National

ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ટ્રેનસેવા 2 વર્ષ બાદ શરૂ, કોલકાત્તામાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ

કોલકાત્તા: ભારત (India) અને બાંગ્લાદેશ (Bangladesh) વચ્ચે પેસેન્જર ટ્રેન (Train) સેવાઓ રવિવારથી (Sunday) ફરી શરૂ થઈ છે. કોલકાતા અને બાંગ્લાદેશના શહેરો વચ્ચે ચાલી રહેલી આ ટ્રેન વૈશ્વિક મહામારી કોરોના રોગચાળો ફાટી નીકળવાના કારણે માર્ચ, 2020 થી બંધ કરવામાં આવી હતી. બે વર્ષના લાંબા સમયગાળા પછી 29 મેથી આ ટ્રેનસેવા ફરી શરૂ થવા જઈ રહી છે. ભારત અને બાંગ્લાદેશના મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે. રેલ્વે બોર્ડે તાજેતરમાં કોલકાતા-ઢાકા મૈત્રી એક્સપ્રેસ અને કોલકાતા-ખુલના બંધન એક્સપ્રેસને 29 મેથી પુન: શરૂ કરવાના આદેશો જાહેર કર્યા છે. આ પછી ભારત-બાંગ્લાદેશ વચ્ચે દોડનારી આ બે મહત્વપૂર્ણ ટ્રેનો એટલે કે મૈત્રી અને બંધન એક્સપ્રેસને ફરીથી ચલાવવાની તૈયારીઓ ઝડપી થઈ ગઈ છે. મળતી માહિતી મુજબ મિતાલી એક્સપ્રેસ (ભારત-બાંગ્લાદેશ ટ્રેન સેવા) 1 જૂનના રોજ ન્યૂ જલપાઈગુડીથી ઢાકા માટે શરૂ થવાની છે.

શનિવારે કોલકાતામાં મુસાફરોની સુવિધાઓમાં સુધારો કરવા અને આ આંતરરાષ્ટ્રીય ટ્રેનોના પુનઃ સંચાલન માટે જરૂરી વ્યવસ્થા કરવા માટે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી. કોલકાતા સ્ટેશન પર પૂર્વ રેલવે દ્વારા આયોજિત આ ઉચ્ચ સ્તરીય સંકલન બેઠકમાં રેલવે, GRP, BSF, કસ્ટમ્સ અને ફોરેનર્સ પ્રાદેશિક નોંધણી વિભાગના અધિકારીઓએ ભાગ લીધો હતો. પૂર્વ રેલવેના સિયાલદહ ડિવિઝનના ડીઆરએમ એસપી સિંઘની અધ્યક્ષતામાં આ બેઠક યોજવામાં આવી હતી. આ દરમિયાન મૈત્રી અને બંધન એક્સપ્રેસના સંચાલનને લગતા વિવિધ પાસાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. બેઠક પછી, અધિકારીઓએ કોલકાતા સ્ટેશન પર ઇન્ટરનેશનલ પેસેન્જર ટર્મિનલનું પણ સંયુક્તપણે નિરીક્ષણ કર્યું હતું જેથી ટ્રેન સેવાઓ ફરી શરૂ કરવા માટે માળખાકીય સુવિધાઓની તૈયારી સુનિશ્ચિત કરી શકાય.

કોલકાતા અને બાંગ્લાદેશના શહેરો વચ્ચેની ટ્રેન સેવાઓ માર્ચ 2020 માં COVID-19 ના ફેલાવા સામે સાવચેતીના પગલા તરીકે સ્થગિત કરવામાં આવી હતી. રેલ્વે બોર્ડે 29મી મેના રોજ બાંગ્લાદેશ રેલ્વે રેક દ્વારા ઢાકાથી કોલકાતા-ઢાકા ફ્રેન્ડશીપ એક્સપ્રેસ અને ભારતીય રેલ્વે રેક દ્વારા કોલકાતાથી કોલકાતા-ખુલના બંધન એક્સપ્રેસ ફરી શરૂ કરવા માટેના આદેશો જારી કર્યા છે. આ ઉપરાંત ભારત અને બાંગ્લાદેશના રેલ્વે મંત્રીઓ દ્વારા મિતાલી એક્સપ્રેસને ડિજિટલી ફ્લેગ ઓફ કર્યા પછી 1 જૂનના રોજ રેલ ભવનથી NJP-ઢાકા મિતાલી એક્સપ્રેસની સેવાઓ પણ શરૂ કરવાની યોજના છે. આ સમય દરમિયાન બાંગ્લાદેશના રેલ્વે મંત્રી ભારતમાં હોવાની ઘારણા ધરવામાં આવી રહી છે.

Most Popular

To Top