Madhya Gujarat

ખેડામાં સામાજીક આગેવાને મંદિરમાં સુંદર બગીચો બનાવ્યો

ખેડા: ખેડા નગરમાં અંદાજે 30 હજાર કરતાં વધુ નાગરીકો વસવાટ કરે છે. જેથી ખેડાને નગરપાલિકાનો દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ, નબળી નેતાગીરીના અભાવે ખેડા નગરમાં પ્રાથમિક સુવિધાઓની સાથે-સાથે બાગ-બગીચા, વોક-વે સહિતની અનેકવિધ સુવિધાઓનો અભાવ જોવા મળી રહ્યો છે. પાલિકાતંત્ર દ્વારા થોડા વર્ષો અગાઉ લાખો રૂપિયાના ખર્ચે એક બાગનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પરંતુ, જાળવણીના અભાવે આ બાગ માત્ર છ મહિનામાં જ વેરાન બન્યો હતો. જે બાદ પાલિકાતંત્ર દ્વારા આ બાગને પુનઃ ધમધમતો કરવા કે અન્ય નવો બાગ બનાવવા માટે કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી.

જેથી નગરજનોને હરવા-ફરવા માટે નજીકના અન્ય ગામ-શહેરોમાં જવું પડતું હતું. ખાસ કરીને દર વર્ષે ગૌરીવ્રત દરમિયાન બાળકીઓને હરવા-ફરવા માટે ખુબ જ મુશ્કેલી પડતી હતી. ગૌરીવ્રત દરમિયાન દિકરીઓને હરવા-ફરવા માટે માતર, નડિયાદ તેમજ અમદાવાદ સહિતના ગામ-શહેરોમાં જવું પડતું હતું. આ મામલે જાગૃત નાગરીકોએ અનેકોવાર પાલિકાતંત્ર સમક્ષ રજુઆતો કરી નગરમાં બાગ-બગીચો બનાવવા માંગ કરી હતી. પરંતુ, પાલિકાતંત્ર દ્વારા આ રજુઆતો ધ્યાને લેવામાં આવતી ન હતી. જેથી નગરજનો લાચાર બન્યાં હતાં.

દરમિયાન ગૌરીવ્રત કરતી બાળકીઓ તેમજ નગરજનોને પડતી હાલાકીને ધ્યાનમાં રાખી ખેડાના સામાજીક આગેવાન કલ્પેશસિંહ વાઘેલા દ્વારા દાતાઓના સહયોગથી ખેડા-મહેમદાવાદ રોડ પર આવેલા શ્રી નીલકંઠ મહાદેવ મંદિર પાસેની ખુલ્લી જગ્યામાં સુંદર બગીચો બનાવવામાં આવ્યો છે. જેમાં નાના બાળકોને રમવા માટે લપસણી સહિતના વિવિધ સાધનો પણ મુકવામાં આવ્યા છે. જેથી આ વર્ષે ગૌરીવ્રત દરમિયાન બાળકીઓને હરવાફરવા તેમજ રમવા માટેની સુંદર જગ્યા પોતાના ગામમાં જ મળી ગઈ છે. રોજેરોજ મોટી સંખ્યામાં બાળકીઓ પોતાની માતાઓ સાથે આ બગીચામાં રમવા માટે આવે છે. બાજુમાં જ વિશાળ તળાવ હોવાથી રમણીય નજારો સર્જાયો છે. જ્યાં લોકો સેલ્ફી પડાવી આનંદની અનુભુતી કરી રહ્યાં છે.

Most Popular

To Top