National

જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓનો સેનાના વાહન પર હુમલો, વિસ્ફોટમાં 5 જવાન શહીદ

પુંછ: (Punch) જમ્મુ-કાશ્મીરના (Jammu Kashmir) પુંછમાં એક મોટી દુર્ઘટના ઘટી છે. જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સેનાના વાહનમાં આગ લાગવાના મામલામાં મોટો ખુલાસો થયો છે. આતંકવાદીઓએ આજે ​​રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે ચાલતા સેનાના વાહન પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગ દરમિયાન તેણે વાહન પર ગ્રેનેડથી હુમલો કર્યો હતો જેના કારણે વાહનમાં આગ લાગી હતી અને આ અકસ્માતમાં 5 જવાન શહીદ થયા હતા.

જમ્મુ અને કાશ્મીરના પૂંચ વિસ્તારમાં ભારે વરસાદ અને ઝાંખી દ્રશ્ય ક્ષમતાનો લાભ લઇને ત્રાસવાદીઓએ એક લશ્કરી વાહન પર હુમલો કરતા ભૂમિદળના પાંચ જવાનો માર્યા ગયા છે. અન્ય એક સૈનિકને આ હુમલામાં ગંભીર ઇજા થઇ હતી અને તેને તાત્કાલિક રાજોરી ખાતેની આર્મી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો એમ સેનાના એક અધિકારીએ જણાવ્યું હતું.

ગુરુવારે બપોરે અંદાજે ત્રણ વાગ્યાના સુમારે એક લશ્કરી વાહન રાજૌરી સેકટરમાં ભીમ્બર ગલી અને પૂંચ વચ્ચેથી પસાર થઇ રહ્યું હતું તે સમયે તેના પર કેટલાક વણઓળખાયેલા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. આ વિસ્તારમાં ભારે વરસાદ અને ઝાંખી દ્રશ્ય ક્ષમતાનો લાભ લઇને તેમણે આ હુમલો કર્યો હતો. ત્રાસવાદીઓ દ્વારા સંભવિતપણે ગ્રેનેડના ઉપયોગને કારણે વાહનને આગ લાગી ગઇ હતી એમ ભૂમિદળના નોર્ધન કમાન્ડે એક નિવેદનમાં જણાવ્યું હતું. નોર્ધન કમાન્ડે જણાવ્યું હતું કે માર્યા ગયેલા પાંચ સૈનિકો રાષ્ટ્રીય રાઇફલ્સ યુનિટના હતા અને તેઓને આ વિસ્તારમાં ત્રાસવાદ વિરોધી ઓપરેશનો માટે તૈનાત કરવામાં આવ્યા હતા.

આ હુમલામાં સંડોવાયેલાઓને શોધવા માટે અભિયાનો પ્રગતિમાં છે એમ નિવેદનમાં જણાવાયું હતું. વધુમાં એમ પણ જણાવાયું હતું કે વિગતોની ચોકસાઇ કરવામાં આવી રહી છે. આ અગાઉ, જમ્મુ સ્થિત એક સંરક્ષણ પ્રવકતાએ જણાવ્યું હતું કે ભિમ્બર ગલીથી પૂંચના સાંગીકોટ જઇ રહેલા લશ્કરના વાહનમાં આગ લાગી જતાં આ સૈનિકો માર્યા ગયા હતા. પૂંચથી ૯૦ કિલોમીટરના અંતરે આવેલ ઘટના સ્થળે લશ્કર અને પોલીસના કર્મચારીઓ ધસી ગયા હતા.

સેનાએ કહ્યું કે હુમલાખોરોની શોધ ચાલુ છે અને વધુ તપાસ ચાલી રહી છે. સાથે જ આર્મી ચીફે રક્ષા મંત્રી રાજનાથ સિંહને પણ આ મામલે જાણકારી આપી છે. આ ઘટના ગુરુવારે બપોરે 3 વાગ્યાની આસપાસ બની હતી. સેનાનું આ વાહન રાજૌરી સેક્ટરમાં ભીમ્બર ગલી અને પુંછ વચ્ચે હતું ત્યારે આતંકીઓએ હુમલો કર્યો હતો. હુમલા સમયે ભારે વરસાદ પડી રહ્યો હતો અને તેનો ફાયદો ઉઠાવીને હુમલાખોરો નાસી જવામાં સફળ રહ્યા હતા.

કોર્ટ ઓફ ઈન્કવાયરીએ તપાસના આદેશ આપ્યા
આ અકસ્માત બાદ તપાસ માટે કોર્ટ ઓફ ઈન્કવાયરીના આદેશ આપવામાં આવ્યા છે. આ દુર્ઘટના બાદ સેનાએ લોકોને અપીલ કરી છે કે તેઓ આ અકસ્માત સાથે જોડાયેલા ફોટા અને વીડિયો શેર ન કરે. અકસ્માત બાદ ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે હાજર છે અને તપાસ ચાલી રહી છે.

Most Popular

To Top