SURAT

સુરતમાં એકાએક લીંબુના ભાવ કેમ વધી ગયા? જાણો કારણ…

સુરત: હજી ઉનાળાની શરુઆત થઈ છે ત્યાં તો શહેરમાં લીંબુના ભાવ આસમાને પહોંચી ગયા છે. પખવાડિયા પહેલાં જ્યાં લીંબુનો ભાવ શાકભાજી માર્કેટમાં 30 થી 40 રૂપિયે કિલો હતો ત્યાં આજે લીંબુનાં ભાવે સદી વટાવી હતી. શાકભાજી માર્કેટસમાં છૂટક લીંબુ 100 થી 120 રૂપિયે કિલોનાં ભાવે વેચાયા હતાં. જ્યારે એપીએમસી માર્કેટમાં એક કિલો લીંબુના ભાવ ક્વોલિટી પ્રમાણે 50થી 80 રૂપિયા થયો છે અને એપીએમસીમાં 20 કિલો લીંબુનો હોલસેલ ભાવ સાઈઝ અને ક્વોલિટી મુજબ 300 થી 500 રૂપિયા હતો એ વધીને 800 થી 1000 રૂપિયા થઈ ગયો છે.

  • લીંબુના ભાવ આસમાને: છૂટક માર્કેટમાં 120 રૂપિયાનો ભાવ કરી લૂંટવાની જ વાત
  • એપીએમસીમાં કિલો લીંબુનો ભાવ ક્વોલિટી પ્રમાણે 50થી 80 રૂપિયા છે પણ છૂટકવાળાએ હજી તો ઉનાળો શરૂ થયો ને ડબલ ભાવ કરી નાંખ્યા

હજુ તો ઉનાળાની શરૂઆત છે અને ત્યારે જ લીંબુના ભાવે સદી ફટકારી છે. જ્યુબેલી રિટેઇલ માર્કેટમાં એક કિલો લીંબુનો ભાવ 100થી 120 રૂપિયા છે. હજુ થોડાં સમય પહેલાં જ લીંબુ 40 રૂપિયા પ્રતિ કિલો વેચાતા હતા ત્યારે 100 રૂપિયાએ ભાવ પહોંચતા લોકોને વધુ માર સહન કરવાનો વારો આવ્યો છે. સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, લીંબુના ભાવમાં મોટો વધારો થવાનું કારણ એ છે કે,ઉનાળામાં ગરમીથી બચવા અને લૂ ન લાગે તે માટે લીંબુનો ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. લીંબુ પાણી, લીંબુ શરબત, લીંબુ સોડાનો વપરાશ વધુ રહે છે.

ઉનાળાની ઋતુમાં શેરડીનાં રસમાં પણ લીંબુનો ઉપયોગ તેમજ ખાદ્ય પદાર્થોમાં પણ લીંબુનો ઉપયોગ વધતો હોય છે. દર વર્ષે ઉનાળામાં સપ્લાય સામે ડિમાન્ડ વધુ રહેતી હોવાથી ભાવો વધતાં હોય છે. કારમી મોંઘવારીમાં લીંબુના ભાવ આસમાને પહોંચતા ગૃહિણીઓની સ્થિતિ કફોડી બની છે. સામાન્ય વર્ગના લોકો ઘરમાં લીંબુ લાવી શકતા નથી અને ગરીબ પરિવારો લીંબુના ફૂલ સસ્તાં મળતાં હોવાથી એનો વિકલ્પ તરીકે ઉપયોગ કરે છે.

એપીએમસીમાં રૂપિયા 50 થી 80 : બાબુભાઇ શેખ
સુરત એપીએમસીનાં ડિરેક્ટર બાબુભાઇ શેખ કહે છે કે, લીંબુના ભાવ હજી વધશે કારણકે હજી ઉનાળો શરૂ થયો ત્યાં સુરત એપીએમસીમાં હોલસેલ લીંબુ વેચાણનો ભાવ કિલો લેખે 50 થી 80 રૂપિયા થયો છે. જો ગરમીનું પ્રમાણ વધશે તો 150 રૂપિયા સુધી ભાવ જશે. કાળઝાળ ગરમી વચ્ચે ડી-હાઇડ્રેશનથી બચવા માટે લોકો લીંબુનો વપરાશ વધુ કરતાં હોય છે. સુરત એપીએમસીમાં અત્યારે મહારાષ્ટ્રના ચાલીસ ગાંવ, શ્રીગોંડા, કર્ણાટકનાં વિજાપુર ખાતે લીંબુની વાડીઓમાંથી લીંબુની આવક થઈ રહી છે. અગાઉ હૈદરાબાદ અને જલગાંવથી પણ માલની આવક થતી હતી એ ત્યાંના લોકલ માર્કેટની ખપતમાં જઇ રહ્યાં છે. ચાલુ વર્ષે ક્લાઈમેટ ચેન્જની અસરને લીધે પણ લીંબુનો પાક ઓછો ઉતર્યો છે એની અસર પણ વધતાં ભાવમાં જોવા મળશે.

Most Popular

To Top