Dakshin Gujarat

મોહબીના લોકો બન્યા માંઝી ધ માઉન્ટેન મેન.. રસ્તો બનાવવા ડુંગર ખોદી નાંખ્યો

ડેડિયાપાડા: (Dediapada) ડેડિયાપાડાના મોહબીના પટેલ ફળિયાના લોકો માંઝી ધ માઉન્ટેન મેન બન્યા છે. અહીંના લોકોએ રોડ ન હોવાથી હાલમાં જ “જાત મહેનત જિંદાબાદ”ના સંકલ્પ સાથે દશરથ માંઝીની માફક પાવડા-ત્રિકમથી ડુંગર (Hill) ખોદીને બે કિમી રોડ (Road) બનાવવાનું કામ હાથ ધરી દીધું છે.

  • મોહ્બીના ગ્રામજનો ‘માઝી’ બન્યા: ગામમાં પ્રવેશવા માટે ડુંગર ખોદી 2 કિ.મી.નો રસ્તો બનાવશે
  • અંતરિયાળ વિસ્તાર હજુ પણ વિકાસથી વંચિત
  • સરકારે દાદ નહીં આપતાં રસ્તો બનાવવા માટે પટેલ ફળિયાના લોકો પાવડા-ત્રિકમ લઈ ડુંગર સામે જંગે ચઢી ગયા

નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં આવેલા મોહ્બી ગ્રામજનો રોડના અભાવે પર્વતના ઊંચા ટેકરાઓ પરથી ચઢીને આવવું પડતું હોય છે. રોજિંદા વ્યવહારમાં રોડ ન હોવાથી લોકો કંટાળી ગયા છે. તંત્ર વિકાસનું ફૂલગુલાબી ચિત્ર રજૂ કર્યા બાદ પણ કમનસીબે અંતરિયાળ આ ગામને રોડ આપવાની કોઈ ફૂરસદ ન મળી. આખરે મોહ્બી ગામના પટેલ ફળિયામાં રહેતા લોકોએ હાલમાં એવું નક્કી કર્યુ હતું કે, જો કોઈ રોડ ન બનાવે તો આપણા બાવડામાં દમ હોય તો જાતે જ પરિશ્રમ કરવો પડે. જે માટે લોકોએ “જાત મહેનત જિંદાબાદ’ના નામે ત્રિકમ, પાવડા લઈને રસ્તા માટે ડુંગર ખોદવાના કામે લાગી ગયા છે.

મોહ્બીના પટેલ ફળિયામાં દસ જેટલા પરિવારો ૩૫ જેટલા લોકોના દાદા-પરદાદાના સમયથી વસે છે. આ ફળિયાના લોકોએ બે કિમી પગદંડી ચાલીને જવું પડે છે. ચોમાસામાં પણ જો કોઈ બીમાર પડે તો ઝોળીમાં ટીંગાટોળી કરીને મુખ્ય રોડ સુધી લઇ જવું પડતું હતું. જો ભૂલેચૂકે આ ગામનો કોઈ વ્યક્તિ ગંભીર રીતે બીમાર પડે તો ક્યારેક સુવિધાના અભાવે તેના રામ રમી જાય એવી કફોડી હાલત છે. આ ફળિયાના સાત માસૂમ બાળકો ટેકરા ચઢીને ભણવા માટે જાય છે. આખરે જ્યાં તંત્ર ન પહોંચે ત્યાં ગામલોકોએ પરિશ્રમ કરીનેય રસ્તા માટે ડુંગર ખોદવાનું અનોખું કામ આદર્યું છે.

મોહ્બી ગામના રહીશ મગનભાઈ વસાવાએ જણાવ્યું હતું કે, અમારા ફળિયા સુધી જવાનો માંડ પગદંડી રોડ હતો. ટુ-વ્હીલર ચલાવવામાં ફાંફાં પડે. સુવિધાના અભાવે જિંદગી અઘરી બની ગઈ હતી. જે માટે જાત મહેનતે આખરે સુવિધા માટે ડુંગર ખોદીને રોડ બનાવી રહ્યા છીએ. જો તંત્રને હજુ લાગણી હોય તો કમસેકમ પાકો રસ્તો તો બનાવી આપે એવી ગ્રામજનોની માંગ છે.

Most Popular

To Top