Entertainment

પુરુષોને પણ પીરિયડ્સ આવે તો સારું!’ શ્રુતિ હાસનની અનોખી વાત, કહ્યું- હજારો વખત કરી છે પ્રાર્થના

શૂટિંગ દરમિયાન પીરિયડ્સના દુખાવા અને કામના દબાણ અંગે ખુલાસો; શ્રુતિએ કહ્યું- પુરુષોને પણ પીરિયડ્સ થાય તો ‘પીરિયડ હોલિડે’ કોન્ટ્રાક્ટમાં સામેલ થઈ શકે : અભિનેત્રી શ્રુતિ હસને પીરિયડ્સ દરમિયાન થતા દુખાવા અને શૂટિંગ દરમિયાન તેનો સામનો કેવી રીતે કરવો પડે છે તે અંગે ખુલાસો કર્યો છે. સોહા અલી ખાનના પોડકાસ્ટ ‘All About Her’માં વાતચીત દરમિયાન શ્રુતિએ જણાવ્યું કે તેમના માટે પીરિયડ્સ ઘણીવાર મુશ્કેલ અનુભવ રહ્યો છે. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમણે હજારો વખત પ્રાર્થના કરી છે કે પુરુષોને પણ પીરિયડ્સ થાય, જેથી કદાચ કામના કરારોમાં મહિલાઓ માટે ‘પીરિયડ હોલિડે’ જેવી વ્યવસ્થા સામેલ થઈ શકે.

શ્રુતિએ જણાવ્યું કે તેમની કરિયરની શરૂઆતમાં તેઓ સેટ પર પીરિયડ્સ અંગે વાત કરવામાં અચકાતી હતી. તેમના કહેવા પ્રમાણે, આ માત્ર એક ટેબૂ નહોતું, પરંતુ ઘણા લોકો આવા વિષય પર વાત કરવા જ તૈયાર નહોતા. તેના કારણે જ્યારે શૂટિંગ દરમિયાન તેમની એનર્જી અથવા વર્તનમાં ફેરફાર દેખાતો, ત્યારે આસપાસના લોકો તેનું કારણ સમજી શકતા નહોતા.અભિનેત્રીએ પોતાના અનુભવને યાદ કરતાં કહ્યું કે જો પુરુષોને પણ પીરિયડ્સ આવતા હોત તો કદાચ આ મુદ્દાને કામકાજની વ્યવસ્થામાં વધુ ગંભીરતાથી લેવામાં આવત. તેમણે મજાકિયા અંદાજમાં કહ્યું કે તેમણે અનેક વખત એવી પ્રાર્થના કરી છે કે પુરુષોને પણ પીરિયડ્સ થાય અને પછી કોન્ટ્રાક્ટમાં ‘પીરિયડ હોલિડે’ નો સમાવેશ થઈ જાય. સોહા અલી ખાને પણ આ વાત પર પ્રતિક્રિયા આપતાં કહ્યું કે આવી સ્થિતિમાં પુરુષો કદાચ એ બાબતે પણ સ્પર્ધા શરૂ કરી દે કે કોને કેટલો દુખાવો થયો અથવા કોનું બ્લીડિંગ કેટલું થયું.

શ્રુતિએ વધુમાં જણાવ્યું કે તેમને PCOSને કારણે પીરિયડ્સ દરમિયાન ભારે દુખાવો થઈ શકે છે. તેમણે કહ્યું કે સમય જતાં તેમણે પોતાના ડિરેક્ટર્સ સાથે આ અંગે વાત કરવાનું શીખી લીધું છે. જો શૂટિંગ દરમિયાન તેઓ અસ્વસ્થ હોય તો હવે તે બાબત છુપાવવાને બદલે જરૂરિયાત મુજબ વાતચીત કરવાનું પસંદ કરે છે. આ જ પોડકાસ્ટમાં શ્રુતિએ શરીર, હોર્મોન્સ અને મહિલાઓના સ્વાસ્થ્યને લઈને રહેલી ગેરસમજો અંગે પણ વાત કરી હતી.

તાજેતરમાં સામે આવેલા અહેવાલોમાં તેમણે માતૃત્વ અને ભવિષ્યમાં બાળક દત્તક લેવાની ઇચ્છા અંગે પણ ખુલાસો કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે ડૉક્ટર સાથેની વાતચીત બાદ તેમને માતા બનવાના વિવિધ વિકલ્પો અંગે વધુ સમજ મળી.શ્રુતિ હસનની આ વાતચીતમાં એક તરફ હળવો અને રમૂજી અંદાજ જોવા મળ્યો, તો બીજી તરફ તેમણે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહિલાઓને પીરિયડ્સ દરમિયાન થતી શારીરિક મુશ્કેલીઓ અને તેના કારણે કામ પર પડતી અસર અંગે ખુલ્લેઆમ ચર્ચા કરી. તેમના નિવેદનથી ફરી એક વખત વર્કપ્લેસ પર મહિલાઓના માસિક સ્વાસ્થ્ય અને જરૂરિયાતો અંગે ચર્ચા શરૂ થઈ છે.

Most Popular

To Top