SURAT

સુરતથી ઉભરાટ હવે વીસ મિનિટમાં પહોચી શકાશે !

સુરત: સુરતથી (Surat) ઉભરાટ (Ubhrat) હવે વીસ મિનીટમાં પહોંચી જવાય તેવા દિવસો દૂર નથી! રાજય સરકારના માર્ગ અને મકાન વિભાગે પહેલા તબક્કામાં પોણા કિલોમીટરના ફોરલેન કેબલ બ્રિજ (Forlane Cable Bridge) માટે 178 કરોડનું ટેન્ડર (Tender) બહાર પાડતા આગામી દિવસોમાં જમીન સંપાદનની કામગીરી વેગવંતી બનશે.

સુરત શહેરથી ઉભરાટ અને નવસારી જવા માટે હવે સુરતીઓને શોર્ટકટ વે મળી જશે.આમ તો વિતેલા કેટલાંય વર્ષથી રાજય સરકાર ઉભરાટ અને સુરતને જોડવા મથામણ કરતી હતી. લાંબા સમયથી બજેટરી પ્રોવિઝન પણ કરવામાં આવતું હતું. પરંતુ, પાછળથી સરકારી કચેરીઓમાં ફાઇલ દબાઇ જતી હતી. પરંતુ આ વખતે સુરત અને દક્ષિણ ગુજરાતના વિકાસને વેગ આપવા માટે રાજય સરકારે આભવા ઉભરાટ ફોર લેન કેબલ બ્રિજ બનાવવા મક્કમતાથી સાથે આગળ વધવાનો નિર્ધાર કર્યો છે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ઉત્તમભાઇ ચૌધરીએ કહ્યું હતું કે, આગામી 18 મહિનામાં અલગ અલગ 3 ફેસમાં કુલ 448 કરોડના ખર્ચે પુલ તૈયાર થશે જે પૈકી પહેલા ફેસ માટે પોણા કિલોમીટરનું 178 કરોડનું ટેન્ડર બહાર પડી ગયુ છે. તાજેતરમાં પાટનગર સ્થિત એન્જિનિયરિંગ પ્રોજેકટ કોસ્ટ હેઠળ પ્રોસેસ પૂરી થતાં ટેન્ડર ઓપન થયું છે. આગામી દિવસોમાં ટેન્ડર ભરાતાં આગળની કામગીરીનો ધમધમાટ શરુ થશે

આભવા અને ખજોદ વચ્ચે સુરત તરફનો એપ્રોચ રહેશે
સુરત શહેરમાં લાંબા સમયથી જે પુલ માટે રાહ જોવાતી હતી. તેની ટેકનિકલી એપ્રુઅલ આવતા સાથે ટેન્ડર કામગીરી શરુ કરી દેવાઇ છે. આ અંગે માહિતી આપતા માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેર ઉત્તમ ચૌધરીએ કહ્યું હતું કે, સુરત તરફથી જવા માટે આભવા અને ઉભરાટ વચ્ચે એપ્રોચ હશે. જયારે ઉભરાટથી સુરત આવતી વખતે દિપલા ગામ પાસે એપ્રોચ હશે. આ માટે જમીન સંપાદનની કામગીરી હાથ ધરાઇ છે. જે આગામી દિવસોમાં પૂરી કરી દેવાશે. મોટાભાગે સરકારી પડતર જમીન જ ઉપયોગમાં લેવાની હોય પુલની કામગીરી પુરઝડપે આગળ વધશે.

ચોર્યાસી તાલુકાને નવસારી સાથે જોડવા આ પુલ મહત્વનો : ઝંખના પટેલ ધારાસભ્ય
ચોર્યાસી તાલુકાના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે કહ્યું હતું કે, આ પુલ માટે લાંબા સમયથી રાહ જોવાતી હતી. સુરતથી ઉભરાટ જવા માટે પહેલા લોકોને સચિન અને મરોલી સુધી લંબાવુ પડતું હતું તે હવે શોર્ટકટમાં પતી જશે. હવે સહેલાણીઓ આભવાથી વીસ મિનીટમાં ઉભરાટ પહોંચી જશે. વળી ઉભરાટથી મરોલી સુધીના અનેક ગામોને પણ સુરત સાથે કનેક્ટિવિટી સરળ પડશે.

વર્ષોથી જમીનોમાં રોકાણ કરી બેસનારાઓને હવે બખ્ખા
સુરત શહેરના ડેવલપમેન્ટ સાથે ખજોદ કે આભવા આગળ જમીન શકય નથી. કેમ કે ખજોદ અને આભવા વચ્ચે ખાડીને કારણે ડેવલપમેન્ટ શકય નહોતુ. પરંતુ હવે નવો પુલ મળતા વર્ષો પહેલા ઉભરાટ અને મરોલી વચ્ચે જમીન રાખીને બેઠેલાઓને જલસા પડી જશે. આગામી દિવસોમાં આ વિસ્તારમાં જમીનનું બજાર તેજગતિએ ધમધમશે.

Most Popular

To Top