Health

હેલ્થ ટાઈમ 100 નોટ આઉટ

આપણા માટે ઘણા બધા મહત્ત્વના અવસર 100 સાથે જોડાયેલા હોય છે. જેમ કે ક્યારેક વિરાટ કોહલી કે ક્યારેક સચિનની સેન્ચ્યુરી, ક્યારેક આપણા કોઈ 100 વર્ષ પૂર્ણ કરે તો તેની ખુશી કે કોઈ અદભુત અવસરે 100 દિવસ પૂર્ણ કરીએ એની ખુશી. આજે હેલ્થ ટાઇમ 100 લેખ અને 2 વર્ષ પૂર્ણ કરી રહ્યું છે અને એનો આનંદ તો આપ સૌ સાથે વહેંચવો જ રહ્યો. આજે આપણે આરોગ્યના સ્તરે વર્ષના 100 દિવસ સ્વાસ્થ્યને કઈ રીતે આપીશું અને 100 વર્ષની ઉંમરે આરોગ્ય તથા એવી રસપ્રદ વાતો વિશે જાણીશું.

આજના અંકમાં આપણે કદાચ જવાબો દ્વારા ઓછું સમજીશું અને હું તમને પ્રશ્નો વધુ પૂછીશ. રોજની 100 મિનિટ શું કરવું જોઈએ? તમે શું કરો છો? આદર્શ રીતે 40 મિનિટ યોગા, કસરતો વગેરે, 40 મિનિટ ચાલવા માટે કે 20 મિનિટ મેડિટેશન (ધ્યાન) વગેરે માટે તમે ફાળવી શકો છો? આ એકદમ આદર્શ અને ન્યૂનતમ 100 મિનિટની વાત થઈ. એથી ઉપર સમજીએ તો વર્ષના 100 દિવસ શું કરી શકીએ? એક વર્ષના 52 અઠવાડિયા હોય એટલે 50 અઠવાડિયા ગણીને 100 દિવસો માનીએ તો દર અઠવાડિયે બે દિવસ એટલે કે વિકેન્ડ કેવી રીતે પસાર કરીએ છીએ એ આપણા ભવિષ્યને પ્રભાવિત કરે છે.

તો વળી આપણું આયુષ્ય તથા આપણી તંદુરસ્તી પણ એના પર નિર્ભર કરે છે. એનું કારણ એટલું જ કે ઘણી વાર આ જે 50 અઠવાડિયા અને 100 દિવસોને જેટલા સારી રીતે માણવા જોઈએ એટલા સારી રીતે એનો ઉપયોગ કરતા નથી. આપણે એવું ઘણી વાર સમજતા હોઈએ છીએ કે વિકેન્ડ એટલે જે કરવું હોય તે કરવું અને તેમાં સૌથી પહેલું સૌ કોઈ બહારનું ખાવાનું ખાવું એ જ સમજે. કે જે મોટે ભાગે બિનઆરોગ્યપ્રદ હોય છે. જેમ કે જરૂર કરતાં વધારે બટરવાળી, ચીઝવાળી વસ્તુ કે મેંદાની વસ્તુઓ વગેરે.

એટલે મહિનામાં 8 વખત આવું જ રહે અને એની વચ્ચે પણ આમ ચાલ્યા કરે, સાથે બહાનું સરસ મજાનું તૈયાર હોય છે કે મારો તો ધંધો જ આવો છે કે મારું તો કામ કરવાનું ક્ષેત્ર જ આવું છે, તો શું કરું, ખાઈ લેવું પડે છે! આપ અત્યંત બિનઆરોગ્યપ્રદ, શરીરના આંતરિક તંત્ર માટે નુકસાનકારક ખાદ્યવસ્તુઓ ખાઈને બીમાર પડો કે ઈમરજન્સી ઊભી થાય તો રાત્રે એ બનાવનારને ઉઠાડો છો? એમને કઠેરામાં ઊભા કરો છો? પણ જાતે બેદરકારી દાખવી ગંભીર બનીએ તો તબીબને રાત્રે જગાડવા એ આપણા માટે સામાન્ય છે.

વળી તબીબથી સ્થિતિ નિયંત્રણમાં ના આવે તો કદાચ હિંસા પર ઉતરતા પણ અચકાતા નથી અને પૈસા જો આપવાના હોય તો સેવાનો ધર્મ તબીબનો વચ્ચે નડે પણ કોઈ રેસ્ટોરન્ટવાળાને ક્યારેય એમ નથી કહેતા કે ભાવ શા માટે આટલો વધુ છે? 200 રૂપિયાની મદિરાની બોટલ કાળાબજારમાં 1500માં ખરીદતા ગુજરાતમાં કોઈ અચકાતું નથી પણ પોતાની હેલ્થ માટે સૌ કોઈ પાસે લગભગ પૈસા નથી હોતા.

દવાની સાઇડ ઇફેક્ટ પૂછતાં હોઈએ પણ બહાર ખાવા જાઓ અને એમ પૂછો કે સાહેબ આ ખાવાથી મને કોઈ જ તકલીફ તો ના થાય ને? એ દિવસે તમે ખરેખર શિક્ષિત અને જાગૃત થયા પોતાની તબિયત તંદુરસ્તી માટે. (જે જવાબ મળે રેસ્ટોરન્ટના મેનેજર પાસેથી એ જાણવાની મને આતુરતા રહેશે.) આમ આપણે પોતાની જાત સાથે કેમ ચેડાં કરીએ છીએ? વિચારજો અને સમજ્યા હોવ તો અન્યને ઉજાગર કરશો. તબીબ આપની સેવા માટે જ છે, અહીં ઈરાદો ફક્ત એટલો જ છે કે પોતાની જાત અને સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવાનું અને એના માટે કસર કરવાનું ક્યારે બંધ કરીશું આપણે?

શું 100 વર્ષે જરૂર પડે તો સર્જરી થઈ શકે?
તમે કદાચ કહેશો કે 100 વર્ષ કોણે જીવવું અને આટલું બધું ધ્યાન રાખીએ અને 100 વર્ષના થઈએ ખરા તો શું સર્જરી/ઓપરેશનની જરૂર પડે તો થઈ શકે? જવાબ હા પણ છે, ના પણ છે. પરંતુ મોટે ભાગે જવાબ હા. એ એટલે કે આજનું મેડિકલ સાયન્સ ખૂબ જ વ્યાપક પ્રમાણમાં આગળ વધી ગયું છે. થોડા સમય પહેલાં પ્રખ્યાત કાર્ડિયોલોજીસ્ટ ડૉ. કેયૂર પરીખે અમદાવાદમાં 106 વર્ષના દાદીમાને સ્ટેન્ટ મૂકી એન્જ્યોપ્લાસ્ટી કરી અને તેઓ સ્વસ્થ રીતે ઘરે ગયા એટલે નકારાત્મક ન બનવું, 70-80 વર્ષે કે પછી પણ દવા / ઓપરેશન થઇ શકે છે.

સર્જરી કદાચ ના થાય પણ દવા અને સારવાર ચોક્કસ શકય છે. જીવનમાં જ્યારે પણ એમ લાગે કે આરોગ્ય સારું રહેતું નથી, તો એક પ્રશ્ન અવશ્ય પૂછો. મેં મારા શરીરને જરૂરી સમય આપ્યો છે? સામાન્ય માણસની કલ્પનાથી પરે છે પણ હકીકત છે કે ઈશ્વરે શરીરનું અદભુત સર્જન કર્યું છે અને આપણું કર્તવ્ય એટલું જ બને કે એની સમયાંતરે સર્વિસ કરતા રહીએ અને બિનજરૂરી કચરો અંદર ના નાખીએ.

હેલ્ધી એટ 100:
હેલ્ધી એટ 100 નામના પુસ્તકમાં લેખકની દરેક વાત જોડે મેડિકલ સાયન્સ અને તબીબો સંમત ના થાય એમ બને પણ જો અમુક મજેદાર વાત પર નજર કરું તો, તેઓ જણાવે છે કે દવા કરતાં વ્યાયામ અને હલનચલન તમારા રોગોને સારા કરવા વધુ સક્ષમતા ધરાવે છે. કસરત ન કરવી એ ડિપ્રેસન્ટ લેવા જેવું છે. દુ:ખ, ચિંતા, તાણ અને હતાશા બધાને રમતગમતની પ્રવૃત્તિઓમાં સામેલ કરીને દૂર કરી શકાય છે, કારણ કે તમારા શરીરને પ્રવૃત્ત રાખવાથી તમારા મગજમાં ડોપામાઇન અથવા ‘હેપ્પી હોર્મોન’નો સ્ત્રાવ થશે.

બીજું, જાહેરાતોની જાળમાં પડવાનું ટાળો અને તેના બદલે કોમન સેન્સનો ઉપયોગ કરો. મોટાભાગે વધુ પ્રમાણમાં શાકભાજી, બિન-પ્રાણી પ્રોટિન અને ચરબી, ઓછી કે નહીંવત્ માત્રામાં તમાકુ, આલ્કોહોલ અને કેફિનનો સમાવેશ થતો આહાર લેવાનું ધ્યેય રાખો. કોઈ આશ્ચર્ય નથી કે જે સંસ્કૃતિઓ તંદુરસ્ત આહાર અને સારી માત્રામાં કસરતને પ્રોત્સાહન આપે છે તેઓના નાગરિકો પૃથ્વી પરના સૌથી લાંબા સમય સુધી જીવતા રાષ્ટ્રો તરીકે ઓળખાય છે, જેમ કે જાપાન.. વાસ્તવમાં, આ બધું અમલ કરવાથી તમે માત્ર લાંબું જીવશો જ નહીં, પરંતુ જ્યારે તમે વધુ વયના થશો ત્યારે પણ તમારા જીવનની ગુણવત્તામાં હકારાત્મક સરસ સુધારો જોવા મળશે.

ત્રીજું, આપણને બધાને પીડિતની ભૂમિકા ભજવવી ગમે છે. ભલે તમારી જાતને જ કહો કે તમને તો વારસામાં આવા જીન્સ (જનીન) મળ્યા કે તમારી આર્થિક પરિસ્થિતિને લીધે ખુશ નથી રહી શકતા અથવા તમે તમારા પર લાદેલી અન્ય કોઈ પણ મર્યાદાઓને લીધે જેતે કાર્ય નથી કરી શકતા પણ સત્ય એ છે કે તમે તમારા જીવનના કર્તાહર્તા છો. શરીરથી શરૂ કરીને મન સુધી અને છેલ્લે આત્મા સુધી, તમે તમારી પરિસ્થિતિ બદલી શકો છો. તમારું શરીર તમારું મંદિર છે, તેથી તેને શુદ્ધ ખોરાક, સ્વચ્છ પાણી અને હલનચલન (વ્યાયામ, કસરત)થી પોષણ આપો જેથી એ વધુ મજબૂત અને સ્વસ્થ બનશે. ટૂંકમાં, તમારા હાથમાં છે વહેલા આઉટ થવું કે મોડા અને કેવી રીતે? સ્ટ્રાઇક રેટ પણ તમારે જ નક્કી કરવી રહી.

Most Popular

To Top