Comments

વાઇબ્રેટથી ઉદ્યોગો, તો રાજ્યની પૂનર્વાસ નીતિથી વનવાસી મૂખ્ય ધારા સાથે જોડાયા છે

ગરીબી નિવારણના કાર્યક્રમના અમલીકરણ માટે અને સમાજવાદી સમાજરચનાના આદર્શ સુધી પહોંચવા દેશમાં અનેક પ્રયોગો થાય છે. ગરીબી હટાવો જેવા રાષ્ટ્રવ્યાપી પક્ષીય આંદોલનથી માંડી ભૂમિદાન પ્રકારે રચનાત્મક અભિગમ પણ સેવાભાવી સંસ્થાઓ દ્વારા અમલમાં મુકાયા છે. આમ છતાં, આઝાદી અમૃતકાળમાં પહોંચી છે ત્યારે પણ આપણાં લાખો ગરીબ ભાઈભાંડુઓની આવતીકાલ સુનિશ્ચિત કરી શકાઇ નથી જે જમીની હકીકત છે. વિચાર, પ્રયત્ન અને પરિણામની કથાવ્યથામાંથી ફરી એક નવી દિશા હાથ પર આવી રહી જણાય છે અને તે ‘સક્ષમ વિકાસનાં કાર્યો સમયે ગરીબોનો અનુબંધ જોડી આપવાનું કામ.’નર્મદાબંધ યોજના આ વિચારની પરિપૂર્તિ રૂપે છે. યોજના થકી ગુજરાતના તરસ્યા વિસ્તારમાં પાણી ખેતીનો વિકાસ થયો છે.

સાથે આ વિસ્તાર ઉપર નભતા અનેક ખેતમજૂરોને રોજી મળી છે પરંતુ સવિશેષ મહત્વ તો પુનર્વસવાટ પામેલ અસરગ્રસ્તોના બદલાતાં જીવનને સ્પર્શે છે. નર્મદા યોજનાના કારણે જમીન વિહોણા અથવા તો ડુંગરાળ પ્રદેશોમાં પગથિયાં પાડી નજીવી ખેતી કરતા આદિવાસી લોકોને વડોદરા, ભરૂચ, ખેડા, આણંદ, અમદાવાદ જિલ્લાના ફળદ્રુપ વિસ્તારોમાં એમની પસંદગીની 5-5 એકર જમીન આપવામાં આવતાં 1981થી પ્રારંભાયેલા કાર્યક્રમથી એક વખત ગરીબીની રેખા હેઠળ જીવન જીવતા વનવાસીઓ આજે વ્યક્તિગત જમીન અને સંપત્તિના માલિકો બન્યા છે, એટલું જ નહીં પણ આજે 53% કરતાં વધુ આદિવાસીઓ પોતાની માલિકીની સપાટ જમીન ઉપર વર્ષે હૈં 2,18,000 થી રુ. 3,72,000 સુધીની ખેતપેદાશ લે છે. જે પોતાનામાં એક અજોડ ઘટના છે. ગરીબી નિવારણના કાર્યક્રમના સફળ ઉપાય તરીકે નર્મદા યોજનાની સફળતા બાદ, હવે આદિવાસીઓ પોતાની વધતી આવક અને ફુરસદના સહારે વ્યક્તિગત સ્વાસ્થ્ય, શિક્ષણ અને વિકાસના બીજા તબકકાની પરિસ્થિતિ માટે સજ્જ થયાં છે.

નર્મદાબંધના અસરગ્રસ્તોના પુનર્વસન અને પર્યાવરણની સ્થિતિ ઉપર તટસ્થ જૂથ તરીકે દેખરેખ રાખનાર શૈક્ષણિક સંસ્થા તેમના અહેવાલમાં નોંધે છે કે, ‘વિસ્થાપિતોના નવા વસવાટોની જગ્યામાં પુનર્વસનનું નિરીક્ષણ અને મૂલ્યાંકન કરતાં જણાય છે કે વિસ્થાપિત આદિવાસીઓની સરેરાશ વ્યક્તિગત જમીનમાલિકી, ડૂબમાં જતાં ગામોના જમીનવિહોણાઓની સંખ્યાના મુકાબલે ઘણી વધારે છે. જયાં ડાંગર, ઘઉં, કપાસ, શાકભાજી, તુવેર અને કઠોળ જેવા રોકડિયા પાકો કેન્દ્રસ્થાને આવ્યા છે.’ અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે, 98 % વસાહતનાં રહેઠાણોમાં પુનર્વસવાટ પછી આર્થિક સ્થિતિમાં સુધારો થયો છે. ઉપરાંત 92 % વિસ્થાપિતોના ઘરની સ્થિતિમાં સદ્ધરતા આવી છે. નબળી ખેતીના વર્ષમાં પણ એમના જીવનમાં કોઇ વિપરીત અસર થઈ નથી.

આ અભ્યાસને આધાર તરીકે લઇને નર્મદાબંધની ભરૂચ જિલ્લાની ખડગદા, ચીચડિયા, સીમાંબલી ઇત્યાદિ 6 વસાહત તથા વડોદરા જિલ્લાની જેલમગઢ, કોલુ, વડદલા, ઢાલનગર, પણસોલી ઉપરકોટ, ગોલાગામડી, ઇત્યાદિ 24 વસાહતના 126 અસરગ્રસ્તોની સામાજિક આર્થિક સ્થિતિની વિગતો સંકલિતરૂપે એકત્ર કરવામાં આવી છે. જેમાં 47 અસરગ્રસ્તોની જૂની વસાહતની પરિસ્થિતિ અને પુનર્વસવાટની પરિસ્થિતિનું તુલનાત્મક ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. ઉદાહરણ રૂપે, નટવર વીરા તડવી જેઓ મૂળ પાંચમૂલી ગામના રહેવાસી હતા તેઓ સ્થળાંતર પછી જેલમગઢ વસાહત આવી વસ્યા. ડૂબના ગામે જંગલની જમીન ખેડતા નટવરભાઈ નવી વસાહતમાં પોતાની 10 એકર જમીનમાં કપાસ, મકાઇ, તુવેરની ખેતી કરીને વર્ષમાં લગભગ રુ. 4,52,000 ની આવક મેળવે છે.

ખેતપેદાશોમાંથી તેઓ બચત કરે છે. તેઓ પોતે સામાજિક કાર્યકર્તા છે અને તાલુકા પંચાયતની ચૂંટણી લડી ચૂક્યા છે. તેઓની પાસે રુ. 2,50,000 નું મકાન અને રુ. 1,52,000 ની સુઝુકી મોટરસાઇકલ છે. તેઓએ હૈં 6,50,000 નો ખર્ચ કરી પોતાની 3 બહેન અને ભાઈઓનાં લગ્ન કરાવ્યાં. તેઓ વ્યક્તિગત રીતે એવું માને છે કે, અસરગ્રસ્તોએ સુખી થવું હોય તો સરકાર દ્વારા મળતા લાભો મેળવીને મહેનત કરવી જોઇએ. આ જ વસાહતમાં વસતા લક્ષ્મણ નમાભાઈ તડવીએ પોતાની ખેતીની આવકમાંથી રુ. 4,78,000ની કિંમતનું પોતીકું મકાન બનાવ્યું છે. દીકરીનાં લગ્ન ધામધૂમથી કરી સમાજમાં મોવડી ગણાવવા રુ. 2,60,000 નું ખર્ચ ક્યું છે. જયારે લુણાદ્રા વસાહતમાં રહેતા ચંદુભાઈ લલ્લુભાઈ તડવી વડગામથી સ્થળાંતર થયા. આજે માલિકીની સસ્તા અનાજની દુકાન ચલાવે છે.

તાલુકા પંચાયત ચૂંટણી લડી ચૂકેલા અસરગ્રસ્ત નરસિંહભાઈ દિલ્હી, મુંબઇ, ભોપાલ ગયા છે. આ અને આવા અનેક ઉદાહરણો જોતાં સ્પષ્ટ થાય છે કે, ગુજરાતના અન્ય પ્રદેશો કરતાં નર્મદાબંધના અસરગ્રસ્તોની હાલત અનેકગણી સારી થઇ છે. જોકે ગુજરાતના રણપ્રદેશો, નળકાંઠાનો પઢાર પ્રદેશ ઉત્તર ગુજરાતનાં વાવ અને થરાદના અંતરિયાળ વિસ્તારમાં ભાગ્યે જ કોઇ પહોંચતું હશે. આથી આવા વિકટ ક્ષેત્રોની વ્યથા હજુ સંકોરાયેલી રહી છે.

જમીનની સ્થિતિ એ છે કે, ગુજરાતનો ગરીબ અગરિયો મૃત્યુ પામે તો તેની વિધવાને જૂથવીમા યોજનામાંથી મહામહેનતે રૂપિયા મળે છે અને તે વેળાએ પણ સ્થાનિક ગ્રામસેવક પણ દમદાટી મારી ઉપકારના બદલામાં બક્ષિસ લે છે. દુનિયાના નકશામાં અને આમ જનતાની માહિતીમાં આદિવાસી જંગલની સંસ્કૃતિનો પ્રતિનિધિ મનાય છે પરંતુ ગુજરાતનો વનવાસી રાજયના મુખ્ય પ્રધાનથી શરૂ કરી અનેક સ્થાનો પર અગ્રેસર રહ્યો છે અને હવે નર્મદા બંધ યોજનાના ડૂબક્ષેત્રમાં આદિવાસી કુટુંબો સામાજિક-આર્થિક રીતે વિકસિત બન્યાં છે. પોતાના પુરુષાર્થ અને ધગશના બળે સફળ થયેલ અસરગ્રસ્તોની વ્યક્તિગત માહિતી ઉત્સાહ પ્રેરક બને છે.

ત્યારે સાંસ્કૃતિક પરિવર્તનના વળાંકે સ્પષ્ટ જોઇ શકાય કે, પુનર્વસનની પ્રક્રિયા સાથે ગરીબોને મળતાં જમીન, જળ અને જંગલના હક્ના કારણે તેઓમાં અને તેઓની નવી પેઢીમાં જબરજસ્ત પરિવર્તન આવ્યું છે. વાઇબ્રેટ સીમટથી ગુજરાતના ઉદ્યોગોને વિકાસબળ મળ્યું છે તો નર્મદા બંધ યોજના પ્રકારની પુનર્વાસ નિતિનાં કારણે છેવાડેનાં માનવીને ઉપર ઉઠાવવામાં ગુજરાતને મહત્તમ સફળતા મળી છે. ત્યારે આશા રાખીએ કે વિકાસની મુખ્ય ધરાસુધી ન પહોંચી શકેલ ગરીબોના વિકાસ માટે જળ, જંગલ અને માલીકીની જમીનનો અનુબંધ પુન:વિકાસ નીતિ તરીકે અમલી બનશે.
– ડો.નાનક ભટ્ટ – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top