Business

આ આર્થિક ભૂતનાં તૂત કેવાંક ભયજનક છે…?

આપણી આસપાસ કેટલું બધું બની રહ્યું છે. …રોજિંદી જિંદગીમાં ય  ધારી નહોતી એટલી બધી ઘટના બની રહી છે. એમાંય તમે જો  અખબાર જગત સાથે સંકળાયેલા હો તો ઘાંઘાં થઈ જાવ એ ઝડપે બધું બનતું રહે છે. જેનો પહેલાં સરવાળો થતો હતો એ બધાંનો હવે ગુણાકાર થવા લાગ્યો છે.…! આર્થિક આપઘાત કરવાના ઘણા રસ્તા છે. તમે પ્રયાસ કરો અને સફળ ન પણ નીવડો, પણ બે રસ્તા આજે એવા પણ  છે જેમાં તમે અચૂક સફળ નીવડો. આર્થિક આપઘાતના એ બે રસ્તામાંથી એક છે શેરબજાર અને બીજો છે  ક્રિપ્ટો કરન્સી…!

શેરબજાર તમને આર્થિક રીતે આબાદ કરી શકે એમ ખુવાર પણ કરી શકે છે. એવું જ આજનું નવું દૂષણ છે આભાસી નાણું. ક્રિપ્ટો… આર્થિકજગત અને શેરબજારમાં જેમની ઓળખ સૌથી ડાહ્યા માણસ અને સૌથી સ્માર્ટ ઈન્વેસ્ટર તરીકે છે એવા 92 વર્ષીય વૉરેન બફેટને તો આજના નવા આર્થિક દૂષણ એવા ક્રિપ્ટોકરન્સી પર સખત નફરત છે. એ કહે છે કે બિટકૉઈન તો મૂષક મારવાની ઝેરી દવા જેવો છે. …હું તો મારી મિલકતમાંથી 25 ડોલર જેવી મામૂલી રકમ સુદ્ધાંનું ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ન કરું કારણ કે આ આભાસી નાણું તો ચેપી ગુપ્ત રોગ જેવું છે…!

બીજી તરફ, બીજા દેશોની જેમ આપણી સરકાર પણ અવઢવમાં છે કે ક્રિપ્ટો કરન્સીને સત્તાવાર માન્યતા આપવી કે નહીં? આપણી  રિઝર્વ બૅન્કના ડેપ્યુટી ગવર્નર રવિશંકર પણ આ ક્રિપ્ટો કરન્સીને લે–ભાગુ પોન્ઝી સ્કિમ જેવી ગણે છે. ગમે ત્યારે એનો પરપોટો ફૂટી  શકે છે. આજકાલના સાંયોગિક પુરાવા પણ  તે તરફ દોરી જાય  તેવા છે. છેલ્લા એક પખવાડિયામાં શેરમાર્કેટ તથા જોગાનુજોગ ક્રિપ્ટોની બજારમાં જે અંધાધૂંધી ફેલાઈ ગઈ– બન્ને  માર્કેટ જે રીતે કડડભૂસ થયાં છે એ જોઈને ભલભલા ખાંટુ રોકાણકારોનાંય હૃદયનાં પાટિયાં બેસી જાય…. ક્રિપ્ટો અને શેરબજારના પળે પળે પલટાતાં વલણ તો કાંચીડાનેય શરમાવે તેવાં છે.

આ બધા વચ્ચે, એવી  ઝડપથી ઘણું નવું નવું ઉમેરાઈ રહ્યું છે કે આભાસી નાણાં ક્રિપ્ટોની દુનિયા ભુલભુલૈયા જેવી બની ગઈ છે. એક અહેવાલ મુજબ, ક્રિપ્ટો માર્કેટમાં કામ કરતા કેટલાંક જાણીતા એક્સચેન્જ  પોતાની ઓળખ સાથે નવી ક્રિપ્ટો કરન્સી સક્રિય કરી રહ્યા છે. જેમ શેરમાર્કેટમાં IPO આવે તેમ અહીં ICO એટલે કે ‘ઈનિશ્યલ કોઈન ઓફર’ માં નવા નવા રોકાણકારોને જબરો રસ પડવા લાગ્યો છે.

કાયદાની કોઈ આંટીઘૂંટીમાં નહીં અટવાય અને આ વ્યવસ્થા જો બરાબર કાર્યરત થઈ  તો એકલા ગુજરાત- સૌરાષ્ટ્રમાંથી 400થી પણ વધુ ક્રિપ્ટો કરન્સી આ આભાસી બજારમાં ઉમેરાઈ જશે…!  ક્રિપ્ટોના આ ધંધામાં પૂરતા જ્ઞાન-સમજ વગર  રસ ધરાવતા લોકોએ ગેલમાં આવી જવાની જરૂર નથી કારણ કે સરકારી નિયમન વગર ચાલતી આ માર્કેટમાં આંધળું ઈન્વેસ્ટમેન્ટ આત્મઘાતી પુરવાર થઈ શકે. ફરી શાણા અને સફળ રોકાણકાર વૉરેન બફેટના શબ્દો ટાંકીએ તો કહી શકાય : ‘અજ્ઞાન અને ઉધારના પૈસામાં લાલચ ભળે તો એ  ડેડલી કૉકટેલ બની જાય…’ ટૂંકમાં, તમને ખબર જ ન હોય કે તમે શું કરો છો તો આવી આભાસી આર્થિક માર્કેટમાં એ અતિ જોખમી છે… .

શેરબજારની જેમ આજે ક્રિપ્ટોનો  ક્રેઝ-ગાંડપણ પણ વધ્યું છે. બધાને રાતોરાત અઢળક કમાઈ લેવું છે. સદીઓ પહેલાં આવો જ એક વાયરો જોરશોરથી ફૂંકાયો હતો એને આજે આપણે ક્રિપ્ટો કરન્સી સાથે સરખાવી શકીએ. મધ્યયુગનો એ માયાવી વાયરો હતો ટ્યુલિપ ફલાવરનો. જે આપણે ત્યાં ‘કંદ પુષ્પ’ તરીકે ઓળખાય છે એ  મૂળ તો તુર્કીનું ફૂલ. યુરોપના શ્રીમંતો એની પાછળ પાગલ. પોતાના માણસોને ખાસ તુર્કી મોકલી ટ્યુલિપ મંગાવતા. યુરોપના શ્રીમંતો પોતાનાં વૈભવી મહાલય ટ્યુલિપ ફ્લાવરથી શણગારતા. આ  એક ‘સ્ટેટસ સિમ્બોલ’-  વિશેષ સામાજિક મોભો ગણાતો.

પાછળથી એની ખેતી યુરોપમાં-ખાસ કરીને હૉલેન્ડમાં થવા લાગી. શરૂઆતમાં આ પુષ્પો ધનવાનોને પોષાતા. પછી મધ્યમ વર્ગમાંય એની ઘેલછા શરૂ થતાં એનો  વેપાર ઝડપથી વધવા લાગ્યો એટલે ઊંચી કિંમતે  એની  લે-વેચ થવા માંડી. એ વખતે ટ્યુલિપની લોકપ્રિયતા એવી વધી ગઈ કે લોકો માનવા માંડ્યા કે આ ફલાવરના ચાહક છે એ વિદેશના શ્રીમંતો એની ખરીદી માટે હૉલેન્ડ આવશે. પરિણામે લોકો પોતાના મૂળ કામધંધાને છોડીને ટ્યુલિપના વેપારમાં લાગી ગયા. એ વખતે  ટ્યુલિપ ફૂલની માંગ એવી વધી કે જોઈતી ખપતની સામે માલની જબરી અછત સર્જાઈ.  ટ્યુલિપ ફૂલના આગોતરા સોદા થવા લાગ્યા પરિણામે એની માર્કેટમાં ગજબની તેજી આવી અને પછી આવી દરેક તેજીમાં થાય છે એમ એની પરાકાષ્ઠાએ ટ્યુલિપના શાણા સટોડિયાઓએ એમનો સઘળો માલ બજારમાં વહેલો ફૂંકી માર્યો ને માર્કેટ ધડાકાબંધ કડડભૂસ તૂટી પડી, જેમાં હોલેન્ડના  અસંખ્ય  લોકો પાયમાલ થઈ ગયા….

નાણાંનું આયોજન કઈ રીતે કરવું એના  મુંબઈસ્થિત  જાણીતા આર્થિક સલાહકાર ગૌરવ મશરૂવાળા ટ્યુલિપના એ વર્ષો જૂના ફિયાસ્કાને યાદ કરાવતા ઉમેરે છે કે સમજ્યા-વિચાર્યા વિના  ક્રિપ્ટો કરન્સીમાં આજે જે રોકાણ કરવાની ઘેલછા છે એ પેલા ટ્યુલિપમેનિયા જેવી જ છે. ક્રિપ્ટોનું જો બરાબર નિયમન નહીં થાય તો એની દશા-અવદશા ટ્યુલિપના વાસી-ગંધાતાં  ફૂલ જેવી થઈ જશે!      

કોવિડ વખતનું લોકડાઉન – ઘરબંધીને લીધે ડિજિટલ આર્થિક વ્યવહાર વધ્યો એને પગલે સાઈબર ક્રાઈમમાં પણ વધારો થયો. હવે  દ્રશ્યમાં વર્ચ્યુઅલ કરન્સી ક્રિપ્ટોના પ્રવેશ પછી આ સાઈબર ક્રાઈમવાળા ક્રિપ્ટો ક્રાઈમ તરફ વળી ગયા છે. એ જ રીતે ક્રિપ્ટોની લે-વેચ કરતા બોગસ ક્રિપ્ટો એકસચેન્જમાંય ઉછાળો આવ્યો છે. આ બે ભયસ્થાનની અડફેટમાં કેમ ન આવવું એ વિશે વિચારીએ – સમજીએ એ પહેલાં આપણે ત્યાં એક ત્રીજી જ ભયની સીસોટી-ઘંટી  વાગવાની શરૂ થઈ ગઈ છે.

એ છે  NFT  એટલે કે ‘નોન  ફંગિબલ ટોકન’ (કોઈ આનો ઉચ્ચાર‘ફંગિબ્લેસ’ પણ કરે છે). એને સરળ શબ્દોમાં સમજાવીએ તો એ એક એવું ટોકન-નિશાની છે જે બ્લેકચેન તરીકે ઓળખાતા ડિજિટલ માધ્યમથી તૈયાર થાય છે. આ અદ્વિતીય  ડિજિટલ ટોકન -સંપત્તિમાં કોઈ ફેરફાર શક્ય નથી. તમે કોઈ પણ કલાકૃતિ-તસવીર-વીડિયો, મ્યુઝિક, ઈત્યાદિને  NFTમાં પલટાવીને એને વેચી શકો. શરત માત્ર એટલી જ કે એનું વેચાણ માત્ર ક્રિપ્ટો કરન્સીમાં જ થઈ શકે છે. …ઉદાહરણ તરીકે, તમારે કોઈ જાણીતું પેન્ટિંગ તમારા સ્વજન કે મિત્રને ભેટ આપવું હોય તો  NFT માર્કેટપ્લેસમાંથી ક્રિપ્ટો કરન્સી દ્વારા  એ ખરીદી  શકો.

આવા જ ક્રિપ્ટો તથા  NFTના સંયોજન દ્વારા કાળાં નાણાંની હેરાફેરી હવાલાથી આતંકવાદીઓ  સુધી પણ પહોંચી શકે. કઈ રીતે  પહોંચે છે એ સમસ્ત પ્રક્રિયા અટપટી છે. કાયદાના સકંજામાં સહજતાથી એ આવતી નથી, છતાંય આપણી  સરકારે ગયા વર્ષે એક ક્રિપ્ટો એકસચેન્જ દ્વારા રૂપિયા સાડા ચાર કરોડના ગેરકાનૂની વ્યવહારને આંતર્યા હતા. છેલ્લાં એકાદ વર્ષમાં 25 અબજ ડોલરનો ધંધો  NFT માર્કેટમાં થયો છે. આ માર્કેટમાં ખાસ કરીને  મોંઘાં ગણાતાં પેન્ટિંગ્સના જ વધુ  વેચાણ થયાં  છે. એમાં ‘એવરીડેઝ: ધ ફર્સ્ટ 5000 ડેઝ’ નામનું ડિજિટલ પેન્ટિંગ વિક્રમસર્જ્ક 69.3 મિલિયન ડોલર (આશરે રૂપિયા 5 અબજ 40 કરોડ)માં  વેચાયું છે. હોલિવૂડની જેમ આપણે ત્યાં પણ અમિતાભથી લઈને રજનીકાંત જેવા સુપરસ્ટાર  NFT દ્વારા એમની ‘ચીજ’ની રોકડી કરી રહ્યા છે.

અમિતજીએ એમના સ્વરમાં રેકોર્ડ કરેલી એમના પિતા હરિવંશરાય બચ્ચનની ‘મધુશાલા’ કવિતાઓનું વેચાણ કર્યું હતું. પિતાની કવિતા વત્તા ઓટોગ્રાફ કરેલાં પોતાની જાણીતી ફિલ્મ્સ પોસ્ટર્સનાં ડિજિટલ વેચાણ દ્વારા અમિતજી રૂપિયા 7 કરોડ 17 લાખ કમાયા હતા.… રજનીકાંત અને સલમાન સુદ્ધાંએ આવાં  NFT સેલમાં ઝુકાવ્યું છે…! જો કે આ ક્રિપ્ટોકરન્સી અને  NFTથી થતી  કમાણી પહેલી નજરે ભલભલાને ચલિત કરી દે એવી છે છતાંય આર્થિક નિષ્ણાતોના મતે આ બધા ખેલ આખરે તો ખતરનાક જ છે…!

Most Popular

To Top