Editorial

આંતરરાષ્ટ્રીય નાણાકીય વ્યવહારોમાં અમેરિકી ડૉલરનું પ્રભુત્વ નાબૂદ થઇ જશે?

હાલમાં ભારતની મુલાકાતે આવી ગયેલા રશિયન વિદેશ મંત્રી સર્ગેઇ લાવરોવે  જણાવ્યું હતું કે રશિયાએ પશ્ચિમી પ્રતિબંધોને અસરને વળોટી જવા માટે ભારત તથા તેના અન્ય ભાગીદારો સાથે વેપાર રાષ્ટ્રીય ચલણોમાં કરવાની દિશામાં આગળ વધવાનું શરૂ કર્યું છે. આમ તો રશિયાએ યુક્રેન સાથેના યુદ્ધના સમયમાં ભૂંરાટા થઇને અને અકળાઇને ઘણા દેશો પર પોતાના ઉત્પાદનો રૂબલમાં ખરીદવાનું દબાણ કર્યું છે પરંતુ ભારત સાથેના તેના રૂબલના વ્યવહારો જુદી બાબત છે. ભારત અને ચીન સાથે રશિયાએ રૂબલમાં જ વેપાર વ્યવહારો કરવા માટેના ગંભીર પ્રયાસો કર્યા છે અને બંને દેશો તરફથી રશિયાને ઉમળકાભર્યો પ્રતિસાદ મળ્યો છે. વાસ્તવમાં ચીને તો રશિયા સાથે મળીને આ દિશામાં નક્કર પ્રયાસો છેલ્લા કેટલાક સમયથી શરૂ કરી જ દીધા છે.

લાવરોવે ભારતમાં રૂબલ અંગેની ટિપ્પણીઓ વિદેશ મંત્રી એસ. જયશંકર સાથેની મોટા પાયા પરની દ્વિપક્ષી મંત્રણા પછી કરી હતી જે મંત્રણામાં રશિયા-યુક્રેન યુદ્ધ અને ભારત તથા રશિયાના સંબંધો પર તેની અસરોની ચર્ચા થઇ હતી. આ મંત્રણાઓ એના એક દિવસ પછી યોજાઇ હતી જ્યારે અમેરિકાએ ચેતણવી આપી હતી કે રશિયા પરના અમેરિકાના પ્રતિબંધોને વળોટવાનો પ્રયાસ કરાશે તો તેના સંજોગોનો સામનો કરવો પડશે.તેમણે એમ પણ વધુમાં કહ્યું હતું કે આ બાબતે તેમણે ભારત તરફથી કશું સાંભળ્યું નથી. રૂપિયા-રૂબલ પેમેન્ટ સિસ્ટમ અંગે પ્રશ્ન પૂછવામાં આવતા લાવરોવે કહ્યું હતું કે આવી વ્યવસ્થાથી ભારત અને ચીન જેવા દેશો સાથે ઘણા વર્ષો અગાઉથી વેપાર શરૂ કરવામાં આવ્યો છે અને પશ્ચિમી પેમેન્ટ સિસ્ટમ્સને બાયપાસ કરવાના પ્રયાસો હવે સઘન બનાવાશે. દેખીતી રીતે હવે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે કે વૈશ્વિક વેપારમાં ડોલરની એકહથ્થુતાને પડકાર આપવાના ગંભીર પ્રયાસો શરૂ થઇ ગયા છે. ચીન અને રશિયાએ એવા ઘણા પગલાઓની શરૂઆત કરી દીધી છે કે જે સરહદ પારના નાણાકીય વ્યવહારો ડોલરમાં કરવાને બદલે પોતાના ચલણમાં કરી શકાય. આ બંને દેશોએ સ્વીફ્ટને સમાંતર એવી આંતરરાષ્ટ્રીય ઇન્ટરબેન્ક પેમેટ સિસ્ટમ વિકસાવવાની દિશામાં પ્રગતિ કરી છે. આ બંને દેશોએ તેમના ચલણોને ટેકો આપવા માટેના ગોલ્ડ હોલ્ડિંગ્સ વધાર્યા છે અને એવી ઘણી પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાઓ કે જેમાં તેઓ ભૂમિકા ભજવે છે તેમાં તેમણે નેશનલ કરન્સી સ્વેપ કરારો શરૂ કર્યા છે.

આનાથી દેખીતી રીતે ડોલરમાં વ્યવહારો કરવાની બાબતનો છેદ ઉડી જાય છે. આ ઉપરાંત માર્ચ ૨૦૨૦માં શાંઘાઇ કોઓપરેશન સંગઠન કે જેમાં ભારત પણ એક સભ્ય છે તેના નાણા મંત્રીઓની બેઠક મળી ત્યારે દ્વિપક્ષિ વેપાર, રોકાણો વગેરે રાષ્ટ્રીય ચલણોમાં કરવા માટેની એક રૂપરેખા તૈયાર કરવા બાબતે સંમતિ સધાઇ હતી અને કોવિડના રોગચાળા દરમ્યાન અમેરિકાએ ડોલરના વૈશ્વિક પ્રભુત્વના આધારે જે પગલાઓ ભર્યા તેનાથી આ સંગઠનની આ ગતિવિધિને વધુ વેગ મળ્યો હોવાનું માનવામાં આવે છે. જો કે હજી આ સંગઠનના દેશો વચ્ચે પોતાના જ ચલણોમાં વ્યવહારો કરવાનું સંપૂર્ણ શરૂ થયું નથી.

આમ પણ આંતરરાષ્ટ્રીય વેપાર અને લેવડ દેવડમાં ડોલરના પ્રભુત્વનો લાભ લઇને અમેરિકા જે દાદાગીરી જેવું વર્તન ઘણી વખત કરતું આવ્યું છે તેનાથી અનેક દેશો રોષે ભરાયેલા હતા. ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે અમેરિકી પ્રમુખ હતા તે સમયે તો ડોલરના આ પ્રભુત્વને કારણે અમેરિકાની દાદાગીરી ખૂબ વધી ગઇ હતી. ખાસ કરીને કોરોનાવાયરસના રોગચાળાના સયમમાં અમેરિકાએ જે વર્તન કર્યું તેનાથી તેની સામેની નારાજગીમાં ઘણો વધારો થયો. સામે છેડેના દેશો હવે પોતાની રીતે વળતો ફટકો મારવા માટે સજ્જ થઇ રહ્યા હતા અને તેમણે ડોલરને અવગણીને પોતાના ચલણોમાં પરસ્પરના વ્યવહારો કરવા માટેની વ્યવસ્થાઓ ગોઠવવા માંડી. છેલ્લા થોડા સમયથી આ દિશામાંની વૈશ્વિક હિલચાલમાં નોંધપાત્ર વધારો થયો છે. અને લાગે છે કે જો આ જ ગતિથી આ દિશામાં આગળ વધવાનું વિવિધ દેશો ચાલુ રાખશે તો થોડા વર્ષોમાં આંતરરાષ્ટ્રીય ચલણ તરીકેનો ડોલરનો દરજ્જો સંપૂર્ણ નાબૂદ નહીં થાય તો યે વૈશ્વિક નાણાકીય વ્યવહારો પરનું તેનું પ્રભુત્વ તો મોટા પાયે ઘટી જશે.

Most Popular

To Top