Editorial

માર્ચ ઠંડો રહ્યા પછી બાકીનો ઉનાળો કેવો જશે?

આ વર્ષે આપણા ગુજરાત સહિત દેશના કેટલાક વિસ્તારોમાં શિયાળો વહેલો પુરો થઇ ગયો અને ફેબ્રુઆરીમાં જ કાળઝાળ ગરમી પડવા માંડી ત્યારે લોકો અટકળો કરવા માંડ્યા હતા કે આ વખતે ઉનાળો ખૂબ જ આકરો રહેશે અને હવામાન વિભાગે પણ તે સમયે આગાહી કરી હતી કે આ વખતે ઉનાળામાં દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા ઉંચુ તાપમાન રહેશે અને હીટ વેવ્ઝના એટલે કે ગરમીના મોજાઓના દિવસો પણ વધારે રહેશે. જો કે ફેબ્રુઆરી ખૂબ ગરમ રહ્યા પછી માર્ચ મહિનો આશ્ચર્યજનક રીતે ઠંડો રહ્યો.

ખાસ કરીને આપણા ગુજરાતમાં તો માર્ચ મહિનામાં કેટલાક વરસાદભર્યા દિવસોને બાદ કરતા હવામાન ખુશનુમા રહ્યું. આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સાત ઘટનાઓ બની, જેને કારણે દેશના અનેક વિસ્તારોમાં માર્ચ મહિનામાં નોંધપાત્ર વધારે વરસાદ થયો અને તેને કારણે વાતાવરણમાં ઠંડક આવી ગઇ એમ હવામાન વિભાગે જણાવ્યું છે. આ સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સમાંથી પાંચ તો મોટા ડિસ્ટર્બન્સ હતા એમ હવામાન વિભાગે જણાવ્યું છે. માર્ચ મહિનામાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં તો બરફ વર્ષા પણ નોંધપાત્ર વધારે થઇ. માર્ચ મહિનો ઠંડો રહ્યા બાદ હવામાન ખાતાએ ફરીથી આગાહી કરી છે કે હવે એપ્રિલથી જૂન સુધીના મહિનાઓ દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ ગરમ રહેશે.

ઉત્તર પશ્ચિમ અને દ્વીપકલ્પીય ભાગ સિવાયના મોટા ભાગના ભારતમાં એપ્રિલથી જૂન દરમ્યાન સામાન્ય કરતા વધુ તાપમાનનો અનુભવ થવાની શક્યતા છે, એમ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું છે. હવામાન ખાતાએ એમ પણ જણાવ્યું હતું કે મધ્ય, પૂર્વ અને ઉત્તર પશ્ચિમ ભારતમાં આ સમયગાળા દરમ્યાન સામાન્ય કરતા વધુ હીટ વેવના દિવસો પણ જોવા મળશે. વર્ષ ૨૦૨૩ની ગરમ હવામાનની ઋતુમાં (એપ્રિલથી જૂન) દેશના મોટા ભાગના વિસ્તારોમાં સામાન્ય કરતા વધુ તાપમાન જોવા મળશે, સિવાય કે દ્વિપકલ્પીય ભારત અને ઉત્તર પશ્ચિમ ભારતના કેટલાક વિસ્તારો કે જ્યાં સામાન્ય કરતા નીચુ તાપમાન રહેવાની શક્યતા છે એ મુજબ ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું.

બિહાર, ઝારખંડ, ઉત્તર પ્રદેશ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર, ગુજરાત, પંજાબ અને હરિયાણાના ભાગોમાં હીટ વેવના વધુ દિવસો જોવા મળે તેવી શક્યતા છે એમ હવામાન વિભાગના ડિરેકટર જનરલ મૃત્યુંજય મોહાપાત્રાએ હાલમાં એક વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું. જ્યારે મેદાની પ્રદેશોમાં એક મથકના વિસ્તારનું તાપમાન ઓછામાં ઓછું ૪૦ ડિગ્રી સેલ્સિયસ, કાંઠાના વિસ્તારોમાં ૩૭ ડિગ્રી સેલ્સયસ અને પહાડી વિસ્તારોમાં ૩૦ ડીગ્રી સેલ્સિયસ પર પહોંચે ત્યારે અને સામાન્ય કરતા ઓછામાં ઓછું ૪.પ ડીગ્રી સેલ્સિયસ વધી જાય ત્યારે હીટવેવ જાહેર કરવામાં આવે છે.

જ્યારથી તાપમાનનો રેકર્ડ રાખવાનું શરૂ કરવામાં આવ્યું ત્યારથી ૧૯૦૧થી આ વર્ષે સૌથી ગરમ ફેબ્રુઆરી મહિનો ભારતમાં નોંધાયો હતો એમ હવામાન વિભાગે જણાવ્યું છે. અલબત્ત, સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, જેમાંથી પાંચ તો મજબૂત હતા, તેને કારણે માર્ચ મહિનામાં સામાન્ય કરતા વધુ (૨૯.૯ મીમીના બદલે ૩૭.૬ મીમી) વરસાદને કારણે તાપમાન અંકુશમાં રહ્યું હતું. ગયા વર્ષનો માર્ચ મહિનો અત્યાર સુધીનો નોંધાયેલો સૌથી ગરમ માર્ચ અને ૧૨૧ વર્ષોમાં સૌથી સૂકો માર્ચ મહિનો રહ્યો હતો. આ વખતે માર્ચ મહિનો એકંદરે ઠંડો રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હવે એપ્રિલ, મે અને જૂન મહિનાઓ દેશના મોટા ભાગના વિસ્તારોમાં ગરમ રહેશે. એપ્રિલની શરૂઆતને થોડા દિવસ થઇ ગયા છે, જો કે સદભાગ્યે હજી સુધી કાળઝાળ ગરમી શરૂ થઇ નથી. આવી ગરમી પડે નહીં તેની લોકો સ્વાભાવિક રીતે ઇચ્છા રાખતા હોય, પરંતુ ઉનાળામાં અમુક પ્રમાણમાં તો ગરમી પડવી પણ જરૂરી છે. અત્યારે ભારતનું જ નહીં દુનિયાભરનું હવામાન વિચિત્ર રીતે ખોરવાયું છે. સખત હવામાનની ઘટનાઓ પણ વધી છે.

અત્યારે અમેરિકામાં છેલ્લા કેટલાક સમયમાં આવેલા ઉપરા છાપરી વંટોળિયાઓએ અનેક વિસ્તારોમાં વિનાશ વેર્યો છે અને જાનહાનિ પણ નોંધપાત્ર થઇ છે. કસમયનો વરસાદ, કસમયની બરફ વર્ષા એ કોઇ સારી બાબત નથી. કેટલીક વખતે હવામાનની વિચિત્ર ઘટનાઓમાં ક્યારેક કાળઝાળ ગરમીના સમયે વસંત જેવા માહોલનો અનુભવ થઇ જાય તેવુ બને પરંતુ તે ખુશ થવા જેવી બાબત હંમેશા હોતી નથી. મોસમી પ્રદેશોમાં તો ઋતુચક્ર યોગ્ય રીતે ચાલે તે ખેતી માટે પણ જરૂરી બાબત છે. આશા રાખીએ કે આ ઉનાળામાં કાળઝાળ નહીં પણ માફકસરની ગરમી પડે.

Most Popular

To Top