Gujarat

વાઈબ્રન્ટ સમિટ 2024માં કેનેડાને પાર્ટનર કન્ટ્રીના દરજ્જાનો આખરી નિર્ણય PM મોદી પર છોડાયો

ગાંધીનગર: આગામી જાન્યુઆરી 2024માં યોજાનાર વાઈબ્રન્ટ સમિટમાં (Vibrant Summit) કેનેડા (Canada) પાર્ટનર કંન્ટ્રી તરીકે નીકળી જાય તેવી સંભાવના વધી રહી છે. ખાસ કરીને ભારત (India) તથા કેનેડા વચ્ચે વધી રહેલા તનાવભર્યા સંબંધોના કારણે હવે કેનેડાને આમંત્રણ અપાશે કે કેમ તે મુદ્દે પ્રશ્નાર્થ ખડો થયો છે.

  • ખાલિસ્તાની કટ્ટરપંથીની હત્યા બાદ ભારત સાથેના વણસી રહેલાં સંબંધો વચ્ચે કેનેડા આમંત્રણ ગુમાવે તેવી શક્યતા વધુ

ગત 18મી જુન 2023ના રોજ કેનેડાના સૂર્રેમાં ગુરૂદ્વારાની બહાર કેટલાંક હુમલાખોરો દ્વારા ખાલીસ્તાની કટ્ટરપંથી હરદીપસિંગ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. ભારત સરકારે તેને 2020માં ડેઝીગ્નેટેડ ત્રાસવાદી જાહેર કર્યો હતો. તાજેતરમાં કેનેડાના પીએમ જસ્ટીન ટ્રુડોએ સંસદમાં નિવેદન આપીને એવો આક્ષેપ કર્યો હતો કે ભારતીય ઈન્ટેલીજન્સ એજન્સીના એજન્ટ દ્વારા હરદીપસિંગ નિજ્જરની હત્યા કરાઈ છે.

અલબત્ત, આ નિવેદનના સમર્થનમાં કોઈ મજબૂત પુરાવા રજુ કરી શકયા નહોતા. તે જ દિવસે કેનેડાની સરકાર દ્વારા ટોરોન્ટોમાં ભારતીય હાઈકમિશ્નરની ઓફિસમાંથી એક સિનીયર ભારતીય ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી હતી. તે જ દિવસે નવી દિલ્હીએ પણ એક સિનીયર કેનેડિયન ડિપ્લોમેટની હકાલપટ્ટી કરી દીધી હતી. આ ઉપરાંત નવી દિલ્હીમાંથી કેનેડીયન એમ્બેસીમાંથી પણ સ્ટાફ ઘટાડવાનું કહી દેવાયું છે. આ રીતે બન્ને દેશો વચ્ચેના સંબંધો વણસેલા છે. તેવામાં કેનેડા પાર્ટનર કંન્ટ્રી તરીકે નીકળી જાય તેવી સંભાવના છે.

સચિવાલયના સત્તાવાર સૂત્રોએ કહ્યું હતું કે, કેનેડાને પાર્ટનર કંન્ટ્રી તરીકે સાથે રાખવાનો આખરી નિર્ણય પીએમઓ પર છોડી દેવાયો છે. સૂત્રોએ કહ્યું હતું કે તા.6ઠ્ઠી ઓકટોબરે નવી દિલ્હીમાં હોટેલ તાજ ખાતે યોજનાર મહત્વની બેઠકમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ બીઝનેસ લીડર્સ તથા રાજદ્વારીઓને પણ મળનાર છે. જેમાં ગુજરાતમાં રોકાણ માટે ચર્ચા કરશે. તેવી જ રીતે સીએમ મુંબઈ ખાતે બિઝનેસ મીટમાં હાજરી આપશે.

Most Popular

To Top