World

હમાસની ચેતવણી છતાં ઇઝરાયેલના ગાઝામાં હુમલા ચાલુ, સીરિયાની રાજધાની પર પણ હુમલા

હમાસની (Hamas) ચેતવણી છતા પણ ઇઝરાયેલે (Israel) સોમવારે દક્ષિણ ગાઝાના (Gaza) મુખ્ય શહેર પર હુમલો ચાલુ રાખ્યો હતો. હમાસે કહ્યું હતું કે જ્યાં સુધી કેદીઓને મુક્ત કરવાની તેની માંગ પૂરી ન થાય ત્યાં સુધી કોઈપણ ઇઝરાયેલ બંધક આ વિસ્તારને છોડીને જીવતો જશે નહીં. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયેલ પર હુમલો કર્યો હતો. આ સમય દરમિયાન તેણે ગાઝામાં લગભગ 240 લોકોને બંધક બનાવ્યા હતા.

હમાસે રવિવારે ચેતવણી આપી હતી કે ઈઝરાયેલ કોઈ પણ આદાન પ્રદાન વિના બંધકોને જીવતા નહીં લઈ જઈ શકે. આ ચેતવણી છતાં ઇઝરાયેલી સેનાએ સોમવારે ગાઝામાં રોકેટ છોડ્યા હતા. ઈઝરાયેલનું કહેવું છે કે લગભગ 137 બંધકો હજુ પણ હમાસની કસ્ટડીમાં છે. જ્યારે કાર્યકર્તાઓનું માનવું છે કે લગભગ 7000 પેલેસ્ટિનિયન ઇઝરાયેલની જેલોમાં બંધ છે. સંયુક્ત રાષ્ટ્રનો અંદાજ છે કે ગાઝાના 2.4 મિલિયન લોકોમાંથી 1.9 મિલિયન લોકો તેમના ઘરોમાંથી વિસ્થાપિત થયા છે જેમાંથી અડધા બાળકો છે.

દરમિયાન ઇઝરાયેલ હવે માત્ર ગાઝા સાથે જ નહીં પરંતુ યમનમાં હૂતી બળવાખોરો અને લેબનોનના હિઝબુલ્લા સાથે પણ લડી રહ્યું છે. ઇઝરાયેલી મિસાઇલ હુમલાઓ રાજધાની દમાસ્કસની આસપાસના સૈન્ય સ્થળોને નિશાન બનાવ્યા છે. સીરિયામાં સૈન્ય સ્થાપનોને નિશાન બનાવતા હુમલાઓની શ્રેણીમાં આ નવા હુમલાઓ છે.

બ્રિટન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સ વોર મોનિટરના જણાવ્યા અનુસાર ઈઝરાયેલી મિસાઈલોએ દમાસ્કસના ગ્રામ્ય વિસ્તારમાં સૈયદા ઝૈનબ અને દમાસ્કસ ઈન્ટરનેશનલ એરપોર્ટના વિસ્તારોને નિશાન બનાવ્યા હતા, જ્યાં હિઝબુલ્લાહ અને ઈરાની મિલિશિયાઓ સ્થિત છે. ઓબ્ઝર્વેટરીએ જણાવ્યું હતું કે સીરિયન એર ડિફેન્સ ફોર્સ સાથે જોડાયેલા લક્ષ્યોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. અત્યાર સુધી કોઈ માનવ નુકસાનના અહેવાલો નથી. તેણે 2023 ની શરૂઆતથી ઇઝરાયેલ દ્વારા સીરિયન પ્રદેશને નિશાન બનાવવાની 62 ઘટનાઓ નોંધી છે. ઇઝરાયેલે તાજેતરના વર્ષોમાં સીરિયામાં અનેક હવાઈ હુમલાઓ કર્યા છે જેમાં ઈરાન સમર્થિત મિલિશિયા અને શસ્ત્રોના શિપમેન્ટને નિશાન બનાવવામાં આવ્યા હતા જેના વિશે માનવામાં આવે છે કે આ ઈરાન સમર્થિત હિઝબુલ્લાહ આતંકવાદી જૂથ વિરુદ્ધ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top