National

તમામ પાસાંઓ ચકાસ્યા બાદ જ ગીરના સિંહોને સ્થળાંતરિત કરાશે: સરકાર

નવી દિલ્હી: ગુજરાતના (Gujarat) ગીરમાંથી કેટલાક એશિયાટિક સિંહોનું (Lions) પડોશી મધ્ય પ્રદેશમાં કુનો વન્યજીવ અભયારણ્યમાં સ્થળાંતરણ તમામ પાસાંઓને આવરી લેતી રાજ્ય-વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત સમિતિઓ વચ્ચે પરસ્પર પરામર્શ કર્યા પછી જ કરવામાં આવશે. એમ સરકારે ગુરુવારે સંસદમાં જણાવ્યું હતું. એપ્રિલ 2013માં સુપ્રીમ કોર્ટે ગુજરાતના કેટલાક સિંહોને પડોશી રાજ્ય મધ્ય પ્રદેશમાં કુનો અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાનો આદેશ આપ્યો હતો અને કહ્યું હતું કે, જાતિઓ લુપ્ત થવાના જોખમમાં છે અને તેને બીજા ઘરની જરૂર છે. સર્વોચ્ચ અદાલતે પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલયને ઓક્ટોબર 2013 સુધીમાં તેમને શિફ્ટ કરવાનો નિર્દેશ આપ્યો હતો.

પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રી ભૂપેન્દ્ર યાદવે રાજ્યસભામાં પ્રશ્નકાળ દરમિયાન એક પ્રશ્નના જવાબમાં જણાવ્યું હતું કે, ”ગીર જંગલમાં અને એશિયાટિક સિંહોની આસપાસ કુદરતી મૃત્યુ, ટ્રેન અથડાવી, ઇલેક્ટ્રિક આંચકો, કૂવામાં પડવું, અંદરોઅંદર લડાઈ, રોગ વગેરે જેવાં વિવિધ પરિબળોને કારણે એશિયાટિક સિંહોના મૃત્યુની ઘટનાઓ નોંધાઈ છે.”
યાદવે વધુમાં જણાવ્યું હતું કે, ”ગુજરાતમાંથી ગીરના એશિયાટિક સિંહોનું સ્થળાંતરણ બે રાજ્યો- ગુજરાત અને મધ્ય પ્રદેશની રાજ્ય-વિશિષ્ટ અધિકાર પ્રાપ્ત સમિતિઓ વચ્ચે પરસ્પર પરામર્શ કર્યા પછી જ કરવામાં આવશે. જેમાં સૂચિત વસવાટના મૂલ્યાંકન સહિત સ્થળાંતરણનાં તમામ પાસાંઓને આવરી લેવામાં આવશે. જેમાં પ્રક્રિયાઓ અને માર્ગદર્શિકાઓનું પાલન કરવું જરૂરી છે અને સલામતી અને સુરક્ષાનાં પાસાંઓનો પણ સમાવેશ થાય છે.”

યાદવે જણાવ્યું હતું કે, ”સિંહો સાનુકૂળ કોરિડોર દ્વારા જંગલના ભાગોમાં ચાલ્યા ગયા છે અને હવે તેઓ સૌરાષ્ટ્રના નવ જિલ્લાઓ એટલે કે જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ, પોરબંદર, જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગરમાં વિતરિત કરવામાં આવ્યા છે, જેમાં 53 તાલુકાઓ સામેલ છે, જે લગભગ 30,000 ચોરસ કિલોમીટર વિસ્તારને આવરી લે છે. જેને એશિયાટિક લાયન લેન્ડસ્કેપ તરીકે ઓળખવામાં આવે છે.”

Most Popular

To Top