Madhya Gujarat

મહેમદાવાદમાં રૂ. 4 કરોડ ઉપરાંતનું શૌચાલય કૌભાંડ

નડિયાદ: મહેમદાવાદ નગરપાલિકા દ્વારા શૌચાલયના નામે કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ એક સ્થાનિક નાગરીક દ્વારા કરવામાં આવ્યા છે. જાગૃત નાગરીક દ્વારા આ બાબતના તમામ પુરાવા એન્ટી કરપ્શન બ્યુરોને આપીને કૌભાંડ આચરનારાઓ સામે કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. મહેમદાવાદ પાલિકા દ્વારા શૌચાલય કૌભાંડમાં કરોડો રૂપિયા ચાવ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે સ્થાનિક ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા એ.સી.બી. માં રજૂઆત કરવામાં આવી હતી. જોકે, એન્ટી કરપ્શન બ્યૂરોના અધિકારીએ પુરાવા માંગતા ભૂપેન્દ્રભાઇએ આર.ટી.આઇ. કરીને તમામ માહિતી ભેગી કરી, અને તમામ પુરાવાઓ એકઠા કર્યા હતા. તેઓએ એકઠાં કરેલા પુરાવામાં તત્કાલીન સીઓ, પ્રમુખ, સભ્યો – એસઓ, એન્જિનિયર અને કોન્ટ્રાક્ટ એજન્સી સામે ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા છે. પ્રાથમિક તબક્કે આ કૌભાંડના રૂ. 4 કરોડથી વધુનું છે.  જોકે, સઘન તપાસ થાય તો આ કૌભાંડનો રેલો મોટાં માથા સુધી પહોંચે તેવી શક્યતા છે.

તપાસના કામે બહાર છું : એસીબી પી.આઇ.
એસીબીના પી.આઇ એમ.એફ.ચૌધરીએ જણાવ્યું હતું કે, આજે હું તપાસના કામે બહાર છું. જોકે, આ મામલાની તપાસ ચાલુ જ છે અને તપાસ પૂર્ણ થયા બાદ આગળની કાર્યવાહી કરાશે.  કોઈ અરજદાર પુરાવા રજૂ કરવા આવ્યા છે કે નથી તેની મને માહિતી નથી. હું ઓફિસે પહોંચુ ત્યારબાદ મને માહિતી મળશે.

મહેમદાવાદમાં દસ વર્ષથી શૌચાલય કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે – ભુપેન્દ્રભાઈ પટેલ
મેં આર.ટી.આઈ.ના કાયદા હેઠળ માહિતી ભેગી કર્યા બાદ, પોતે રૂબરૂ તપાસ કરીને પૂરાવા ભેગા કર્યા છે. મેં આ બાબતે તમામ જવાબદાર અધિકારીઓ સામે તપાસની માંગ કરી અને એ.સી.બી. માં રજૂઆત કરી છે. મહેમદાવાદમાં છેલ્લા ઘણા સમયથી શૌચાલય કૌભાંડ આચરી લાખો રૂપિયા ચાંઉ થયા હોવાની શંકાના આધારે આરટીઆઈના કાયદા હેઠળ માહિતી માંગી પુરાવા ભેગા કર્યા હતા. આ બાબતે પૈસા ચાંઉ કરનાર વ્યક્તિઓ સામે ACB તપાસ કરે તેવા હેતુસર અમદાવાદ એસીબીના ડાયરેક્ટરને મળીને આ બાબતેની રજૂઆત એક વર્ષ અગાઉ કરી હતી. જેની તપાસ નડિયાદ એ.સી.બીને સોંપવામાં આવી હતી. નડિયાદ એસીબીના અધિકારીએ અરજદાર પાસે આ બાબતના પુરાવા માંગતા તેમણે 318 પેજના પૂરાવા રજૂ કર્યા છે. રજૂઆતના પગલે એસીબી નડિયાદ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ થયો છે. શૌચાલય કૌભાંડ મામલે એસીબીની તપાસથી મહેમદાવાદના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. અરજદારે મહેમદાવાદ નગરપાલિકાના હોદ્દેદારો સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે.

એ.સી.બી. તપાસ બાદ રિપોર્ટ કરશે
આ સમગ્ર મામલાની તપાસ નડિયાદ એન્ટી કરપ્શન બ્યૂરો દ્વારા કરવામાં આવી રહી છે. ભૂપેન્દ્રભાઇએ આપેલા પુરાવાઓની પણ સ્ક્રુટિની કરી, તેની ઝીણવટભરી ચકાસણી – તપાસ કરવામાં આવ્યા બાદ આ મામલે ઉચ્ચ કક્ષાએ રિપોર્ટ કરવામાં આવશે અને બાદમાં સૂચના મળ્યા મુજબ આગળની કાર્યવાહી કરવામાં આવશે.

Most Popular

To Top