Comments

જબ યાદ આયે તિહારી : નરગીસ, ૧૯૫૬ માં બનેલી ‘ચોરી ચોરી’ફિલ્મનું આ ગીત

“જબ યાદ આયે તિહારી, સૂરત વો પ્યારી પ્યારી
નેહા લગાકે હારી (૨) તડપું મેં ગમકી મારી…….રસિક બલમા
આ ગીત આજે પણ સાંભળીએ તો કાનમાં મધમાખી મધ મૂકી ગઈ હોય એટલું મધુરું લાગે. કોઈ નવોઢાએ ઉતારેલી વેણીનાં મઘમઘતાં ફૂલમાંથી જાણે સુગંધ પ્રસરતી હોય એવું લાગે. વેન્ટીલેટર ઉપર શ્વસતો માણસ પણ આ ગીત સાંભળીને એક વાર તો નળી-નાળા છોડીને બેઠો થઇ જાય, એટલું એમાં ઝનૂન..! જમવા બેઠાં તો બેસ્વાદ શાક પણ સ્વાદિષ્ટ બની જાય. સૂકા બાવળમાંથી કૂંપળ ફૂટવા માંડે.

બસ…એવો હતો અમારી નરગીસ ફોઈનો જમાનો..! ફોઈ જ કહેવાય ને યાર..? નરગીસજી ૧૯૨૯ માં જન્મેલા ને બંદા ૧૯૪૮માં પૃથ્વીસ્થ થયેલાં..! સમજો ને બે-ત્રણ પેઢી નવી બને એટલો લટ્ટ ગાળો હોય,તો ફોઈ જ કહેવી પડે ને..? આમ તો દાદી કહીએ તો પણ ખોટું નહિ, કારણ કે અદાકારીમાં તો એ ‘દાદી’ જ હતાં બોસ..! શું જમાનો હતો નરગીસજીનો ..? કોઈ ‘ફેન્સી’ છોકરીને જુએ એટલે મોંઢામાંથી સરી પડે કે, ‘જો પેલી નરગીસ ચાલી..!’ ‘સેલ્ફી’ લેવાનાં હથિયાર એ સમયમાં હતાં નહિ, બાકી ચાહકોએ ઢગલાબંધ ‘સેલ્ફી’ઓ ખેંચીને, ‘સેલ્ફી’થી દીવાલો મઢી દીધી હોત..! જવા દો ને, બહુ મોડા પડ્યા યાર..! નસીબમાં સરવાળે મીંડાં જ લખાયેલાં હોય એટલે કરીએ શું..? Tom & Jerry ના કાર્ટૂન જોવાના દહાડા થોડા આવ્યા હોત..? આ તો એક વાત..!

સ્ત્રી સશક્તિકરણનો અજોડ દાખલો એટલે નરગીસજી..! રાજ્યસભામાં ચૂંટાયેલી પ્રથમ મહિલા સ્ટાર..! એટલું જ નહિ એક એવી પહેલી અભિનેત્રી કે, જેને પદ્મશ્રી એવોર્ડથી વિભૂષિત કરવામાં આવેલી. ઉપરાંત કાર્લોવી વેરી ઈન્ટરનેશનલ ફેસ્ટિવલમાં તેને મધર ઈન્ડિયા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ આપવામાં આવેલો. આ સંસ્થા તરફથી એવોર્ડ મેળવનારી એ પ્રથમ ભારતીય અભિનેત્રી હતી. એટલું જ નહીં, 1970ના દાયકાની શરૂઆતમાં નરગીસ ‘ધ સ્પાસ્ટિક સોસાયટી ઓફ ઈન્ડિયા’ની પ્રથમ સંરક્ષક બનેલી ને સંસ્થા સાથે મળીને તેમણે સામાજિક કાર્યકર તરીકે કામ કરેલું.

( તાળી તો પાડો યાર..? ) એવું નથી કે, જાજરમાન અભિનેત્રીનો આજે સ્ટોક નથી. છે, પણ ‘First impression is the last impression..! એમનું લાવણ્ય જ એવું કે, જેની આંખે મોતિયા આવેલા એ પણ નરગીસજીને વસાવીને બેઠેલાં..! નરગીસજી એવાં વસી ગયેલાં કે, આવારા કે શ્રી ૪૨૦ બનીને રાત ઔર દિન બરસાતમાં ચોરી ચોરી પ્રેમના રવાડે ક્યારે ચઢી જતાં, તેની ખુદને જ ખબર નહિ પડતી..! પછી તો ૧૯૫૮ માં બનેલી ફિલ્મ મધર ઇન્ડિયાના કો-સ્ટાર અભિનેતા સુનીલ દત્ત સાથે રાબેતા મુજબ એમના લગ્ન થયાં. કહેવાય છે ને કે, શ્વાસ સાથે ઈચ્છાઓ પણ પૂરી થઇ જાય. તો એને ભાગ્યશાળી કહેવાય.

7 મે, 1981ના રોજ નરગીસના પુત્ર સંજય દત્તની ડેબ્યૂ ફિલ્મ ‘રોકી’ને જોવાની એમની પ્રબળ ઈચ્છા હતી, પણ ફિલ્મ રીલીઝ થાય એ પહેલાં જ નરગીસજીએ ૧૯૮૧ માં દુનિયામાંથી Exit લઇ લીધી. મઝેની વાત કહું તો, ‘રોકી’ફિલ્મના પ્રીમિયર show વખતે નરગીસજીનું અસ્તિત્વ ન હોવા છતાં, એમના માટે થીએટરમાં એક સીટ ખાલી રાખવામાં આવેલી..! મૃત્યુના એક વર્ષ પછી, સુનીલ દત્તે તેમની યાદમાં નરગીસ દત્ત મેમોરિયલ કેન્સર ફાઉન્ડેશનની સ્થાપના કરેલી. આંખ મીંચીને જાજરમાન ‘સ્ટાર’કહી શકાય, એવી દિલચશ્પ અદાકારા એટલે નરગીસ..! ફિલમમાં એક વાર જોયાં એટલે, ક્યાંય સુધી એ કોઇની પણ દાઢમાં વળગેલાં રહે..! એટલે જ તો પોતાની ફિલ્મો દ્વારા તેમનાં ચાહકોનાં દિલમાં આજે પણ એ જીવંત છે.

પરિવારની ચાર-પાંચ પેઢીના નામ બોલવામાં કદાચ આજની પેઢી હાંફી જાય, કે ‘ગાઈડ’ પણ કરવો પડે, તો કહેવાય નહિ..! પેઢી કોઈ પણ હોય, દરેકને પોતાની પેઢીની લાગે, એવી એમની અદાકારી હતી. એટલે જ તો દરેકના હોઠ ઉપર નરગીસજીનું નામ ફૂટબોલની જેમ રમતું. રૂપેરી પડદે નરગીસજી જેવાં દેખાય એટલે, તાળી અને સીટીઓથી સિનેમા ઘર ઉભરાઈ જતું. અરીસામાં જોયા વગર કહું તો આ બંદાની મસોટી પણ રાજકપૂર થી ઉતરતી તો નથી, પણ કરીએ શું..? એના કપાળમાં કાંદા ફોડું, મોડા જન્મ્યાની ખોટ તો સહન કરવી પડે જ ને..? એટલે માત્ર હરખના અટક્ડા જ ખાવાના..! આ તો એક ગમ્મત..!

બાકી લીલા ચીટનીશ, રેણુકાદેવી, કાનનદેવી, સિતારાદેવી, શાંતા આપ્ટે, સાધના બોઝ, નુરજહાં, શાંતા હુબલીકર, નાદિરા,મુમતાઝ શાંતિ, શોભના સમર્થ, ખુર્શીદ, નસીમબાનો, સુરૈયા, દુર્ગા ખોટે જેવી માતબર તારિકાઓનું અસ્તિત્વ પણ માતબર હતું અને એ જમાનાના ડોહાઓનાં હૃદય પણ એવાં પાકટ કે, જાજરમાન અદાકારાઓને જોઇને, કોઈને હૃદયરોગના હુમલા આવ્યા હોય એવું જાણમાં નથી. આજે તો પાલવ સરે એટલે ફેફસું ફફડવા માંડે..! ને ભાંગડા કરવા માંડે તે અલગ..!
ગરમાગરમ ચર્ચામાં કોઈનું નામ ચર્ચાતું હોય તો એ સમયમાં નરગીસજી હતાં. પછી તો, ભારતના ભાગલા પડ્યા. પાકિસ્તાને વસવાટ અને રસોડું અલગ કર્યું.

ભારતના પાંજરામાંથી ‘નુરજહાં’જેવી કોયલ ઊડીને પાકિસ્તાન ચાલી ગઈ, નસીમ બાનોએ નાની ઉંમરમાં પડદો છોડી દીધો. એક માત્ર સુરૈયાનો સિતારો બુલંદી ભોગવતો ને તેમણે જ નરગીસનાં રૂપ અને અદાકારી સામે ટક્કર ઝીલવી પડતી. કારણ કે નરગીસજી એક લહેર હતી, ઋતુઓની ઋતુ અને ઋતુઓમાં વસંત હતી! એમનું સાંગોપાંગ શબ્દચિત્ર રજૂ કરવું, એટલે વાવાઝોડામાં પાપડ સૂકવવા જેટલું અઘરું..! પણ સંક્ષિપ્તમાં કહું તો, મોરનાં ઈંડાંને ચીતરવા પડતાં નથી. ૧ લી જૂન ૧૯૨૯ માં કલકત્તામાં જન્મેલી નરગીસની માતા જ્દનબાઈ હિન્દુસ્તાની કલાસિકલ ગીતોમાં પારંગત હતી.

હિંદુ કુટુંબમાંથી ઉતરી આવેલા અગ્રણી-આબરૂદાર અને પાંચમાં પૂછાતા શ્રીમાન ઉત્તમચંદજી ઉર્ફે મોહનબાબુ ઉર્ફે અબ્દુલ રશીદ એમના પિતા હતા. ચાર-ચાર નામો ધરાવતાં નરગીસજીનું મૂળ નામ ફાતિમા અબ્દુલ રશીદ હતું. જ્યારે પિતાએ પાડેલું નામ તેજેશ્વરી હતું. છ વર્ષની ઉંમરે, માતા જદનબાઈની ફિલ્મ ‘તલાશ-એ-હક’માં બાળ કલાકાર તરીકે કારકિર્દી શરૂ કરી ત્યારે બેબી રાની નામ રાખેલું અને મહેબુબખાનની ફિલ્મ ‘તકદીર’થી એ ‘નરગીસ’ બનીને લોકોમાં છવાઈ ગઈ. પછી તો એવી ખ્યાતનામ અભિનેત્રી બની ગઈ, કે રાજકપૂર, દિલીપકુમાર, સુનીલ દત્ત જેવાં નામી-અનામી કલાકારોની લાઈન લાગી. એમાં રાજકપૂર અને નરગીસની જોડીએ ખૂબ લોકચાહના મેળવી. ૧૯૫૬ માં બનેલી રાજકપૂર સાથેની છેલ્લી ફિલ્મ કદાચ ‘ચોરી ચોરી’હતી.

કહેવાય છે કે, સિદ્ધિ એ પરિશ્રમની દાસી છે એમ, પર્લ એસ. બકની ઉપન્યાસ ઉપરથી સ્ત્રી ઉપર લખાયેલી ‘મધર-ઇન્ડિયા’ ફિલ્મ બનાવવામાં આવી અને સુનીલ દત્તની માતાના અભિનય તરીકે નરગીસજી લોકહૃદયમાં એવી સજ્જડ વસી ગઈ, કારકિર્દીને ચાર ચાંદ લાગી ગયા..! કહો કે, ભારતમાતા બની ગઈ..! સુનીલ દત્ત સાથે જ એમણે લગ્ન કર્યાં અને સંજય,નમ્રતા અને પ્રિયા નામનાં ત્રણ સંતાનોની એ માતા બની. ખૂબીની વાત એ છે કે, સુપરસ્ટારનો ભાર લઈને નરગીસ કયારેય ફર્યાં નથી. માત્ર ફિલ્મો જ નહિ, સમાજસેવાના ક્ષેત્રે પણ મોટું પ્રદાન આપ્યું. સુનીલ દત્ત અને નરગીસે સૈનિકોની મદદ માટે ચેરીટી કાર્યક્રમો કરી એ સમયમાં એક લાખ રૂપિયાનું ભંડોળ ભેગું કરીને નહેરુજીને પ્રદાન કરેલું. આવી બહુમુખી પ્રતિભા નરગીસ આજે પણ ભારતની શાન છે!

લાસ્ટ ધ બોલ
નોકરીના ઈન્ટરવ્યુમાં આવેલા રતનજીને પૂછ્યું, “હાલ તમે શું કરો છો?”
નારી સન્માનનું કામ કરું છું, સર!
બહુ સરસ. સોશ્યલ વર્કર
લાગો છો!
હા જી એવું જ કંઈ! ફેસબુક ઉપર છોકરીઓના ફોટા ‘લાયક’
કરું છું!
તારા કપાળમાં કાંદા ફોડું..!
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top