Comments

જીવનના ‘વનમાં ખોવાઈ જવાનું પણ એક સુખ હોય છે!

છેલ્લે તમે ક્યારે ખોવાયાં હતાં? ભલે થોડા જ સમય માટે પણ નાનપણમાં ક્યાંક અને ક્યારેક તો આપણે સહુ ખોવાયાં જ હોઈશું, પણ આજે એ વાતને વર્ષો વીતી ગયાં. હવે આપણી પાસે ક્યાંક ને ક્યાંક પહોંચવાના તૂટયા ફૂટ્યા જ સહી પણ રસ્તાઓ છે, વાહન છે, મિત્રો અને પરિવારનો સંગાથ છે તો ભૂલા ન પડીએ માટે ગુગલ મેપની સુવિધા પણ છે. આપણને બધાને નાનપણથી હંમેશા સેફ, સુરક્ષિત અને સુખી જિંદગી જીવવાનું શીખવવામાં આવ્યું છે એટલે ખોવાઈ જવાનો એ ડર, રસ્તો શોધવાના પ્રયત્નો, આત્મવિશ્વાસના બળથી બેઠા થવાનો અનુભવ આપણને થયો જ નથી. જીવનમાં એવા અનુભવ પણ થવા જોઈએ, જે ક્યારેક તમને ભૂલા પાડી દે અને ‘હવે શું થશે’ના પ્રશ્ન પર લાવી દે.

વિસાપુર ફોર્ટના પ્લાન્ડ છતાં અનપ્લાન્ડ બની ચૂકેલા પ્રવાસમાંથી પાછા ફર્યા બાદ અનુભવ થયો કે પ્રવાસ ગમે તેવો કઠીન કે ખરાબ રહ્યો હોય, પણ અંતે એ તમારા અસ્તિત્વમાં કંઈક ઉમેરે જ છે, ક્યારેય ઓછું નથી કરતું. પુણે, મહારાષ્ટ્રમાં આવેલ પ્રખ્યાત હિલ સ્ટેશન એટલે લોનાવાલા, જ્યાં ચોમાસા દરમ્યાન કુદરત પોતાની ચરમસીમાએ ખીલી ઊઠે છે, પુણેના હિલ સ્ટેશન, જંગલો, ધોધ, ડુંગરો અને કિલ્લાઓથી ભરપૂર ટ્રેકિંગનાં અઢળક સ્થાનો વર્ષોથી ભારતીયોને આકર્ષે છે.

લોનાવાલાના વિસાપુર-માલાલવી ગામમાં આવેલ મહારાષ્ટ્રનો સહુથી ઊંચો કિલ્લો એટલે વિસાપુર કિલ્લો. મુંબઈ-પુણે તેમજ ગુજરાતથી ટ્રેન મારફતે લોનાવાલા પહોંચી શકાય છે. વિસાપુર ટ્રેક જ્યાંથી શરૂ થાય છે એ માલાલવી ગામ લોનાવાલાથી ૧૦ કિ.મી.ના અંતરે આવેલ છે જે લોનાવાલા, પુણે અને મુંબઈની લોકલ ટ્રેન દ્વારા સંકળાયેલું છે. માલાલવી જેવા અનેક નાનાં ગામડાંઓને સાંકળતી મેમુ ટ્રેન દર એક કલાકે લોનાવાલાથી પસાર થાય છે.વિસાપુર કિલ્લા પર પહોંચવા માટે માલાલવીથી મુખ્યત્વે ત્રણ રસ્તાઓ છે. એક પાટણ ગામ થઈને, બીજો ભાજે ગુફા થઈને અને ત્રીજો ગાયમુખ ખીંડ થઈને. સાઈન બોર્ડના માર્ગદર્શનથી વિસાપુર ફોર્ટ પહોંચવા આગળ વધતાં ગયાં. પરંતુ કહેવાય છે ને તમારી યોજના કરતાં ઈશ્વરે તમારા માટે બનાવેલી યોજના વધુ સારી હોય છે!

પહાડમાંથી છૂટા પડેલા મોટા પથ્થરો અને ઝરણાને પસાર કરતા ઉપર તો ચઢતા ગયાં, પણ એકાદ કિ.મી. જેવું ચઢ્યા ત્યાં તો કેડી જ ખત્મ. બધી બાજુ લીલી હરિયાળી અને વૃક્ષોથી ફેલાયેલા જંગલ વચ્ચે ‘ ફસાયેલાં અમે ને નીચે પાછળ છૂટેલા ગામનો અદ્ભૂત નજારો! અમારી સાથે જ પુણેથી આ ટ્રેકિંગમાં ગાઈડ વિના આવેલા અન્ય છએક યુવક-યુવતીઓ હતાં. કોઈને સાચા રસ્તાની ખબર નહોતી.

ખૂબ મથામણ કરવા છતાં આગળ વધવાનો વ્યવસ્થિત કેડીવાળો માર્ગ નજરે પડતો નહોતો. આખરે પૂરા કલાકની મહેનત બાદ નછૂટકે નિરાશ થઈ પરત નીચે આવતાં હતાં ત્યાં એક ભાઈએ અમને સાચો રસ્તો બતાવ્યો અને અમારા જોશમાં જોશ આવ્યું. ગુજરાતના સોનગઢ, ડાંગમાં પ્રસરેલા ગાઢ જંગલોનો તો અમારી આંખોને પરિચય હતો, પણ મહારાષ્ટ્રનાં ગીચ જંગલોનો પરિચય પહેલી વાર થવા જઈ રહ્યો હતો. સ્થળ ગમે તે હોય, પણ પ્રકૃતિની સુંદરતાની તુલના ક્યારેય ન થઈ શકે. કુદરત પોતાની સભરતા અને શોભા તેને જોનાર અને અનુભવનારની આંખોમાં પૂરે છે, એમના આત્માને આનંદથી સભર કરે છે.

વચ્ચે આવતાં ધોધના ઠંડા નીરમાં નહાતાં, રમતાં, ફોટોગ્રાફી કરતાં, સફેદ-ભૂરા વાદળાંની શોભા નિહાળતાં અમે ૧૦૮૪ મીટરની ઊંચાઈ પર સ્થિત વિસાપુર કિલ્લાની ટોચ પર પહોંચ્યા ત્યારે આખું વાતાવરણ વરસાદી ધુમ્મસમાં લપેટાઈ ગયું હતું. ૧૭૦૦ ની સદીમાં મહારાષ્ટ્ર સામ્રાજ્યના પહેલા પેશવા બાલાજી વિશ્વનાથે વિસાપુર કિલ્લો બનાવડાવ્યો હતો. એ પહેલાં લોહગઢ કિલ્લો બનાવવામાં આવ્યો હતો. વિસાપુર પહોંચીને થોડું ઉપર ચાલીએ એટલે લોહગઢ કિલ્લા પર પહોંચી શકાય છે. બાલાજી વિશ્વનાથે બનાવેલ વિસાપુર કિલ્લામાં ગુફાઓ, પાણીના કુંડ, પત્થરમાં કોતરાયેલી કમાનો, સીતા-રામ હનુમાનજીની છબીઓ અને મંદિરો બનાવેલાં હતાં.

પરંતુ સને ૧૮૧૮ માં વિસાપુર કિલ્લાની ઊંચાઈ અને લોહગઢની નિકટતાનો ઉપયોગ કરીને બ્રિટીશ સૈનિકોએ વિસાપુર કિલ્લા પર તોપો ચઢાવી લોહગઢ પર બોમ્બમારો કર્યો હતો. આથી મરાઠાઓને ભાગી જવાની ફરજ પડી હતી અને અંગ્રેજોએ ઉત્તર અને દક્ષિણ બન્ને તરફના પ્રવેશો ઉડાવીને વિસાપુર અને લોહગઢ પર પોતાનો કબજો કરી લીધો હતો. આજે થોડી દીવાલો અને એમાં કોતરાયેલા હનુમાનજી સિવાય તમને વિસાપુર કિલ્લો પૂરેપૂરો ખંડિત થઈ ગયેલો જોવા મળશે, તેની સરખામણીએ લોહગઢ કિલ્લાના અનેક અવશેષો હજુ જીવંત છે. મહારાષ્ટ્રના સહુથી ઊંચા કિલ્લા વિસાપુરની ટોચ ઉપર વરસાદ અને ધુમ્મસ આચ્છાદિત પ્રકૃતિમાં ચોતરફ ફેલાયેલા લીલાછમ ડુંગરો અને નીચે ફેલાયેલા ગામનો રમણીય નજારો જોઈને સમગ્ર થાક ઊતરી ગયો. પ્રકૃતિની શોભાને મન ભરીને માણ્યા બાદ અમે નીચે તરફ પ્રસ્થાન શરૂ કર્યું.

દસથી પંદર વ્યક્તિઓ સાથેનું અમારું ટ્રેકિંગનું ઝુંડ પોતપોતાની મસ્તીમાં નીચે ઉતરતાં છૂટું પડતું ગયું. પરંતુ થોડું નીચે ઊતર્યાં ત્યાં, ચાલતાં હતાં તે કેડી સિવાય રસ્તાના અનેક ફાંટા નજરે પડ્યા ને શરૂ થઈ અમારી વિમાસણ. ચઢ્યા ત્યારે અંતરિયાળ જંગલમાંથી જતો પત્થરો, વૃક્ષો અને ધોધથી ભરપૂર ચઢાણવાળો રસ્તો હતો, જયારે નીચે ઉતરતા અમે પહોંચી ગયાં હતાં સપાટ વિશાળ મેદાનની વચ્ચે. ન કોઈ સાઈનબોર્ડ, ન કોઈ પશુ કે વ્યક્તિનાં પગલાં, ન ધોધનો અવાજ. માત્ર ઘાસ અને ચીકણી માટીથી લથપથ મેદાન અને એકલદોકલ વૃક્ષો. છતાં આગળ કેડી મળશે, એવી આશ સાથે અમે આગળ તો વધતાં જતાં હતાં, પણ થોડું આગળ જઈએ એટલે કેડી વચ્ચે ઊગી ગયેલા ઝાડ-પાન અમારો રસ્તો રોકી લેતા. ડુંગરની વચ્ચોવચ્ચ ઊભેલા અમે સૌ એ બે કિ.મી. જેટલું ચાલી લીધું, છતાં રસ્તો જાણે અમારાથી રિસાયો હોય એમ દેખાતો જ નહતો.
– મીરાં જોશી
– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top