Charchapatra

ભગવાન નથી તો નથી

આજથી લગભગ 40-45 વર્ષ પહેલાં સુરતના દૈનિક ગુજરાતમિત્રમાં પ્રા. રમણ પાઠક ‘વાચસ્પતિ’ની રેશનાલિઝન પર આધારિત કોલમ ‘રમણભ્રમણ શરૂ થઇ ત્યારે સ્વામી સચ્ચિદાનંદ સહિતના કેટલાક ઇશ્વરના પ્રચારક વિદ્વાનોએ સવાલ ઉઠાવ્યો હતો કે ‘જો સૂર્ય પૃથ્વીથી આજે જેટલો દૂર છે તેનાથી થોડો વધારે દૂર ઇશ્વરે રાખ્યો હોત તો પૃથ્વી પરના માણસ ઠંડીથી ઠુંઠવાઇને મરી જાત અને જો થોડોક વધારે નજીક રાખ્યો હોત તો માણસો સૂર્યની ગરમીથી બળીને ભસ્મ થઇ જાત’ તાત્પર્ય એ હતું કે માણસોની સુખ-સગવડ માટે જ ઇશ્વરે દયા કરીને સૂર્ય અને પૃથ્વીને યોગ્ય અંતરે ગોઠવેલ છે. એ સમયે રમણ પાઠકે આ પ્રશ્નનો જે ઉત્તર આપ્યો હતો તે ઉત્તર ગુજરાતમિત્રમાં જુદા જુદા સમયે બે વાર અને મુંબઇના દૈનિક સમકાલીનમાં એક વાર પ્રગટ થયો હતો.

જે વાંચીને સ્વામી સચ્ચિદાનંદજીએ રમણ પાઠક પર મગજ ગુમાવીને પત્ર લખ્યો હતો.  તાજેતરમાં સુરતના કેટલાંક વિદ્વાનોએ એ પ્રશ્ન ફરીથી ઊઠાવવા ઉપરાંત એના જેવા બીજા સવાલો ઉઠાવ્યાં છે અને પોતાના સમર્થનમાં વિજ્ઞાન અને કેટલાંક વિજ્ઞાનીઓને પણ સામેલ કર્યાં છે. પ્રશ્ન એ થાય કે રમણ પાઠકે સદરહુ પ્રશ્નન જે જવાબ આપ્યો છે તેની ખામી,  ક્ષતિ, ભૂલ બતાવ્યા વિના ઇશ્વરના પ્રચારકો એકનો એક પ્રશ્ન છેલ્લા 40-45 વર્ષથી વાંરવાર શા માટે ઉઠાવી રહ્યાં છે.  સમાજની ટૂંકી યાદદાસ્તનો ફાયદો કેમ લેવાઇ રહ્યો છે? તાજેતરના કોરોના વાયરસનાં વિશ્વવ્યાપી ઉપદ્રવે એક સાતે ત્રણ-ત્રણ વાર ઉપરાઉપરા હુુમલાઓ કરીને માત્ર ઇશ્વરની પ્રાર્થનાઓ જ નિષ્ફળ વ્યાયામ સિવાય કશું જ નથી એટલું જ પુરવાર નથી કર્યું પરંતુ જગતનાં દયાળુ, ન્યાયી, સર્વજ્ઞ, સર્વશકિતમાન અને ભકતની પ્રાર્થના સાંભળીને તેની મદદે દોડી આવનાર ભકતવત્સલ- ભગવાનનું કોઇ અસ્તિત્વ નથી એવું પણ પ્રબળ રીતે પુરવાર કરી દીધું છે.
કડોદ                   – એન. વી. ચાવડા આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top