Columns

જુગતરામ દવે: વેડછીના વડલાના વાવેતર

સમય હતો 4થી એપ્રિલ 1973નો. મારા સંશોધનના અનુસંધાનમાં દક્ષિણ ગુજરાત, સૂરત જિલ્લાના પાયાના ગાંધીવાદી કાર્યકર જુગતરામ દવેને મળવા વેડછીની વાટ લીધી. સૂરતથી વાલોડ બસ પકડી. વાલોડથી વેડછી જતી બસ વાલોડ પહોંચતા ઊપડી ગઇ, બપોરનો સમય. ત્રણ કલાક પછી બસનું આગમન હતું. વાલોડથી વેડછીનો રસ્તો 3 માઇલનો ચાલીને જવાનો હતો. લાકડા માથા પર નાંખી, મજૂર આદિવાસી બહેનો ચાલીને જતી હતી. તેમના સાથ, સહકારથી મેં ચાલવાનું પસંદ કર્યું. રસ્તો સરસ હતો. બેય બાજુ વૃક્ષોની ઘટા હતી પણ રસ્તાની બેય બાજુએ ગરમીને લીધે મરેલા કાગડાઓ, કબૂતરો, ચકલાઓની હારમાળા હૃદય કંપાવે તેવી હતી. ગરમી સખત હતી પણ વેડછી પહોંચી સુંદર કુદરતી વનસ્પતિની વનરાજી વચ્ચે પ્રાચીન ઋષિમુનિઓના આશ્રમ જેવો વેડછી આશ્રમને જોઇ મન ખૂબ પ્રફુલ્લિત થયું. જે રાનીપરજ વિસ્તારને ગાંધીજીએ સૂરત જિલ્લાના ‘લકવાગ્રસ્ત’ પ્રદેશ તરીકે ઘટાવ્યો હતો. જેમ તુર્કસ્તાન 20મી સદીની શરૂઆતમાં ‘યુરોપનો માંદો માણસ’ (‘Sickman of Europe’) કહેવાતું હતું તેમ. પણ જુગતરામ દવે, ખાદી પ્રચારક ચૂનીભાઇ મહેતા, ચીમનલાલ ભટ્ટની જહેમતથી વ્યારા, વેડછીમાં લોહી વહેતું થયાની અનુભૂતિ થઇ.

રેંટિયો કાંતતા, પાતળું શરીર, આંખો ઊંડી પણ તેજસ્વી પ્રતિભા ધરાવતા જુગતરામભાઇ મળ્યા. તે જમાનામાં ના મળે ટેલિફોન કે વ્યવહારના સાધનો. કશી પણ ખબર આપ્યા વગર જઇ પહોંચી હતી તો પણ અતિશય પ્રેમભર્યો મને આવકાર આપ્યો. તેમના જીવનના ઊંચાનીચા ચડાવ, સંઘર્ષો, તેમની આસપાસના સામાજિક, રાજકીય પરિબળો તે બધાની વચ્ચે કેવી રીતે તેમણે તેમની આગવી સૂઝથી પોતાનો ચોતરો ચીતર્યો તેની વિગતે વાત કરી. હકીકતમાં જુગતભાઇ સામાન્ય માણસ માટે એક આદર્શ, દૃષ્ટાંતરૂપ role model વ્યકિત છે.

નાનપણથી શારીરિક એકવડું પાતળું શરીર, નબળો બાંધો, શિક્ષણમાં પણ મર્યાદા, ગણિત, ઇતિહાસ, વિજ્ઞાન, ભૂગોળ જેવા વિષયોમાં ફાવટ નહીં. ત્રણ વાર મેટ્રિક થવાના પ્રયાસ છતાં ઘડો ફોડી શકયા નહીં. પરંતુ 97 વર્ષના લાંબા આયુષ્ય દરમિયાન માનવજીવનની સફળતાના ચડાણ સંપૂર્ણપણે ચડી શકયા. મધ્યમવર્ગીય સામાન્ય બ્રાહ્મણ કુટુંબમાં માતા નાનુબા (ડાહીબહેન) પિતા ચીમનભાઇને ત્યાં વઢવાણમાં 18:9:1888માં જુગતભાઇનો જન્મ થયો. મામા વીરમગામ અને બખતર (કચ્છ)માં દાદા રહે એટલે સૌરાષ્ટ્ર ઝાલાવાડના વાતાવરણમાં ઉછેર થયો.

દાદાને ત્યાં વખતોવખત જતા. દાદા ચુસ્ત સ્વામીનારાયણ ધર્મના અનુયાયી. માતાપિતા વૈષ્ણવમાર્ગી, હિન્દુ ધર્મના દેવદેવતામાં અતૂટ શ્રધ્ધા. બંને ધર્મના ઉલટસૂલટ ફાંટા વચ્ચે જુગતરામભાઇએ સુંદર સમન્વય સજર્યો. સ્વામીનારાયણ ધર્મનું પાલન કરનાર દાદા પાસેથી જનસેવા, પ્રેમનો સંદેશો ગ્રહણ કર્યો અને માતાપિતાના ધર્મમાંથી ગહન ભકિતમય સંદેશ લીધો. બ્રાહ્મણ હોવાનું ગૌરવ અનુભવતા જુગતરામભાઇએ આજીવન ભકિત અને ભકિતકાવ્યોનું દોહન કર્યું. સાધુસંતોનો સમાગમ ઘણો થયો.

જુગતરામભાઇએ સૌરાષ્ટ્ર, કચ્છમાં શરૂઆતના વર્ષો ગાળ્યા પણ પિતા મુંબઇ નોકરી અર્થે ગયા તેથી મુંબઇના વાતાવરણમાં પણ તેમનું ઘડતર થયું. મુંબઇમાં પ્લેગ ફાટી નીકળતા પિતાનું મૃત્યુ પ્લેગમાં થયું ત્યારે જુગતરામ માત્ર 6 વર્ષના જ હતા પરંતુ મોટાભાઇ માધવભાઇ પણ નોકરી અર્થે મુંબઇ આવ્યા. તેઓ પીપળવાડીમાં રહેતા. જુગતરામ 18, 20 વર્ષ મુંબઇમાં રહ્યા. પીપળવાડીના સંસ્મરણો તેઓ કદી ભૂલી શકયા નહીં. સાધુ, સંતોનો સમાગમ, મંદિરોમાં જવું એ એમના જીવનની મુખ્ય પ્રવૃત્તિ હતી. મુંબઇમાં સ્વામી આનંદ શિયાણીના બ્રાહ્મણ હતા. નાના ભાઇઓ હરિલાલ અને જયશંકર દ્વિવેદીને ત્યાં રહેતા. હિમાલયમાં અનેક પર્યટનો કરેલા, સાધુઓના પરિચયમાં, અત્યંત સુધારાવાદી આધુનિક વિચારસરણી ધરાવતા અનેક ભાષાઓના નિષ્ણાત હતા. મરાઠી તેમની માતૃભાષા હતી. નીચેના માળે જુગતરામભાઇ ભાઇ સાથે રહેતા. તેમના સંપર્કમાં જુગતરામભાઇ આવતા, ખૂબ ગમી ગયા.

જુગતરામને બીજા વિષયોમાં ફાવટ ના રહી પણ ગુજરાતી સાહિત્યમાં એક નિષ્ણાત સાહિત્યકારને છાજે એવો રસ ધરાવતા હતા. આ સમયે મોટાભાઇએ એક અમેરિકન કંપનીમાં કારકૂનની નોકરી અપાવી હતી. સ્વામી આનંદે તેમને લગભગ 1916માં હાજી મહંમદ અલારખિયા શિવજી સાથે ઓળખાણ કરાવી. જુગતરામને સાહિત્ય પ્રત્યેની નોકરી છોડી દેવા સલાહ આપી. જુગતરામ હાજી મહંમદ ‘વીસમી સદી’ નામનું માસિક કાઢવાના હતા તેમાં એક પત્રકાર તરીકે જોડાયા. અહીં એમને સુંદર તાલીમ મળી. પાછળથી ગાંધીઆશ્રમમાં ‘નવજીવન’ પ્રેસ ચલાવવામાં તેમની ઉત્તમ કામગીરી રહી. અહીં પણ વહોરા અલારખા અને પોતે બ્રાહ્મણ. ખાણીપીણીની સમસ્યા થતી પણ તેઓ પોતાનું ખાવાનું, પોતાનું પાણી પી સમન્વય સાધી સંબંધો સુંદર રીતે કેળવી શકયા.

મોટાભાઇએ કાયમ માટે મુંબઇ છોડયું. આ સમયે પ્રથમ વિશ્વયુધ્ધ શરૂ થઇ ગયું હતું. જુગતરામભાઇને લશ્કરમાં વોલન્ટિયર સૈનિક તરીકે જોડાવાનો શોખ લાગ્યો. થોડા દિવસ આ કવાયત ચાલી પણ શારીરિક નબળાઇને લીધે આ તાલીમ સહન કરવી અઘરી લાગતા આ પ્રવૃત્તિ પડતી મૂકી. 1917માં વડોદરા જવાનું થયું. સ્વામી આનંદે કાકાસાહેબ કાલેલકર સાથે તેમની ઓળખાણ કરાવી. કાકાસાહેબ ગાંધી વિચારસરણીથી આકર્ષાયા હતા. મૂળ શિક્ષકનો જીવ. વડોદરા રહેતા હતા. કાકાસાહેબને ઘેર જુગતરામ પુસ્તકો વાંચતા. દેશભકિત રાષ્ટ્રપ્રેમના પાઠ અહીં શીખવા મળ્યા. તેમના મિત્ર સયાજી પુરાવાળા ‘સાહેબ’ આવતા. હિન્દુ ધર્મના પ્રખર પ્રવકતા. તેમને મારુતિ મંદિરમાં રહેનાર ભકત પૂજારી જોઈતો હતો. આ સેવા જુગતરામે સહર્ષ સ્વીકારી. આ સયાજી પુરાવાળા ‘સાહેબ’ તે કેશવજી ગણેશ દેશપાંડે.

જુગતરામભાઇ અને જાહેર જીવન
જુગતરામને મુંબઇ ખૂબ ફળ્યું. જાહેરજીવનમાં પ્રવૃત્તમય ઘણા માણસોનો પરિચય થયો. હાજી મહંમદ અલારખા, સ્વામી આનંદ, કાકાસાહેબ કાલેલકર, કેશવજી ગણેશ દેશપાંડે વગેરે. ગાંધીજીએ કોચરબમાં સૌ પ્રથમ આશ્રમ અમદાવાદમાં કાઢેલો. દેશપાંડે બેરિસ્ટર થવા લંડન ગયા હતા ત્યાં ગાંધીજી સાથે ગાઢ મિત્રતા થઇ હતી. દેશપાંડે કુટુંબ સાથે 1915માં આશ્રમ આવી ગયા. કાકાસાહેબ કાલેલકર પણ આશ્રમ નિવાસી થયા. જુગતરામભાઇ પણ અવારનવાર અમદાવાદ આશ્રમમાં દેશપાંડે અને કાકાસાહેબને મળતા. આશ્રમની ભજનકિર્તન, પ્રાર્થના, સાદાઇ, સ્વાવલંબી પ્રવૃત્તિઓથી તેમને ખૂબ આકર્ષણ થયું. દક્ષિણ આફ્રિકાથી આવેલા ફિનિકસ આશ્રમવાસીઓ હતા. મામા સાહેબ ફડકે પૂનાથી આવેલા ગોધરામાં ગાંધી આશ્રમ ચલાવતા આ બધાના પરિચયથી તેઓ રસતરબોળ થયા.

ગાંધીજીએ ‘નવજીવન’ સપ્તાહ 1919માં શરૂ કર્યું. ઇન્દુલાલ યાજ્ઞિક સૌ પ્રથમ ‘નવજીવન’ અને ‘સત્ય’ માસિક કાઢતા પણ તેમણે તે ગાંધીજીને સોંપી દીધું. ગાંધીજીએ નિષ્ણાત પત્રકાર સ્વામી આનંદને બોલાવ્યા કામ ખૂબ વધી પડવાથી. મુંબઇમાં જુગતરામ ‘વીસમી સદી’માં પત્રકાર તરીકેની કુશળ તાલીમ લઇ ચૂકયા હતા. સ્વામી આનંદે જુગતરામને તાબડતોબ બોલાવ્યા. ‘નવજીવન’નું કામ ખૂબ મહેનત માંગી લે તેવું હતું. રાતદિવસના ઉજાગરા, લવાજમના મનીઓર્ડરો, હિસાબકિતાબ, છાપખાનું, વહેંચણી, પોસ્ટ કરવી વગેરે જહેમતભર્યું કામ સંન્નિષ્ઠાથી જુગતરામ કરતા. 1919થી 1923 સુધી આ કામ કર્યું.

કોચરબમાંથી ગાંધી આશ્રમ સાબરમતીના તટે ખસેડાયો. સાલ હતી 1917ની. ગાંધીજીએ રાષ્ટ્રીય શાળા કાઢી. સ્વામીઆનંદ ‘નવજીવન’માંથી જુગતરામભાઇને મુકિત આપવા તૈયાર નહિ. જુગતરામને બાળકોને શિક્ષણ આપવાનું આકર્ષણ. ગિજુભાઇ બધેકા બાળકોની મા કહેવાતા. સુંદર જોડકણાં, કાવ્યો, રમતો રમીને જ્ઞાન આપવાની પધ્ધતિનો જુગતરામભાઇને ભાવનગરમાં તેમનો અનુભવ હતો. કાકાસાહેબની દરમિયાનગીરીથી ગાંધીજીએ જુગતરામભાઇને સાબરમતી આશ્રમમાં રહેવા અનુમતિ આપી. અહીં એમણે રાષ્ટ્રિય શાળાનું કામ ખૂબ આનંદથી ઉપાડી લીધું. બાળકો માટે ચાલણગાડી, પંખીડા, ચણીબોર, રાયણ વગેરે બાળકાવ્યોનું સર્જન 1923માં કર્યું.

1922માં ગાંધીજીને બ્રિટિશ સરકારે અસહકારના આંદોલન સમયે ચોરાચોરી જેવા હિંસાના બનાવો થતાં 6 વર્ષની સજા ફટકારી. નરહરિભાઇ પરીખ, છગનલાલ જોષી, ડો. ત્રિભુવનદાસ શાહ વગેરે ગાંધીવાદી કાર્યકરોને લાગ્યું કે ખરી જરૂરિયાત કામ કરવાની ગામડાંઓમાં છે. આ આશ્રમવાસીઓએ બારડોલી તાલુકાના ગામડાંઓ પસંદ કર્યાં. ઉત્સાહથી જુગતરામ પણ જોડાયા. 1924માં નરહરિભાઇ સાથે જુગતરામભાઇ પણ બારડોલી તાલુકાના સરભોણ આશ્રમમાં પહોંચ્યા. અહીં ગાંધીજીના રચનાત્મક કાર્યક્રમો મગનલાલ ગાંધી વગેરેએ શરૂ કરી દીધા હતા. લક્ષ્મીદાસ આસર, ડો.ત્રિભુવનદાસ વગેરેએ પ્રાર્થના, ભજનો, સમૂહ કાંતણ, વણાટ ઉદ્યોગ, ખાદી, પિંજણકામ શરૂ કરી દીધા હતા. 1924માં સરભણ આશ્રમમાં ‘આશ્રમ વિદ્યાલય’ ભીલ, ગામીત, દુબળા આદિવાસી બાળકોને દાખલ કરી જુગતરામભાઇએ શરૂ કર્યું.

1926-1927માં ભયંકર રેલો સમગ્ર ગુજરાતમાં આવી. ગામડાંનાં ગામડાં ડૂબ્યાં. જુગતરામભાઇ અને સાથીદારોએ વલ્લભભાઇની હાકલથી સ્વયંસેવકો તરીકે કમર કસી. લગભગ 1928માં જુગતરામભાઇએ વેડછીને પોતાનું આજીવન કાર્યક્ષેત્ર બનાવી, સંપૂર્ણપણે તેઓ પોતે આદિવાસી બની ગયા. આદિવાસી સમસ્યાઓનો સાક્ષાત્કાર કર્યો. રાનીપરજ વિદ્યાલય શરૂ કર્યું. ચારિત્ર ઘડતરનું સાચા અર્થમાં શિક્ષણ અક્ષરજ્ઞાન સાથે રાણીપરજના બાળકોને પાયાની તાલીમ આપી. આશ્રમ ઉદ્યોગશાળામાં જેમાં Skilled labour કુશળ ઉદ્યોગ પધ્ધતિ ખીલવી.

મોટા પાયા ઉપર ખાદી ઉદ્યોગશાળા શરૂ કરી. મોટા પાયા ઉપર કાંતણ શરૂ કર્યું. સાથે સાથે આસપાસ કપાસનું વાવેતર થતું હોવાથી વણાટ ઉદ્યોગ શરૂ કર્યો. ખેતીવાડી, સુથારી કામ, ઢોરોની સંભાળ, હિસાબ-કિતાબ કેવી રીતે રખાય, ગણાય તે શીખવવામાં આવ્યું. રાણીપરજમાં શાહુકારો પાસેથી પૈસાનું ધિરાણ લેતા ત્યાર બાદ વ્યાજ, મૂળ મૂડી વગેરેમાં ગોટાળા કરી કાયમ તેમને દેવાદાર રાખતા. જમીનો પણ આંચકી લેતા. જુગતરામભાઇએ આની સામે ઝુંબેશ ઉપાડી. જુગતરામે પોતે આદિવાસી અવતાર ધારણ કરી તેમની ઝીણી ઝીણી આર્થિક સમસ્યા હાથમાં લઈને તેઓ મૃત્યુ પામ્યા 14 માર્ચ 1985 ત્યાં સુધી ઝઝૂમ્યા.

બુનિયાદી તાલીમની સાથે ગાંધી વિદ્યાપીઠ જેવી ઉચ્ચ શિક્ષણ સંસ્થા સ્થાપી. જેથી સ્થાનિક કાર્યકરો અને સેવાભાવી શિક્ષકોનું જૂથ ઊભું થયું. સણોસરા લોકભરતીની માફક માતૃભાષાને કેળવણીમાં પ્રાધાન્ય આપ્યું. એક બાજુ ચારિત્ર ઘડતર, ધાર્મિક ભજનોનો બોધ આપતા તો બીજી બાજુ સ્વાવલંબી સ્વાશ્રયી જીવનનો અમલ કરતા, ખાડા ખોદતા, ગૌશાળામાં છાણાના ટોપલા ઊંચકતા, સ્વચ્છતા રાખવાના ઉત્તમ પાઠો શીખવતા.

રાણીપરજ કોમના જુદા જુદા જૂથો દુબળા, ભીલો, કુંકણા, ગામીત, ચૌધરી, ધોડિયા, કોટવાળિયા વગેરેમાં એકતા સ્થાપવાના ‘અમે બધા’ની ભાવના કેળવવા અથાગ પ્રયાસો કર્યા. દારૂનું દૂષણ એ રાનીપરજ સમાજમાં સૌથી મોટી કમજોરી હતી. જુગતરામભાઇ કવિ પણ હતા. તેઓના ઉધ્ધાર માટે તેમણે તેમની જ ભાષામાં સમજાય તેવાં કાવ્યો લખ્યાં. રાણીપરજના શોષણખોરો ત્રણ હતા શાહુકાર, જમીનદારો, અમલદારો. જુગતરામભાઇએ કાવ્ય રચ્યું.

શેઠ-દારૂવાળો-જમાદાર
આપણી ત્રણ જણાની જોડી
એને કોઇ શકે નહીં તોડી,
શાહુકાર, જમાદાર, દારૂનો ઇજારદાર,
ત્રણ થઇને ધારીએ તો દુનિયા નાંખીએ તોડી…
છોડ દારૂ-તાડી રા: જાગા જાગા સામીરા, છોડ દારૂ તાડી રા
છાશ ને રોટલો ખાજો રા, દારૂ તાડી છોડો રા
સાહુકારણ કે છૂટાઇ દેવરા, ઓહ સુખી વધારા…
અતૂટ એક કાચા સૂતરનો તાંતણો
અતૂટ એક કાચા સૂતરનો તાંતણો,
હાં રે ઓલી લોઢાની બેડિયું છૂટે
હાં રે ઓલી સોનાની સાંકળી વછૂટે
અતૂટ એક… તેમનું લેખનકાર્ય વિશાળ પાયા ઉપર રહેતું. ગામ ભજન મંડળી (1938), ગુરુદેવ ટાગોરના કાવ્યોનો અનુવાદ (1972), ચારિત્ર ગ્રંથો લખ્યા. ગાંધીજી (1939), ભારત સેવક ગોખલે (1940) ખાદી ભકત ચૂનીભાઇ (1966) વગેરે નોંધપાત્ર લેખન કાર્યો હતા. રચનાત્મક કાર્યક્રમોને વેડછીનો વડલો સંભાળતા સંભાળતા દેશની હાકલ પડી ત્યારે માતની આઝાદી માટે તેમના સ્વયંસેવકો સાથે 1930માં દાંડીકૂચ વખતે પાયાના કામો કર્યા. સૂરત જિલ્લામાં ગાંધી કાર્યકરોની 79 સૈનિકો સાથે આગંતુકોની રહેવાની સગવડો ઓલપાડ જિલ્લામાં રાતદિવસની જહેમતથી કરી. સરકારે તેઓની ધરપકડ કરી. નાસિકમાં સૌ પ્રથમ જુગતરામભાઇને સાથીઓ સાથે જેલમાં રાખ્યા. 1932માં પણ જેવા છૂટયા કે તરત જેલમાં મુંબઇ મોકલ્યા. 1942માં હિંદ છોડો આંદોલન સમયે અમદાવાદમાં સાબરમતી જેલમાં રહ્યા.

આદિવાસીઓ સાથે વર્ગવિગ્રહ અને જુગતરામભાઇનો આમરણાંત સંઘર્ષ
અભણ, ગરીબ, અજ્ઞાની આદિવાસીઓનો લાભ લેનારાની ફોજ હતી. ખ્રિસ્તી પાદરીઓ કપડા-લત્તા, ખાવાનું, પૈસાના પ્રલોભનો આપી રાનીપરજ વિસ્તારમાં ખૂબ સક્રિય હતા. વટાળ પ્રવૃત્તિ મોટા પાયે થતી તેની સામે ગાંધીવાદી કાર્યકરો અને જુગતરામભાઇએ જહેમત ઉઠાવી. પારસી દારૂવાળા પણ તેમને દારૂની લતમાં રાખી દારૂ પીવડાવી દેવાદાર બનાવતા. રાણીપરજ સ્ત્રીઓને ગુલામની માફક ઘરકામ પણ કરાવતા અને શારીરિક સંબંધોનો ભોગ પણ બનાવતા. નધણિયાતાં બાળકો પણ પેદા થયા હતા. જુગતરામભાઇએ દારૂતાડી સંકટ નિવારણ મંડળીની સ્થાપના કરી.

જુગતરામભાઇનું જીવનનું મોટામાં મોટું કાર્ય હાળીપ્રથા સામેનું આંદોલન. 1938માં હરિપુરા કોંગ્રેસ સુભાષચંદ્ર બોઝના પ્રમુખપણા હેઠળ ત્યારે જુગતરામભાઇએ ઇન્દુલાલ યાજ્ઞિક, સ્વામી સહજાનંદ સરસ્વતી, અચ્યુત પટવર્ધનની કિસાન સભા આંદોલનને મનોમન ખૂબ ટેકો આપ્યો હતો. 1939માં વલ્લભભાઇના પ્રમુખપણા હેઠળ હળપતિ મુકિતના ઠરાવો જુગતરામભાઇની જહેમતનું પરિણામ હતું. ગણોત અંગેનો કાયદો, ખેડૂતોના દેવામાંથી મુકિતના કાયદા, શાહુકારોના ચોપડા માટે તપાસ પંચની નિમણૂક, હાળીઓને હળપતિ અને ખેડૂતનો દરજ્જો બક્ષ્યો. જમીનો અપાવી ઘણીયામાં જમીનદારને ત્યાં કામ માટે રોકડ પગાર, અનાજ આપવું, જમાડવાનો રિવાજ નાબૂદ કરાયો. જુગતરામભાઇએ વિનોબા સાથે સર્વોદય પ્રવૃત્તિમાં પણ ઝંપલાવ્યું હતું. જુગતરામભાઇની ધરપકડ થઇ ત્યારે બારડોલીના મેજીસ્ટ્રેટે પૂછયું તમારો મોભો શું? પ્રમુખ, મંત્રી? ત્યારે તેમણે કહ્યું ‘મારો મોભો આદિવાસીનો છે.’
– શિરીન મહેતા

Most Popular

To Top