Gujarat

રાજકોટમાં પરિણીતાએ બે માસૂમ બાળકો સાથે અગ્નપિછોડી ઓઢી લીધી

રાજકોટ શહેરમાં આજે સવારે આઘાતજનક ઘટના બની છે. અહીંના નાકરાવાડી વિસ્તારમાં એક માતાએ પોતાના બે માસૂમ બાળકો સાથે અગ્નિસ્નાન કરી લીધું છે. સામૂહિક આપઘાતની આ ઘટનામાં ત્રણેયના મોત થયા છે. ગૃહકંકાસના લીધે મહિલાએ પોતાના પુત્રો સાથે આપઘાત કરી લીધો હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે.

રાજકોટ પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અહીંના કુવાડવા રોડ નવાગામ સોખડા પાસે નાકરાવાડી વિસ્તારમાં 28 વર્ષના દયાબેન વિજયભાઈ ડેડાણીયા પોતાના પરિવાર સાથે રહેતાં હતાં. આજે સવારે દયાબેને પોતાના 4 અને 7 વર્ષના પુત્રો સાથે અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો છે. કુવાડવા રોડના નવાગામ સોખડા પાસે નાકરાવાડી રણુજા મંદિર પાછળ રહેતા 28 વર્ષની મહિલા દયાબેન વિજયભાઇ ડેડાણીયાએ પોતાના પુત્ર મોહિત (ઉ.વ.7) અને ધવલ (ઉ.વ.4) સાથે સળગીને સામુહિક આપઘાત કરી લીધાની જાણ થતા ગ્રામજનો દોડી આવ્યા હતા.

ઘટના એટલી ભયાનક હતી કે મહિલા તેના બે પુત્રો સહિત ઘરમાં તમામ ચીજવસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી. ગ્રામજનોએ કહ્યું કે, સવારે 8 વાગ્યાની આસપાસ મકાનમાંથી બુમાબુમનો અવાજ આવ્યો અને ધુમાડાના ગોટા દેખાતા હતા ત્યાં માણસો ભેગા થવા લાગ્યા અને થોડી વારમાં જ એક બાળક તેના ઘરના આંગણામાં સળગતી હાલતમાં તરફડીયા મારતી હાલતમાં બહાર આવતો દેખાયો હતો. આ ઘટના જોઈ ગ્રામજનો હેબકાઈ ગયા હતા. નજીકથી પસાર થઈ રહેલી એક ઇકો ગાડીના ચાલકે જાણ કરતા ઘટનાસ્થળે 108 દોડી આવી હતી અને ત્રણેયને જોઈ તપાસી મૃતજાહેર કર્યા બાદ કુવાડવા પોલીસને જાણ કરી હતી.

પ્રાથમિક તપાસમાં ઘરકંકાસના લીધે મહિલાએ આપઘાત કર્યો હોવાનું જાણવા મળ્યું છે. ઘરના લોકો મજૂરી પર ગયા ત્યાર બાદ સવારે 8 વાગ્યા પછી ઘટના બની છે. મૃતકના પતિ વિજયભાઈએ પોલીસને નિવેદન આપ્યું હતું કે મારે ક્યારેય મારી પત્ની સાથે બોલાચાલી થઈ નથી. હા, એકવાર મારી માતાને બોલાચાલી થઈ હતી, પરંતુ તેમને બિલકુલ કલ્પના નહોતી કે તેમની પત્ની કોઈપણ સંજોગોમાં આવી રીતે તેમનાં બે નાનાં બાળક સાથે મોતને વહાલું કરી દેશે.

પોલીસે કહ્યું કે, અહીં દયાબેન નામની મહિલાએ પોતાના બંને બાળકો સાથે આપઘાત કર્યો છે. મૃતકના પરિવારજનો તેમના પતિ, દિયર અને સાસુમાં સહિત જે લોકો લોકો કામ પર ગયા હતા તેમને ઘટનાની જાણ કરીને બોલાવવામાં આવ્યા હતા. તેમની વધુ પૂછપરછ કરતા. આજુબાજુના લોકોને પૂછપરછ અને મૃતકના પરિવારજનોની પૂછપરછ પરથી એવું જાણવા મળ્યું છે કે પતિ-પત્ની વચ્ચે બોલાચાલી થઇ હતી પણ સાસુ સાથે ઝઘડો થયો હોવાના કારણે કદાચ આ ઘટના બની હશે. હાલ હાલ લાશને પીએમ અર્થે મોકલવામાં આવી છે.

ઘટનાસ્થળે તપાસ કરતા કેરોસીનનો ડબલુ પણ જોવામાં આવ્યું છે. એફ.એસ.એલ.ની મદદ લેવામાં આવી છે. તેની પણ તપાસ કરવામાં આવશે તેનાથી પણ આગ લાગી હોવાની સંભાવના છે. આ સાથે પરિવારજનો તથા ગામજનોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

દયાબેને ઘરનું બારણું અંદરથી બંધ કરીને પોતાને તથા બાળકોને આગ લગાડ્યાનું અનુમાન છે. આમ થતાં જ મહિલા અને બાળકો ઘરની અંદર જીવતાં ભૂંજાવા લાગ્યાં હતાં. પ્રચંડ આગને કારણે ઘરવખરી બળીને ખાખ થઈ ગઈ હતી. આગને કારણે ઘરમાંની ઈલેક્ટ્રિકની ચીજવસ્તુઓ, અનાજ, જરૂરી કાગળો પણ બળીને ખાખ થઈ ગયા હતા.

Most Popular

To Top