Madhya Gujarat

સેવાલિયા પોલીસનો ASI રૂા. 2 હજારની લાંચ લેતાં ઝડપાયો

નડિયાદ: ખેડા જિલ્લાનાં પોલીસખાતાંમાં ભ્રષ્ટાચારની વ્યાપક બુમો ઉઠી રહી છે. પરંતુ, પોલીસતંત્રના અધિકારીઓ-કર્મચારીઓ પોતે ઈમાનદાર હોવાનું કહી રહ્યાં છે. ત્યારે, એ.સી.બીની ટીમે સેવાલિયા પોલીસમથકમાં ફરજ બજાવતાં ASI ને રૂ.2000 ની લાંચ લેતાં રંગેહાથે ઝડપી પાડી, પોલીસના ભ્રષ્ટાચારને ખુલ્લો પાડ્યો છે. આ કિસ્સામાં ASI એ સુલેહભંગ બાબતે થયેલ સામાન્ય કેસમાં આરોપીની હેરાનગતિ નહીં કરવા માટે લાંચ માંગી હતી. એ.સી.બીએ લાંચ લેતાં પકડાયેલાં ASI ને ડીટેઈન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગળતેશ્વર પંથકમાં રહેતાં એક ઈસમ વિરૂધ્ધ સુલેહભંગ બાબતે સેવાલિયા પોલીસમથકમાં ગુનો નોંધાયો હતો.

જેથી પોલીસે આરોપી ઈસમની અટકાયત કરી, કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન સેવાલિયા પોલીસમથકમાં ફરજ બજાવતાં અન આર્મ્ડ ASI રમેશચંન્દ્ર ભેમસિંહ ડાભી (હાલ રહે. G.S.E.C.L ક્વાટર્સ, થર્મલ, તા.ગળતેશ્વર, મુળ રહે.જબુની મુવાડી પાસે, પીઠાઇ, તા.કઠલાલ) એ આરોપી ઈસમને જામીન પર છોડવા પેટે તેના મિત્ર પાસેથી રૂ.1000 ની લાંચ લીધી હતી. ત્યારબાદ આરોપી ઈસમની હેરાનગતિ નહીં કરવા માટે વધુ રૂ.2000 ની લાંચ માંગી હતી. પરંતુ, આરોપી અને તેઓના મિત્ર લાંચની આ રકમ આપવા માંગતા ન હોવાથી તેઓએ એ.સી.બી. નો સંપર્ક કરી, ફરીયાદ આપી હતી. જે બાદ એ.સી.બીની ટીમે મંગળવારના રોજ સેવાલિયા પોલીસમથકમાં છટકુ ગોઠવ્યું હતું અને પોલીસમથકના બહારના ભાગે મુકેલ વોટરકુલર પાસે રૂ.2000 ની લાંચ સ્વીકારતાં અન આર્મ્ડ ASI રમેશચંન્દ્ર ભેમસિંહ ડાભીને દબોચ્યો હતો. એ.સી.બીની ટીમે લાંચ લેતાં પકડાયેલાં ASI રમેશચંન્દ્ર ભેમસિંહ ડાભીને ડીટેઇન કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Most Popular

To Top