Gujarat

15 વર્ષ જુના ખાનગી વાહનોને લઈ આવ્યા મોટા સમાચાર, વાહનો સ્ક્રેપ બાબતે રાજ્ય સરકારે લીધો આ નિર્ણય

ગાંધીનગર: (Gandhinagar) 15 વર્ષ જુના વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં (Scrap) મોકલવાનાં નિર્ણયને લઈ સરકારે સ્પષ્ટતા કરી છે. સરકારે નવી વાહન સ્ક્રેપીંગ પોલીસીમાં 15 વર્ષ જૂના ખાનગી માલિકીના વાહનોને (Private vehicles) સ્ક્રેપ કરવાનું ફરજિયાત કર્યું નથી. પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ (Fitness Test) કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. વાહન સ્ક્રેપીંગ પોલીસીનાં અમલ માટે માર્ચ 2023 સુધીમાં 204 ફિટનેસ સેન્ટર કાર્યરત કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે. જેમાંથી 3 ફિટનેસ સેન્ટરો શરૂ પણ કરી દેવામાં આવ્યા છે. આજે ગાંધીનગર ખાતે કેબિનેટની બેઠક મળી હતી. બેઠક બાદ રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા વાહનોની સ્ક્રેપ પોલિસીને લઈ આ મહત્વનું નિવેદન આપવામાં આવ્યું હતું.

  • લાખો જુના વાહન માલિકોને મોટી રાહત
  • 15 વર્ષ જુના ખાનગી વાહનોને ફરજિયાત સ્ક્રેપમાં મોકલવામાં નહીં આવે- સરકારની સ્પષ્ટતા
  • નવી વાહન સ્ક્રેપીંગ પોલીસીમાં 15 વર્ષ જૂના 23 લાખ કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી
  • વાહન સ્ક્રેપીંગ પોલીસીનાં અમલ માટે માર્ચ 2023 સુધીમાં 204 ફિટનેશ સેન્ટર કાર્યરત કરાશે:ઋષિકેશ પટેલ
  • રાજ્યમાં 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરાશે જેમાંથી 3 ફિટનેસ સેન્ટરો શરૂ પણ કરી દેવામાં આવ્યા છે

રાજ્યનાં વાહન વ્યવહાર વિભાગે તમામ આરટીઓ એને લગતો પરિપત્ર મોકલી આપ્યો છે. આ બાબતે પ્રવક્તા ઋષિકેશ પટેલે જણાવ્યું કે  વર્ષ 2021માં સ્ક્રેપ પોલિસી લાગુ કરવામાં આવી હતી અને વાહનોની ફિટનેસ ટેસ્ટ 15 વર્ષે થાય છે. જુના વાહનોથી થતાં પ્રદૂષણ દૂર કરવાની સાથો સાથ વાહનોની ફિટનેસ તેમજ રોડ સેફ્ટીને લઈને પણ આયોજન કર્યું છે. આ પોલીસીમાં 15 વર્ષ જૂના કોમર્શિયલ વાહનોનું ફિટનેસ ટેસ્ટ કરાવવાની જોગવાઇ કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્યના 23 લાખ વાહનોનો સમાવેશ થાય છે. જોકે નાગરિકોની માલિકીના અને ખાનગી 15 વર્ષ જૂના વાહનોને સ્ક્રેપ કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું નથી.

રાજ્યમાં વાહન સ્ક્રેપીંગ પોલીસીની અસરકારક અમલવારી માટે 204 ફિટનેશ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. આ ફિટનેશ સેન્ટરો માર્ચ 2023 સુધીમાં કાર્યરત થશે. આ ફિટનેશ સેન્ટરના નિર્માણથી ઓટો સેક્ટરમાં આત્મનિર્ભરતાને વેગ મળશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે રાજ્યમાં 204 ફિટનેસ સેન્ટરો શરૂ કરવામાં આવશે. આ 204 માંથી હાલ 3 ફિટનેસ સેન્ટરો શરૂ કરી દેવામાં આવ્યાં છે. બાકીના 201 ફિટનેસ સેન્ટર એપ્રિલ મહિનામાં શરૂ કરાશે. વાહનોના ફિટનેસ ટેસ્ટના સર્ટી પણ આપવામાં આવશે. સરળતાથી ફિટનેસ ટેસ્ટના સર્ટી મળી રહે તે માટે આયોજન કરવામાં આવ્યું છે.

સ્ક્રેપ સેન્ટરની મંજૂરી અર્થે કેન્દ્ર સરકાર દ્વારા ઓનલાઇન સીંગલ વિન્ડો સીસ્ટમ વિકસાવવામાં આવી છે. જેના થકી રાજ્યમાં 204 ફિટનેસ સેન્ટર બનાવવાની પ્રાથમિક મંજૂરી આપવામાં આવી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અધ્યક્ષપણામાં કેન્દ્ર સરકાર દ્વારા 13 ઓગસ્ટ 2021ના રોજ વાહન સ્ક્રેપીંગ પોલીસી લાગુ કરાવવામાં આવી હતી. આ પોલીસીથી વેસ્ટ ટુ વેલ્થ એટલે કે કચરામાંથી કંચન બનાવવાના અભિયાનને વેગ મળશે. આ પોલોસીના અમલથી પ્રદૂષણ પણ ઘટશે અને પર્યાવરણ જાળવવામાં પણ મદદરૂપ થશે.

Most Popular

To Top