SURAT

‘અમારો દીકરો ડોક્ટર છે એટલે દહેજમાં 50 લાખ આપવા પડશે’, સુરતના શિક્ષિત પરિવારની શરમજનક કરતૂત

સુરત : જહાંગીરાબાદમાં રહેતા તબીબ અને તેના દહેજ ભુખ્યા માતા-પિતાની સામે તેમની તબીબ વહુએ દહેજની ફરિયાદ નોંધાવી છે. આ દહેજ ભુખ્યા પતિ અને સાસુ-સસરાએ 50 લાખ રોકડા અને સોનાના દાગીનાની માંગણી કરી લગ્ન પછી પણ ત્રાસ આપતા હતા.

  • સ્મીમેરમાં સાથે તબીબી અભ્યાસ કરતા પ્રેમ થયો અને લગ્ન કરવાનું નક્કી કર્યું હતું
  • ‘અમને તારી પાસે ઘણી આશા હતી કે તું દાગીના આપશે પણ તું અને તારો બાપ સાવ ભિખારી નીકળ્યા’ કહી ત્રાસ આપ્યો
  • પતિ અને સાસુ-સસરા માનસિક ત્રાસ આપતા યુવતીના પિતાને ટેન્શનમાં હાર્ટએટેક આવી ગયો

અડાજણ ખાતે રહેતી મહિલા તબીબ સ્મીમેરમાં અભ્યાસ કરતી હતી ત્યારે તેની સાથે અભ્યાસ કરતા કૃણાલ દામજીભાઈ પાંડવ સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. પ્રેમસંબંધ બાદ બંનેએ પરિવારમાં વાત કરી અને લગ્નની ઇચ્છા વ્યક્ત કરી હતી. ફેબ્રુઆરી 2022 માં સગાઈ થઈ અને લગ્ન નક્કી થયા હતા.

લગ્ન નક્કી થયા બાદ કંકોત્રીઓ છપાયા બાદ કૃણાલના માતા-પિતાએ તેમનો દિકરો ડોક્ટર હોવાથી દહેજમાં 50 લાખ અને સોના ચાંદીના દાગીના માંગ્યા હતા. જો લગ્ન નહીં થયા તો સમાજમાં બદનામી થશે તેવા ડરથી યુવતીના માતા પિતાએ થોડી માંગણી પુરી કરી હતી.

બાદમાં યુવતીને પતિ અને સાસુ સસરા માનસિક ત્રાસ આપતા યુવતીના પિતાને ટેન્શનમાં હાર્ટએટેક આવ્યો હતો. જ્યારે તેમની સગાઈ થઈ હતી ત્યારે યુવતીના સાસુએ લગ્નમાં 10 લાખ અને સોનાના દાગીના આપવાનું કહ્યું હતું. પરંતુ સગાઈ વખતે જ સાસુએ આ રોકડા અને દાગીના માંગી લીધા હતા.

લગ્ન પછી સાસુ ટોણા મારતી હતી કે ‘અમને તારી પાસે ઘણી આશા હતી કે તું અમને સોનાના હીરાના દાગીના આપશે પણ તું અને તારો બાપ સાવ ભિખારી નીકળ્યા’. અને ત્યારપછી વારંવાર સાસુ સસરા, દિયર અને દેરાણી તથા પતિ દહેજ માટે તકરાર કરતા હતા. બાદમાં તેને અમારા પૈસા આપશે ત્યારે અહીંયા આવજે તેમ કહીને ધક્કો મારીને ઘરમાંથી કાઢી મુકી હતી.

યુવતીના લગ્ન કરાવનાર કંચનબેન અને તેની સાસુ આડકતરી રીતે તેને જાનથી મારી નાખવાની ધમકી આપતા હતા. અંતે કંટાળીને તેણીએ પતિ કૃણાલ, સાસુ હંસાબેન અને સસરા દામજીભાઈ (તમામ રહે. સંગીની ગાર્ડનીયા જહાંગીરાબાદ) ની સામે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

લગ્ન પછી યુવતીના દાગીના પણ સાસુએ લઈ લીધા
યુવતીએ તેના પતિ કૃણાલને દહેજ બાબતે વાત કરી તો કૃણાલે હું દહેજમાં માનતો નથી અને હું લેવાનો પણ નથી એટલે તું દહેજની વાત ભુલી જા અને હમણા આપણા લગ્નને માણીએ તેમ કહીને દિલાસો આપ્યો હતો. બાદમાં લગ્ન થયા ત્યારે સોના-ચાંદીના દાગીના અને 5 લાખ રોકડા આપ્યા હતા. લગ્ન બાદ યુવતી સંયુક્ત પરિવારમાં રહેવા આવી હતી. ત્યારે સાસુએ મીઠી વાત કરીને દાગીના તેની પાસે રાખી લીધા હતા અને જરૂર પડશે ત્યારે આપીશ તેમ કહ્યું હતું. પરંતુ આજદિન સુધી આ દાગીના પરત આપ્યા નથી.

હનીમુન વખતે પતિ પત્નીની બેંક એકાઉન્ટની વિગતો પુછતો હતો
યુવતી પતિ સાથે માલદીવ્સ હનીમુન માટે ગઈ ત્યારે ત્યાં કૃણાલે તેની સાથે પર્સનલ વાતો કરવાની જગ્યાએ પત્નીને તેના બેંક એકાઉન્ટમાં કેટલુ બેલેન્સ છે તે પુછતો હતો. અને પછી કૃણાલના નાના ભાઈ માટે ઘર બનાવવા અને યુવતીની દેરાણીને દાગીના બનાવી આપવા માટે પણ તેના પિતાના ઘરેથી પૈસા લાવવા દબાણ કરતો હતો. કૃણાલે હવે પછી તે જે કમાય તે રૂપિયા પોતાને આપવા દબાણ કર્યું હતું.

Most Popular

To Top