popular

To Top