Dakshin Gujarat

ખેરગામ તાલુકાના આ ગામમાં પાણી-બરફના બદલે પથ્થરોનો વરસાદ પડ્યો

ખેરગામ : મંગળવારે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વીજળીની ગાજવીજ સાથે જોરદાર વરસાદ વરસતા ચોમાસું બેઠું હોય તેવો માહોલ સર્જાયો હતો. ઠેરઠેર ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે દક્ષિણ ગુજરાતના ખેરગામ તાલુકાના એક ગામમાં પાણી કે બરફના બદલે પત્થરોનો વરસાદ વરસતા ગ્રામજનો હેરાન પરેશાન થઈ ગયા હતા

ખેરગામ (Khergam) તાલુકાના દેબરપાડા ગામે આવેલી ક્વોરીને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી જે સ્થિતિ બાજુમાં આવેલા ગૌરી ગામે પણ જોવા મળી રહી છે. વારંવાર બ્લાસ્ટિંગને કારણે ભૂકંપની માફક ધ્રુજારી થતાં લોકો ભયની વચ્ચે જીવી રહ્યા છે. વારંવાર ઘરો પર જાણે કરાની માફક પથ્થરોનો વરસાદ (Stone Rain) થતો હોય એવી સ્થિતિ જોવા મળી રહી છે.

કેટલાક ગરીબ પરિવારો માટે કોઈ વિકલ્પ પણ નહીં હોવાથી અહીં રહેવા મજબૂર બન્યા છે. તંત્રને પણ રજૂઆત કરો છતાં કોઈ સાંભળતું નથી. બુધવારે બપોરે આવી જ એક ઘટનામાં બ્લાસ્ટિંગના કારણે ઘરની છત પરથી પતરું તોડી એક પથ્થર ઘરમાં પડ્યો હતો. જેને કારણે ઘરવખરીને નુકસાન થયું હતું.

ખેરગામના દેબરપાડા ગામે આવેલી ક્વોરી સ્થાનિક લોકો માટે આફતરૂપ બની રહી છે. વારંવાર બ્લાસ્ટિંગને કારણે અહીં ધરતીકંપ આવ્યો હોય એ રીતે ધરા ધ્રૂજી ઊઠે છે. જેને કારણે દેબરપાડા અને ક્વોરીથી 200 મીટરના અંતરે આવેલા ગૌરી ગામના લોકો ભયના માહોલ વચ્ચે જીવી રહ્યા છે.

આકાશમાંથી જેમ વરસાદી કરા પડે તેમ અહીં બ્લાસ્ટિંગને કારણે આસપાસનાં ઘરોમાં પથ્થરો પડે છે. બુધવારે બપોરે 1 વાગ્યાના અરસામાં આવી જ એક ઘટના પ્રકાશમાં આવી હતી. દેબરપાડા ગામ નજીક ગૌરી ગામના રાનપાડા ફળિયામાં 40 ઘર આવેલા છે. જ્યાં ક્વોરીથી માત્ર 200 મીટરના અંતરે સુભાષ ધીરુ નાયકનું ઘર આવેલું છે.

બુધવારે ક્વોરીમાં બ્લાસ્ટ કરાતાં સુભાષના ઘર ના પતરાં ઉપર મસમોટો પથ્થર ઊછળીને પડતાં મોટું કાણું પડી ગયું હતું. પથ્થર પડતાની સાથે જ રસોડામાં રહેલી સામગ્રીને નુકસાન થયું હતું. આ બનાવ વેળા ઘરમાં કોઈ હાજર નહીં હોવાથી મોટી જાનહાનિ ટળી હતી.

મામલતદારને રિપોર્ટ કર્યો છે : સરપંચ
આ બાબતે ગૌરી ગામના સરપંચ પ્રકાશ પટેલે જણાવ્યું હતું કે, ક્વોરીમાં બ્લાસ્ટિંગ કરતી વેળાએ બાજુમાં આવેલા ઘર ઉપર પથ્થર પડતા માલિકને ભારે નુકશાન થયું હતું. જોકે પથ્થર પડતી વેળાએ ઘરમાં કોઈ નહીં હોવાથી જાનહાનિ થઈ ન હતી. તે માટે તલાટી ક્રમ મંત્રી સાથે ખેરગામના મામલતદારને રિપોર્ટ કર્યો છે. અગાઉ પણ આજ ઘર ઉપર પથ્થર પડ્યો હતો.

Most Popular

To Top