Sports

ઇંગ્લેન્ડના સામે પુજારા-પંતનો કાઉન્ટર એટેક છતાં ટીમ ઇન્ડિયા બેકફૂટ પર

અંહી રમાઇ રહેલી પ્રથમ ટેસ્ટના ત્રીજા દિવસે ઇંગ્લેન્ડે બનાવેલા 578 રનના વિશાળ સ્કોરની સામે ટોપ ઓર્ડરના ધબડકા પછી ઋષભ પંત અને ચેતેશ્વર પુજારાએ કરેલા કાઉન્ટર એટેક છતાં ભારતીય ટીમ 6 વિકેટે 257 રનના સ્કોર સાથે બેકફૂટ પર ધકેલાઇ છે. આજની ત્રીજા દિવસની રમત બંધ રહી ત્યારે ભારતીય ટીમ ઇંગ્લેન્ડના પ્રથમ દાવના સ્કોર કરતાં હજુ 321 રન પાછળ છે.

સ્ટમ્પના સમયે વોશિંગ્ટન સુંદર 33 જ્યારે રવિચંદ્રન અશ્વિન 8 રને રમતમાં હતા. આજે સવારે ઇંગ્લેન્ડનો દાવ પુરો થયા પછી પ્રથમ દાવ લેવા મેદાને ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને બોર્ડ પર માત્ર 19 રન હતા ત્યારે રોહિત શર્મા આઉટ થયો હતો. સારા ટચમાં દેખાતો શુભમન ગીલ 29 રન બનાવીને આઉટ થયો હતો અને તે પછી વિરાટ કોહલી તેમજ અજિંકેય રહાણને વિકેટ નજીકના ગાળામાં પડતાં ભારતીય ટીમનો સ્કોર 4 વિકેટે 73 રન થયો હતો.

પુજારા સાથે બેટિંગમાં જોડાયેલા પંતે તે પછી ઇંગ્લીશ સ્પિનર જેક લીચને નિશાન બનાવીને તડાફડી કરી હતી. બંનેએ મળીને પાંચમી વિકેટની 119 રનની ભાગીદારી કરી હતી. પંતે હંમેશ મુજબ નિડર બનીને બેટિંગ કરી હતી, જ્યારે પુજારાએ પણ અપેક્ષા કરતાં ઝડપી રમત બતાવી હતી. બંને ખેલાડીઓએ અર્ધસદી પુરી કરી હતી જેમાં પંતે માત્ર 40 બોલમાં પોતાની અર્ધસદી પુરી કરી લીધી હતી.

સારી લયમાં જણાતો પુજારા કમનસીબ રીતે અંગત 73 રને આઉટ થયો હતો. પંત 91 રને હતો ત્યારે ડોમ બેસને વિથ ધ સ્પીન છગ્ગો મારવાના પ્રયાસમાં આઉટ થયો હતો. તે પછી સુંદર અને અશ્વિને સંયમિત રમત બતાવીને અંતિમ 17 ઓવરોમાં ભારતીય ટીમને વધુ કોઇ નુકસાન થવા દીધું નહોતું. આ બંનેએ દિવસના અંત સુધીમાં 32 રનની નોટઆઉટ ભાગીદારી કરી હતી.

Click to comment

You must be logged in to post a comment Login

Leave a Reply

Most Popular

To Top