Business

ભારતમાં નેનો સાઈઝની સસ્તી ઇલેક્ટ્રિક કાર લોન્ચ, જાણો કિંમત અને ફિચર્સ

મુંબઈ: મુંબઈની EV સ્ટાર્ટઅપ PMV Electric કંપનીએ ભારતમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરી છે. નેનો સાઇઝની આ EVને EaS-E નામ આપવામાં આવ્યું છે. PMV EaS-E હવે સત્તાવાર રીતે ભારતમાં સૌથી વધુ સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. PMV ઇલેક્ટ્રિકે EAS-Eને 4.79 લાખની પ્રારંભિક કિંમતે લોન્ચ કરી છે. કંપનીએ કહ્યું છે કે આ એક પ્રારંભિક કિંમત છે અને તે ફક્ત પ્રથમ 10,000 ગ્રાહકો માટે જ લાગુ થશે. 

PMV એ તેના સત્તાવાર લોન્ચિંગ પહેલા EV માટે લગભગ 6,000 બુકિંગ કરી લીધા છે. આ ઈલેક્ટ્રિક કારનું બુકિંગ PMV વેબસાઈટ પર 2,000 રૂપિયામાં થઈ રહ્યું છે. EaS-E એ PMV ઇલેક્ટ્રિકનું પ્રથમ વાહન છે. કંપની ઇચ્છે છે કે આ લોકો માટે રોજિંદી કાર બને જેનો તેઓ દરરોજ ઉપયોગ કરશે. PMVનો ઉદ્દેશ્ય ઇલેક્ટ્રિક પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV) નામનો એક સંપૂર્ણ નવો સેગમેન્ટ બનાવવાનો છે. 

ત્રણ લોકો આ કારમાં બેસી શકશે
PMV EaS-E પણ દેશમાં ખરીદી શકાય તેવી સૌથી નાની ઇલેક્ટ્રિક કાર છે. આ કારમાં બે પુખ્ત વયના લોકો સાથે એક બાળક બેસી શકે છે. EV સ્પષ્ટપણે શહેરોમાં ઉપયોગ માટે ડિઝાઇન કરવામાં આવી છે. તેની લંબાઈ 2,915 mm, પહોળાઈ 1,157 mm અને ઊંચાઈ 1,600 mm છે. તેનું વ્હીલબેઝ 2,087 mm હશે જ્યારે ગ્રાઉન્ડ ક્લિયરન્સ 170 mm હશે. ઉપરાંત, EVનું વજન લગભગ 550 કિલો હશે.

PMV EaS-E ત્રણ વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે
કંપનીનો દાવો છે કે એકવાર ફુલ ચાર્જ થયા બાદ વાહનોની ડ્રાઇવિંગ રેન્જ 120 કિમીથી 200 કિમીની વચ્ચે હશે. ડ્રાઇવિંગ રેન્જ ગ્રાહક દ્વારા પસંદ કરાયેલ વેરિઅન્ટ પર નિર્ભર રહેશે. PMVનો દાવો છે કે વાહનની બેટરી માત્ર 4 કલાકમાં ચાર્જ થઈ શકે છે. ઉત્પાદક કાર સાથે 3 kW AC ચાર્જર ઓફર કરી રહી છે. EaS-E માં ડિજિટલ ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, યુએસબી ચાર્જિંગ પોર્ટ, એર કન્ડીશનીંગ, રીમોટ કીલેસ એન્ટ્રી અને રીમોટ પાર્ક આસિસ્ટ, ક્રુઝ કંટ્રોલ, સીટ બેલ્ટ અને ઘણું બધું મળશે.  PMV EaS-E ઇલેક્ટ્રિક કાર મહત્તમ 13 hp પાવર અને 50 Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. તેની ટોપ સ્પીડ 70 kmph છે અને તે માત્ર 5 સેકન્ડમાં 0 થી 40 kmph કરવાનો દાવો કરે છે. 

લોન્ચ દરમિયાન, PMV ઈલેક્ટ્રીકના સ્થાપક અને સીઈઓ કલ્પિત પટેલે જણાવ્યું હતું કે, “અમારી Eas-E ઈલેક્ટ્રીક કારે ભારતીય ઓટોમોટિવ ઉદ્યોગમાં SUV, સેડાન અને હેચબેક કેટેગરી સાથે પર્સનલ મોબિલિટી વ્હીકલ (PMV) નામની નવી શ્રેણી બનાવવાનો માર્ગ મોકળો કર્યો છે. અમે વહેલામાં વહેલી તકે ઉત્પાદન શરૂ કરવા આતુર છીએ.  હાલમાં પૂણેમાં તેનો ઉત્પાદન પ્લાન્ટ સ્થાપવા ભાગીદારો સાથે વાતચીત ચાલી રહી છે. આવતા વર્ષના મધ્ય સુધીમાં EV ની ડિલિવરી શરૂ કરવાનો અને ગ્રાહકો માટે ટેસ્ટ ડ્રાઈવ પણ હાથ ધરવાનું લક્ષ્ય છે. ”

Most Popular

To Top