Comments

ટ્રમ્પ પ્રકરણની ચૂંટણી પર અસર

2016ની પ્રમુખપદની ચૂંટણીમાં પ્રચાર દરમ્યાન એક પોર્નસ્ટારને મોં બંધ રાખવા માટે પૈસા ચૂકવવાનું તહોમત એક એક ગ્રાન્ડ જયુરીએ મૂકયા પછી ડોનાલ્ડ ટ્રમ્પ ફોજદારી તહોમતોનો સામનો કરનાર પ્રથમ પદનશીન કે ભૂતપૂર્વ અમેરિકી પ્રમુખ બન્યા છે. વ્યવસાઇ કૌભાંડ, ચૂકવણીના બનાવટી દસ્તાવેજો સહિતના 30થી વધુ તહોમતનો ટ્રમ્પ સામનો કરે છે અને 2024ની ચૂંટણીમાં રિપબ્લિકન ઉમેદવાર બનવાની દિશામાં ટ્રમ્પ મોખરે છે. આ તહોમતનામુ રાજકીય પજવણી છે અને સૌથી ઊંચા પ્રકારનું ચૂંટણી કૌભાંડ છે એમ જણાવી ટ્રમ્પે પોતે નિર્દોષ હોવાની રજૂઆત કરી છે.

ટ્રમ્પે 2-16માં પોર્ન સ્ટાર સ્ટોર્મી ડેનિયલ્સને 1.3 લાખ ડોલર આપ્યા હતા એવા હેવાલ આવ્યા પછી આ તહોમત મૂકાયા છે. સ્ટોર્મી ડેનિયર્લ્સ 2006માં ટ્રમ્પે પોતાની સાથે જાતીય સંબંધ બાંધ્યો હોવાનો દાવો કર્યો ત્યાર પછી ચૂપ રહેવા માટે તેને આ રકમ ચૂકવાઇ હતી. ટ્રમ્પે બંનેની સંમતિથી લગ્નેતર સંબંધ બાંધ્યા હોવાની જાણ જાહેરમાં કરતા સ્ટોર્મીને રોકવા માટેના દેખીતા કૃત્યમાં તેને પોતાના એક વારના વકીલ માઇકલ કોહેન મારફતે 1.3 લાખ ડોલરની આ રકમ ચૂકવી હતી. ટ્રમ્પે કોહેનને આ રકમ ચૂંટણી પછી ચૂકવી હતી અને આ ખર્ચ કાયદાકીય તરીકે મંજૂર રખાયો હતો. પણ આ લેવડ દેવડથી ચૂંટણીના ખર્ચાના નિયમનો ભંગ થયો હતો કારણ કે કાયદાકીય સેવાઓ હેઠળના ખર્ચ તરીકે તેની નોંધ થઇ હતી.

ટ્રમ્પે વારંવાર કહ્યું છે કે આ એક સીધી સાદી ખાનગી લેવડદેવડ છે અને તેને ચૂંટણીની ઝુંબેશ સાથે કંઇ લેવાદેવા નથી. હકીકતમાં આ બાબતમાં સમવાય તપાસ 2019માં બંધ થઇ હતી તે એવું સૂચવે છે કે પુરાવા ત્યારે પુરતા પ્રતિતીકર નહીં લાગ્યા હોય પણ હવે પાછા ટ્રમ્પના 2024ની ચૂંટણીની ઉમેદવારી સામે વાદળ ઘેરાયા છે. 2021ની 6 જાન્યુઆરીએ ટ્રમ્પે પોતાના ટેકેદારોને અમેરિકાની કેપિટોલ પર હુમલો કરવા ચડામણી કરી હોવાના આક્ષેપોની અનેકવિધ તપાસનો આ ભૂતપૂર્વ પ્રમુખ સામનો કરી રહ્યા છે, તેમણે પદ છોડયા પછી પણ વર્ગીકૃત દસ્તાવેજો પોતાની પાસે રાખી મૂકયા હોવાના પણ આરોપ છે.

2020ની ચૂંટણીમાં ટ્રમ્પ પરાજિત જાહેર થયા હતા કારણ કે તેણે એક રાજય જયોર્જિયાના પરિણામ સ્વીકાર્યા નહતા અને તેમને પોતાના વફાદારોને ઉશ્કેરવાના કૃત્ય બદલ કોઇ રંજ ન હતો. હજી એક મહિના પહેલા ટ્રમ્પે પોતાની સામે મેનહટ્ટનગ્રાન્ડ જયુરીના ચૂકાદા આપે તો દેશ વ્યાપી દેખાવો કરવાનું એલાન કર્યું હતું. ડેમોક્રેટોને ફાવતું મળી જાય છે? ડેમોક્રેટોને પછડાટ ખાવી પડે કારણ કે ભયસ્થાન એ છે કે આ ઘટના પછી અમેરિકનોનું વધુ ધૃવીકરણ થાય અને આ ઘટનાને રાજકીય ભેદભાવ રૂપે જ જોવામાં આવે.

ટ્રમ્પ જો કે રાજકીય સતામણી અને બલિનો બકરો બનાવવાના મુદ્દે સહાનુભૂતિ મેળવવાની કોશિષ કરશે જે પણ 2024ની ચૂંટણીમાં ડેમોક્રેટોની તરફેણમાં નહીં હોય. આથી કાયદાકીય પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે આટોપી લેવાય તે અમેરિકાના સત્તાવાળાઓ માટે પડકારરૂપ હશે.હિંસક પ્રતિક્રિયાની સંભવના વધતી જાય છે. અમેરિકાનો લોકશાહી માટે લાંછનરૂપ 2020ની કેપિટોલ હિંસામાંથી અમેરિકા કંઇ શીખ્યું કે નહીં તેની દુનિયાને જલ્દીથી ખબર પડશે.       
આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top