National

સરકાર ઓક્સિજન પણ પૂરો પાડી શકતી નથી તે દુ:ખદ બાબત

કોરોનાની બીજી લહેરે ભારત (India) દેશના નેતૃત્વની આવડત પર પ્રશ્નાર્થ ચિન્હ મૂકી દીધું છે. ગણતરીના કલાકોમાં હોસ્પિટલો ઉભી કરી દઇને સોશિયલ મીડિયામાં વીડિયો ક્લિપ મૂકી વાહવાહી લૂંટતા નેતાઓએ એક વખત ઓક્સિજનના (Oxygen) અભાવે તરફડી રહેલા દર્દીઓ અને તેમના સ્વજનોના કપાળ પર પડતી ચિંતાઓની કરચલીઓ એક વખત જોઇ લેવી જોઇએ. તો તેમને ખબર પડશે કે વાસ્તવિકતા શું છે? માત્ર ચાર દિવાલોની વચ્ચે બેડ ઉભા કરીને નેતાઓ હોસ્પિટલ ઉભી કરી દેવાનો પ્રચાર આખી દુનિયામાં (World) કરે છે. પરંતુ તેમને એ ખબર નથી કે આ સર્જિકલ બેડ નથી આ માત્ર ખાટલાઓ છે. તબીબો, નર્સિંગ અને ટેકનિકલ સ્ટાફ તેમજ દવા ઇન્જેકશનનો પૂરતો જથ્થો નહીં હોય તેને હોસ્પિટલ કેવી રીતે કહી શકાય.

કોરોનાના આ કપરા કાળમાં છેલ્લા એક મહિનાથી દર્દીઓના સ્વજનોને અહેસાસ થઇ ચૂક્યો હશે કે તેઓ કયા યુગમાં જીવી રહ્યાં છે? એક તરફ સ્વજનનો દર્દી ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે તો બીજી તરફ તેના સ્વજનો ટિફિન, રેમડેસિવિરની લાઇનમાં ઉભા રહેવા માટે મજબૂર થઇ ગયા છે. દર્દીને બચાવવા માટે તમામ પ્રયત્નો કરવા છતાં પણ જો તે આંખ મીંચી દે ત્યાર પછી પણ કતારની કવાયત પૂરી થતી નથી. શ્વાસ અટકી ગયા પછી સ્મશાનભૂમિ અને કબ્રસ્તાનમાં કતાર લાગે છે અને સ્મશાનભૂમિમાં જો જગ્યા મળી જાય તો લાકડા પણ નસીબ થતાં નથી.

હવે છેલ્લા કેટલાક સમયથી દેશમાં જે રીતે ઓક્સિજનનો અભાવ ઉભો થયો છે તે ખૂબ જ ગંભીર બાબત છે. કોરોનાની પહેલી લહેર હોય તો સરકારી મશીનરી પાસે અનુભવનો અભાવ હોય અને ક્ષતિ રહી જાય તો તે સમજી શકાય તેવી બાબત છે પરંતુ આ તો બીજી લહેર છે. ઓક્સિજનના અભાવે કોરોનાના દર્દીઓ તરફડિયા ખાઇ ખાઇને મરી રહ્યાં છે. દિલ્હીની હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે 22 દર્દીઓનાં મોત થઇ ગયા એટલે નેશનલ ન્યૂઝ બની ગયા એટલે સરકાર દોડતી થઇ ગઇ છે. પરંતુ નાના નાના શહેરોમાં અને નાની નાની હોસ્પિટલોમાં બનતી ઘટનાઓ પર અત્યાર સુધી કોઇએ ધ્યાન જ નથી આપ્યું તેનું આ પરિણામ છે. બહુ દૂર જવાની જરૂર નથી. થોડા દિવસ પહેલા નવસારીની મુલ્લા હોસ્પિટલમાં ઓક્સિજનના અભાવે છ દર્દીઓના મોત થઇ ગયા હતા. આવી તો અનેક ઘટનાઓ કેટલાય શહેરોમાં બની ચૂકી હશે પરંતુ વાત દિલ્હીની આવી એટલે સરકાર દોડતી થઇ છે.

તાજેતરમાં જ અરવિંદ કેજરીવાલે જાહેરાત કરી હતી કે દિલ્હીની જુદી જુદી હોસ્પિટલોમાં ઓક્સિજન ઉપર રહેલા દર્દીઓ માટે 730 ટનની જરૂરિયાત છે તેની સામે માત્ર 350 ટન પૂરવઠો જ મળી રહ્યો છે. વડા પ્રધાન સાથે થયેલી વીડિયો કોન્ફોરન્સમાં અરવિંદ કેજરીવાલે હાથ જોડીને કહેવું પડે કે અમને ઓક્સિજન આપો તે વાત જ ખૂબ જ સૂચક છે. જ્યારે એક રાજ્યના મુખ્યમંત્રીએ ઓક્સિજન માટે જાહેરમાં હાથ જોડવા પડતાં હોય તો દેશનો સામાન્ય માણસ તેની વ્યવસ્થા કઇ રીતે કરી શકે. અરવિંદ કેજરીવાલે વીડિયો કોન્ફોરન્સને લાઇવ કરી દેતાં વડા પ્રધાન નારાજ થઇ ગયા તો કેન્દ્રીય આરોગ્યમંત્રી હર્ષવર્ધન તેમની તરફેણમાં ઉતરી આવ્યા અને સ્ટેટમેન્ટ કરી દીધું કે દિલ્હીને તેની જરૂરિયાત કરતા ઓક્સિજનનો વધુ ક્વોટા ફાળવવામાં આવ્યો છે. હવે કેન્દ્રીય મંત્રીએ પણ સમજવું જોઇએ કે, ઓક્સિજન માટે ક્વોટા નહીં હોય તેને ગુજરાતી ભાષામાં પ્રાણવાયું કહેવાય છે. અરવિંદ કેજરીવાલ તેમના ઘર માટે નહીં પરંતુ દર્દીઓ માટે ઓક્સિજન માંગી રહ્યાં છે.

દિલ્હી હાઇકોર્ટે પણ આકરા શબ્દોમાં કહેવું પડ્યું કે, ઓક્સિજનની સપ્લાય રોકનારાઓને અમે લટકાવી દઇશું. આ એક પછી એક બનેલી ઘટનાઓ જ સાબિત કરે છે કે ઓક્સિજનનો મુદ્દો દેશ માટે અત્યારે કેટલો મહત્વનો બની ગયો છે. દુનિયાના દરેક દેશમાં કોરોનાની બીજી અને ત્રીજી લહેર આવી ચૂકી છે ત્યારે ભારતમાં બીજી લહેર આવે તો શું તેના માટે કેન્દ્ર અને રાજ્ય બંને સરકાર પાસે પૂરતો સમય હતો. કોરોના માટેની દવા જેમકે ફેબીફ્લુ, રેમડેસિવિર ઇન્જેકશન, બાયપેપ, ઓક્સિજન અને વેન્ટિલેટર માટે એડવાન્સમાં વ્યવસ્થા કરવામાં સરકારે જે ચૂક કરી છે તેનું પરિણામ આજે ભારતની પ્રજા ભોગવી રહી છે. આ પ્રકારના આયોજન કરવાના બદલે કેન્દ્રના નેતા બંગાળની ચૂંટણીમાં વ્યસ્ત હતા અને રાજ્યનું નેતૃત્વ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવામાં વ્યસ્ત હતું. હવે આ સ્થિતિમાં દર્દીના સ્વજનો ઓક્સિજન માટે દરબદરની ઠોકર ખાઇ રહ્યાં છે જે દુખદ બાબત છે.

Most Popular

To Top