Columns

ટેક જાયન્ટ્સ અને સરકાર વચ્ચેની દોરડાખેંચમાં આમ જનતાને ખોટ ખાવાનો વારો ન આવે તે જરૂરી

માત્ર ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં સમાજ પર સોશ્યલ મીડિયાના પ્રભાવને કારણે દેખીતી તાણ સર્જાતી રહી છે.  સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર વ્યક્તિગત અભિવ્યક્તિની સ્વતંત્રતાને પગલે ધિક્કાર, ધ્રુવીકરણની સાથે સાથે સરકાર કે સત્તાધીશોને ઉઘાડા પડાતા હોવાના કિસ્સા પણ નવા નથી.  સમસ્યા એ છે કે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પરના દેકારાને કારણે જે તાણ ખડી થાય છે તેને બહાનાં તરીકે આગળ ધરીને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર પ્રતિબંધ લાગી શકે છે. અમર્યાદિત અવાજો તે અમર્યાદિત લોકો સુધી પહોંચી રહ્યા છે તે પરિસ્થિતિ બદલાઈ જાય અને પછી જે અવાજ પાસે સત્તા છે તેવા જ કેટલાક અવાજો મોટી સંખ્યામાં લોકો સુધી પહોંચે એવો ઘાટ થઇ જાય તેવી શક્યતાઓ માથે ઝળુંબ્યા કરે.

ભારતમાં ૬૦૦ મિલિયન જેટલાં લોકો ઇન્ટરનેટ વાપરે છે, ફેસબૂક અને ગૂગલના યુઝર્સનું માર્કેટ આપણે ત્યાં તોતિંગ છે અને આવા સંજોગોમાં સરકાર અને સોશ્યલ મીડિયા જાયન્ટ્સ વચ્ચેની તાણ યુદ્ધમાં ફેરવાઇ જાય તો નવાઇ નહીં. છેલ્લા કેટલાક દિવસોથી સોશ્યલ મીડિયાના આ ટેક જાયન્ટ્સની સરકાર સાથેની માથાકૂટ, નિયમોના પાલન અંગે સરકારની ચેતવણીઓ, કોર્ટમાં રજૂઆતના સમાચાર સતત ઝળક્યા કરે છે. 

હ્યુમન રાઇટ્સ વૉચના એક રિપોર્ટમાં સ્પષ્ટ કહેવાયું હતું કે પત્રકારો, વિદ્યાર્થીઓ, સામાજિક અધિકારો માટે લડનારા તમામ જે સરકારની ટીકા કરતા હતા તેમની સામે પગલાં લેવાયાં છે, તેમની કોઇ ને કોઇ રીતે હેરાનગતિ કરાઇ છે અને અમુક કિસ્સાઓમાં મોટી સંખ્યામાં લોકોને અટકમાં પણ લેવાયાં છે. આ રિપોર્ટ અનુસાર ભારતમાં ઇન્ટરનેટ શટડાઉનના સૌથી વધુ કેસિસ બન્યા છે અને તેમાંથી ૮૦ ટકા જમ્મુ-કાશ્મીરમાં બન્યા છે. સપ્ટેમ્બર ૨૦૨૦માં એમનેસ્ટી ઇન્ટરનેશનલે ભારતમાં કામગીરી બંધ કરી દેવી પડી. સોશ્યલ મીડિયાને કારણે સામાન્ય માણસને ઑડિયન્સ મળે છે, જેમાં નાગરિકોનાં જૂથોથી માંડીને જાણીતી વ્યક્તિઓ, લેખકો બધાં જ નજીવી કિંમતે બહુ જ મોટા વર્ગ સુધી પહોંચી શકે છે.  આ ચોક્કસ બહુ મોટી શક્તિ છે પણ શક્તિનો દુરુપયોગ થાય છે તે ત્યારે સમજાય જ્યારે ઓનલાઇન અભિપ્રાયોને અમુક દિશામાં વાળવા માટે ૩૮ જેટલા દેશોના રાજકીય વડાઓએ માણસોને કામે રાખ્યા હતા.

પરંતુ આ અમેરિકન સોશ્યલ મીડિયા જાયન્ટ્સ સામે માત્ર ભારતીય સરકારને તકલીફ છે એમ નથી. રશિયામાં પણ બધા જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ પર સતત દબાણ કરવામાં આવે છે. તેઓ એવી બધી માહિતી કે સામગ્રી – એટલે કે કન્ટેન્ટ હટાવી લે જેને સરકાર ગેરકદાયદે ગણે છે. ચીનમાં ગૂગલ, ફેસબૂક, વૉટ્સએપ, યૂટ્યૂબ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ જેવાં બધાં જ મોટા ટેક જાયન્ટ પર પ્રતિબંધ છે. યુકેમાં પણ સોશ્યલ મીડિયા જાયન્ટ્સ સામે કેસિસ થતા રહે છે. યુરોપિયન કમિશને તો ગૂગલ સામે એન્ટિટ્રસ્ટના કેસિસમાં તગડા દંડ ફટકાર્યા છે. ઑસ્ટ્રેલિયાને પણ ગૂગલ સાથે મીડિયા કંપનીના સમાચાર પ્રકાશિત કરવાની કિંમત ચૂકવવાને મામલે માથાકૂટ થઇ ચૂકી છે અને હવે ત્યાં જો તે પોતાના અલ્ગોરિધમ બદલશે તો તેમણે મીડિયાને ૨૮ દિવસની નોટિસ આપવી પડશે. ગૂગલ ફેસબૂકને એ ચિંતા પણ છે કે બીજા દેશો જો ઑસ્ટ્રેલિયાવાળી કરશે તો તેમને તગડા રેવન્યુ લોસિસ થશે.

બીજી તરફ આ બધા ટેક જાયન્ટ્સ યુએસએના હોવા છતાં યુએસએની સરકારના પણ તેમની સામેના વાંધાવચકા બહાર આવ્યા કરે છે પણ તેને માધ્યમ બનાવવામાં પણ ત્યાંની સરકાર માહેર છે. ત્યાં ચૂંટણીમાં કેમ્બ્રિજ એનાલિટીક્સનો ઉપયોગ કરીને વોટિંગ મેનેજમેન્ટ કેવી રીતે થયું તે હવે છૂપું નથી. જો કે અમેરિકન સરકાર એ સારી પેઠે જાણે છે કે આ ટેક જાયન્ટ્સ જે સિલિકોન વેલીમાં ઘડાયા છે તે ભારત જેવા વિકાસશીલ અર્થતંત્રમાં માનવાધિકારની સલામતી સાથે એક આગવું મૂલ્ય ખડું કરી શકે તેમ છે. 

વળી એ પણ એટલું જ સાચું છે કે આખી દુનિયામાં ડેટા ગવર્નન્સ, ડેવલપમેન્ટ અને સલામતીને મામલે ટેક્નોલૉજીના ફાળા અંગે જાતભાતની અસંમતિઓ પ્રવર્તે છે. ડિજીટલ પ્લેટફોર્મ્સ જે રીતે વિસ્તર્યા છે તેનાથી ભલભલી સરકારોના પગ તળેથી જમીન ખસી ગઇ છે કારણ કે સરકારોની પ્રજા સુધી તેમના સિવાય બીજાઓ પણ સરળતાથી પહોંચી રહ્યા છે. જો કે ડિજીટલ ઇકોનોમીના વિસ્તરતા આયામોની વચ્ચે ટેક જાયન્ટ્સનો પૂરેપૂરો છેદ ઉડાડી દેવાનું પણ પોસાય તેમ નથી.

વળી ભારતે ‘ઇઝ ઑફ ડુઇંગ બિઝનેસ’ના રેંકિંગમાં આગળ વધવાની દોટ મૂકી જેને કારણે પણ ફેસબૂક અને ટ્વિટરને પોતાના બિઝનેસિસ ચલાવવામાં સમસ્યા થઇ. આ બધાંની વચ્ચે પ્રતિબંધની વાતો ત્યારે આવી જ્યારે ભારતના એક્સ્ટર્નલ અફેર્સ મિનિસ્ટર એસ જય શંકર યુએસએમાં જો બિડેનના સીનિયર અધિકારીઓ સાથે મીટિંગ કરી રહ્યા હતા. આ કોકડું ઇન્ટરનેટના ડાર્ક વેબની જેમ જટિલ છે. (ડાર્ક વેબ એટલે કે ઇન્ટરનેટનો એવો હિસ્સો જે સર્ચ એન્જિનમાં વિઝિબલ નથી હોતો અને તેને એક્સેસ કરવા માટે એક જુદા જ બ્રાઉઝરની જરૂર પડે છે.) અહીં અભિવ્યક્તિની સ્વતંત્રતા, અર્થતંત્ર, ડિજીટલ બિઝનેસ જેવી એકથી વધુ બાબતો એકબીજા સાથે જોડાયેલી છે. ટૂલ કિટ્સ, એજન્ડા, મેનેજ્ડ કન્ટેન્ટ આ બધું જ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મનું સત્ય છે. પણ સરમુખત્યાર સરકારોનું અસ્તિત્વ પણ વાસ્તવિકતા છે.  સોશ્યલ મીડિયાના દેશી વિકલ્પો, જેને સત્તા પરની સરકારનો ટેકો હોય છે તે તેમની ઇજારાશાહી ઓછી કરી શકશે એવું માનવાનો કોઇ તર્ક નથી.

આ સમસ્યાનો ઉકેલ સરકાર સોશ્યલ મીડિયા પર પોસ્ટ થતી માહિતી પર નિયંત્રણ કરે તેમાં નથી પણ સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ્સ સ્વૈચ્છિક શિસ્તનું પાલન કરે જેમાં તેમના અલગોરિધમ ભ્રષ્ટ ગોટાળાના ચક્કરમાં ન ફસાઇ જાય. સરકારો જો સોશ્યલ મીડિયા પર ધારાધોરણો લાગુ કરે તો તે આંતરરાષ્ટ્રીય સ્તરે માનવાધિકારના કાયદાઓની સાથે પૂરી રીતે મેળ ખાય તેવા જ હોવા જોઇએ.  સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર જે પણ નિયમો કે ધારાધોરણ લાગુ થાય તે સરકારથી સ્વતંત્ર હોવા જોઇએ અને તેનું અમલીકરણ થાય તેની જવાબદારી લેનાર જૂથ કે વ્યક્તિ હોય તે સાચી બાજુની પડખે ઊભા રહેવાનો નિર્ણય લઇ શકે તેવું, સંતુલિત હોય તે જરૂરી છે, પછી ભલે ક્યારેક તે સાચી બાજુ સરકારની સામે હોય, સાથે ન હોય.

  • બાય ધ વેઃ
  • નવી ટેક્નોલૉજીઝ, એડવાન્સ બાયો મેટ્રિક્સ, આર્ટિફિશ્યલ ઇન્ટેલિજન્સ અને ફિફ્થ જનરેશન મોબાઇલ નેટવર્ક બધું જ માણસના વિકાસમાં અઢળક તક ચોક્કસ પૂરી પાડશે પણ તે માનવાધિકાર માટેના પડકારો પણ ખડા કરશે કારણ કે ડેટાનો પાવર બહુ મોટો છે. ડેટાનો ઉપયોગ કોણ કેવી રીતે કરે છે તે જોવું રહ્યું અને તેમ કરવામાં સરકારો પણ પાછળ નથી. લોકશાહી સ્વતંત્રતા બહુ અગત્યની છે અને તે એ માટે પણ જરૂરી છે કે ઇન્ટરનેટ દમનનો માર્ગ ન બની જાય. જનતા અને સરકાર બન્ને તેનો ઉપયોગ કરવામાં મર્યાદાઓનું ભાન ન ભૂલે અને એ પણ યાદ રાખે કે આ ટેક જાયન્ટ્સ કોર્પોરેટ્સ છે, તે પણ ધંધો લઇને જ બેઠા છે.

Most Popular

To Top