Sports

ગુજરાત ટાઈટન્સ સામે KKRની જીત: રિંકુ સિંહે છેલ્લી ઓવરમાં 5 સિક્સ ફટકારી હારેલી બાજી જીતાવી

IPL 2023 ની 13મી મેચ (Match) ગુજરાત ટાઇટન્સ અને કોલકાતા નાઇટ રાઇડર્સ (KKR) વચ્ચે અમદાવાદના (Ahmedabad) નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં KKRએ રોમાંચક વળાંક પર ગુજરાત ટાઇટન્સને 3 વિકેટે હરાવ્યું હતું. રિંકુ સિંહ મેચનો હીરો (Hero) બન્યો હતો. તેણે છેલ્લી ઓવરમાં 5 સિક્સર ફટકારી અને ટીમને શાનદાર જીત અપાવીને આજનો આ દિવસ પોતાના નામ કરી દીધો હતો.

આ મેચમાં ગુજરાત ટાઈટન્સના કેપ્ટન રાશિદ ખાને હેટ્રિક લઈને મેચને ફેરવી નાખી હતી પરંતુ રિંકુ સિંહે તેની મહેનત પર પાણી ફેરવી દીધું હતું. તેણે 5 સિક્સર ફટકારી KKRને શાનદાર જીત અપાવી હતી. છેલ્લી ઓવરમાં કોલકાતાને જીતવા માટે 29 રનની જરૂર હતી. ઉમેશ યાદવે પહેલા બોલ પર સિંગલ લીધો અને તે પછી રિંકુનો શો શરૂ થયો. રિંકુ સિંહે યશ દયાલની બોલ પર છેલ્લા પાંચ બોલમાં સિક્સર ફટકારીને કોલકાતા નાઈટ રાઈડર્સનું નામ રોશન કર્યું હતું.

આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાત ટાઇટન્સ ટીમે 4 વિકેટે 204 રન બનાવ્યા હતા. જવાબમાં KKR તરફથી વેંકટેશ અય્યરે 83 અને કેપ્ટન નીતિશ રાણાએ 45 રન બનાવ્યા હતા. છેલ્લે રિંકુ સિંહે ગુજરાતને હંફાવી હતી. તેણે 21 બોલમાં 48 રન બનાવ્યા જેમાં એક ફોર અને 6 સિક્સ સામેલ હતી. આ મેચ ખૂબ જ રોમાંચક રહી હતી. KKR ટીમ છેલ્લા શ્વાસ સુધી લડતી વખતે હિંમત હારી ન હતી. અંતે ટીમે છેલ્લા બોલ પર મેચ જીતી લીધી હતી.

શુભમન ગિલ (39) અને રિદ્ધિમાન સાહાએ (17) ફરી ટીમને ઝડપી શરૂઆત અપાવી હતી. ટીમનો સ્કોર 11.4 ઓવરમાં 100 રનમાં 2 વિકેટે થઈ ગયો હતો. આ પછી રનની ગતિ બંધ થઈ ગઈ. 18 ઓવરમાં સ્કોર માત્ર 159 રન હતો. સુનીલ નરેને 4 ઓવરમાં માત્ર 33 રન આપીને 3 વિકેટ લીધી હતી. જ્યારે સુયશ શર્માએ 4 ઓવરમાં 35 રન આપીને એક વિકેટ લીધી હતી. અંતે વિજય શંકરે 21 બોલમાં ધમાકેદાર ફિફ્ટી ફટકારી અને ટીમનો સ્કોર 200 સુધી પહોંચાડ્યો. IPLમાં પહેલીવાર ગુજરાતની ટીમે 200નો આંકડો પાર કર્યો અને KKRને 205 રનનો ટાર્ગેટ આપ્યો. ગુજરાતે છેલ્લી બે ઓવરમાં 45 રન બનાવ્યા હતા અને વિજય શંકરે 24 બોલમાં અણનમ 63 રન બનાવ્યા હતા.

Most Popular

To Top