National

હોટલ દ્વારા વસુલાતા સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ મુકવાનો સરકારને અધિકાર નથી: NRAI

નવી દિલ્હી: હોટલ(Hotel) અને રેસ્ટોરાન્ટ(Restaurant)માં વસૂલવામાં આવનાર સર્વિસ ચાર્જ(Service charge) અંગે સરકારની નવી માર્ગદર્શિકા સામે રેસ્ટોરન્ટ ઉદ્યોગ(Industry) એક થઈ ગયો છે. રેસ્ટોરન્ટ સંચાલકોની સર્વોચ્ચ સંસ્થા નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયા (NRAI)એ આ નિર્ણય(Decision)ને ગેરકાયદેસર(Illegal) ગણાવ્યો છે. ઓર્ડરની કાનૂની માન્યતા પર સવાલ ઉઠાવતા NRAIએ સર્વિસ ચાર્જ પર પ્રતિબંધ મૂકવા અંગેની સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી (CCPA)ની માર્ગદર્શિકાને ગેરકાયદે ગણાવીને ઓર્ડરની કાનૂની માન્યતા પર સવાલ ઉઠાવ્યા છે.

સેવાઓ આપવાના નામે હોટલો સર્વિસ ચાર્જ વસૂલ નહી શકે
NRAIએ જણાવ્યું હતું કે સરકારનો આ નિર્ણય માત્ર વ્યાપારી પ્રવૃત્તિઓમાં અવરોધ ઉભો કરશે. હોટલ અને રેસ્ટોરન્ટ દ્વારા મનસ્વી સર્વિસ ચાર્જ વસૂલવાની વારંવારની ફરિયાદોને ધ્યાનમાં લઈને CCPAએ સોમવારે આ પ્રતિબંધ લાદ્યો હતો. CCPAએ સોમવારે સર્વિસ ચાર્જને ગેરકાયદે ગણાવ્યો હતો. નવી માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે કોઈપણ રેસ્ટોરન્ટ તેના મુલાકાતીઓ પાસેથી ગ્રાહકને સેવાઓ આપવાના નામે સર્વિસ ચાર્જ વસૂલ કરી શકશે નહીં. જો આવું થાય, તો ગ્રાહકો હેલ્પલાઇન નંબર 1915 પર તેમની ફરિયાદ પણ નોંધાવી શકે છે.

ગ્રાહકને દબાણ નહિ કરી શકાય
CCPA એ આવા સ્થળોએ સર્વિસ ચાર્જને આપમેળે અથવા બિલમાં ડિફોલ્ટ તરીકે વસૂલવા પર પ્રતિબંધ મૂક્યો છે, સર્વિસ ચાર્જને અયોગ્ય વેપાર પ્રથા તરીકે ગણાવ્યો છે. માર્ગદર્શિકામાં કહેવામાં આવ્યું છે કે હોટલ અને રેસ્ટોરન્ટમાં આપવામાં આવતા ભોજનની કિંમતમાં ભોજન અને સેવાનો સમાવેશ પહેલાથી જ છે. ઓથોરિટીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ગ્રાહકને સર્વિસ ચાર્જ ચૂકવવા માટે ફરજ પાડી શકાય નહીં.

સરકારના આદેશ પર વળતો પ્રહાર
NRAI એ સરકારના આદેશ પર વળતો પ્રહાર કરતા કહ્યું કે આવી માર્ગદર્શિકા સાથે કોઈપણ કાયદાકીય આધાર વિના રેસ્ટોરન્ટ ઉદ્યોગ સામે ઝુંબેશ શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. નિવેદનમાં દલીલ કરવામાં આવી હતી કે સર્વિસ ચાર્જ એ ઉત્પાદનની કુલ કિંમતના ઘટકોમાંથી એક છે અને તેથી તે વૈકલ્પિક ન હોઈ શકે. ગ્રાહકો દ્વારા ચૂકવવામાં આવેલ સ્વૈચ્છિક સેવા ચાર્જ ફ્રન્ટ એન્ડ કર્મચારીના ખિસ્સામાં જાય છે જેણે ગ્રાહકોને સીધી સેવા આપી છે, પાછળના કર્મચારીને તેમાંથી કંઈ મળતું નથી.

આ બાબતમાં દખલ કરવી ખોટું
નેશનલ રેસ્ટોરન્ટ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ પોતાનો વિરોધ વ્યક્ત કરતા કહ્યું કે સરકારને આ મામલે દખલ કરવાનો કોઈ અધિકાર નથી. ઉદ્યોગપતિના નિર્ણયમાં ન તો સરકાર કે ન કોઈ સત્તા વેપારી હસ્તક્ષેપ કરી શકે છે. તેણે પોતાનો વ્યવસાય કેવી રીતે ચલાવવો જોઈએ અને ઉત્પાદનની કિંમતના સંદર્ભમાં કઈ નીતિનો અમલ કરવો તે તેઓની વિવેકબુદ્ધિ પર આધારિત છે. NRAIએ કહ્યું કે સરકાર માર્ગદર્શિકા બનાવીને સર્વિસ ચાર્જના સંબંધમાં કોઈ ફેરફાર લાવી શકે નહીં.

Most Popular

To Top