Gujarat

ગુજરાતમાં બિપરજોય વાવાઝોડનાં ખતરા વચ્ચે ગીરના 100 સિંહોને સલામત સ્થળે ખસેડાયા

ગીર: અરબ સાગરમાં ઉઠેલા બિપરજોય વાવાઝોડાની (Cyclone Biperjoy) અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા કર્ણાટક અને કેરલમાં જોવા મળી રહી છે. સમુદ્રમાં (Sea) ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. ત્યારે આ ખતરાને જોતા ત્રણ રાજ્યની સરકાર એલર્ટ મોડમાં આવી ગઈ છે. ગુજરાતમાં ગીરનાં જંગલમાં પણ બિપરજોય વાવાઝોડાની અસર વર્તાઈ રહી છે જેના પગલે દરિયા કિનારા નજીક રહેલા 100 સિંહોને સુરક્ષિત સ્થળ પર ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

300 ટ્રેકર્સનો ઉપયોગ કરી સિંહોની ગતિવિધીઓ પર નજર રાખવામાં આવી રહી છે. જેથી કરી સંભવિત ખતરાનો સામનો કરી શકાય. આ વાવાઝોડાના કારણે 70થી 80 કિલોમીટર પ્રતિ કલાકના આધારે પવન ફૂંકાઈ શકે છે જેના કારણે વન્યપ્રાણીના જીવને ખતરો હોવાની સંભાવના છે. જો કે આ ખતરાને ધ્યાનમાં રાખતા વન વિભાગે તમામ તૈયારીઓ કરી લીધી છે.

આરાધના સાહૂ CCF જૂનાગઢ તરફથી જાણકારી મળી આવી છે બિપજોય વાવાઝોડાના ખતરાના કારણે 12થી 16 જૂન સુધી જંગલ સફારી અને દેવલિયા પાર્કને બંધ કરી દેવામાં આવ્યો છે. ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું મોનસૂન વેકેશન શરૂ થઈ રહ્યું છે. જેના કારણે હવે 16 ઓકટોબરના રોજ જ ગીર સફારી ખુલશે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે વાતાવરણમાં એકાએક પલટો
બિપરજોય હવે અતિ ભયાનક બની રહ્યું છે. તે પોરબંદરથી 200 કિલોમીટર અને દ્વારકાથી 290 તેમજ જખૌ પોર્ટથી 340 કિલોમીટર દૂર છે. વાવાઝોડુ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. તે 15 જૂને ત્રાટકે તેવી શક્યતા છે, પરંતુ ગુજરાતના તટીય વિસ્તારોમાં અત્યારથી જ વાવાઝોડાની અસર દેખાવા લાગી છે. સુરતમાં ઝડપી પવનો ફૂંકાઈ રહ્યાં છે. સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારમાં તોફાની પવનો ફૂંકાવા સાથે દરિયાના મોજા ઊંચા ઉછળી રહ્યાં છે. ભુજના લખુરાઈ ચાર રસ્તા પાસે દીવાલ ધરાશાયી થઈ તેમાં બે બાળકોના મોત નિપજ્યા છે.

બિપરજોય વાવાઝોડાની અસરના પગલે રાજ્યમાં આજે મંગળવારે સવારથી વાતાવરણમાં એકાએક પલટો આવ્યો છે. હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હતી તે અનુસાર આજે સવારથી રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે પવન અને વીજળીના કડકા સાથે વરસાદ શરૂ થયો હતો. જામનગરમાં સવારથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. સવારે 6થી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજયના 51 તાલુકામાં અડધાથી સવા ત્રણ ઈંચ સુધી વરસાદ ઝીંકાયો છે.

Most Popular

To Top