World

ગાઝાની અલ-શિફા હોસ્પિટલમાં ICUમાં રહેલા બધાંજ દર્દીઓના મોત, 4 નવજાત સહિત 40 દર્દીઓ હતાં

ઈઝરાયેલ (Israel) અને હમાસ વચ્ચે યુદ્ધ (War) 6 અઠવાડિયા પહેલા શરૂ થયું હતું. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં લગભગ 13 હજાર લોકો માર્યા ગયા છે. ઈઝરાયેલની સેના ગાઝા પટ્ટીમાં સતત ગ્રાઉન્ડ ઓપરેશન કરી રહી છે. દરમિયાન ગાઝાની અલ શિફા (Al-Shifa) હોસ્પિટલમાંથી એક મોટા સમાચાર સામે આવ્યા છે. કતારના મીડિયા હાઉસ અલજઝીરાએ જાહેર કરેલી માહિતી અનુસાર ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ICUમાં રહેલા તમામ દર્દીઓ મોતને ભેટ્યા છે. હોસ્પિટલમાં સુવિધાઓ અને ફ્યૂઅલના અભાવે દર્દીઓ મોતને ભેટ્યા છે.

ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ગાઝા સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગયું છે. આતંકવાદી સંગઠન હમાસ દ્વારા ઈઝરાયેલમાં ઘૂસીને આચરવામાં આવેલા સામૂહિક નરસંહાર બાદ ઈઝરાયેલી સેના ગાઝા પર સતત હુમલાઓ કરી રહી છે. ઈઝરાયેલે કહ્યું છે કે તે હમાસને નષ્ટ કર્યા પછી જ રોકાશે. દરમિયાન સુવિધાઓ અને ફ્યૂઅલના અભાવે ગાઝાની અલ-શિફા હોસ્પિટલના ICUમાં રહેલા તમામ દર્દીઓના મોત નિપજ્યા છે. મૃત્યુ પામેલાઓમાં 4 નવજાત બાળક સહિત 40 જેટલા દર્દીઓ હોવાનો અહેવાલ છે.

હોસ્પિટલના ડાયરેક્ટર મોહમ્મદ અબુ સલમિયાના જણાવ્યા અનુસાર ગુરુવાર અને શુક્રવારની વચ્ચે 22 લોકોનાં મોત થયાં હતાં. હોસ્પિટલમાં સ્ટાફ સહિત 7 હજાર લોકો છે. અમારી પાસે વીજળી, પાણી, ખોરાક તેમજ દર્દીઓને જીવતા રાખવા માટે પૂરતા સાધન નથી. મૃત્યુદર મિનિટે થઈ રહ્યા છે. આઈસીયુના તમામ દર્દીઓ મૃત્યુ પામ્યા છે. હવે હોસ્પિટલ જાણે કે કબ્રસ્તાન બની ગયું છે. અમે ઇઝરાયલી સેનાને હોસ્પિટલને બચાવવા માટે અપીલ કરી હતી પરંતુ તેમણે અમારું સાંભળ્યું નહીં. આ એક મોટો યુદ્ધ અપરાધ છે.

આ બધા વચ્ચે ઇઝરાયલની કેબિનેટે શુક્રવારે રાત્રે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો. જે અંતર્ગત ઇઝરાયેલ દ્વારા દરરોજ ફ્યૂઅલનાં 2 ટેન્કર ગાઝા મોકલવામાં આવશે. ઇઝરાયલની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના અધ્યક્ષ ઝાચી હાંગેબીએ જણાવ્યું કે અમેરિકાએ ગાઝામાં ફ્યૂઅલ મોકલવા બાબતે કરેલી અપીલ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.

Most Popular

To Top