SURAT

સુરત: ગણેશ યાત્રામાં સ્ટંટ કરવા જતા પર્વત પાટિયાનો યુવક સળગી ગયો, જુઓ લાઈવ વીડિયો

સુરત (Surat): કોરોના (Corona) મહામારીના લીધે બે વર્ષ સુધી ઉત્સવોની (Festivals) ઉજવણી થઈ શકી નહીં હોય આ વર્ષે ગણેશ ઉત્સવમાં સુરતીઓનો ઉત્સાહ અલગ લેવલ પર છે. ઊંચી ઊંચી ગણેશ પ્રતિમા, લાખોના શણગાર અને કાન ફાડી નાંખે તેવી સાઉન્ડ સિસ્ટમ સાથે ગણેશજીનું સુરતીઓ ભવ્ય રીતે સ્વાગત કરી રહ્યાં છે, ત્યારે શ્રીજીની આવી જ એક આગમન યાત્રામાં સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં ચોંકાવનારી ઘટના બની ગઈ. અહીં ગણેશ યાત્રામાં સ્ટંટ (Stunt) કરતી વખતે એક યુવક આગમાં (Fire) ભડભડ સળગવા લાગ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

પર્વત પાટિયા વિસ્તારમાં ગણપતિના આગમનની યાત્રા કાઢવામાં આવી રહી હતી ત્યારે એક યુવકે અતિઉત્સાહમાં ફાયર સ્ટંટ કરવાનું શરૂ કર્યું હતું. ફિલ્મોમાં બતાવે છે તેમ તે આગના ખેલ કરી રહ્યો હતો. મોંઢામાં જ્વલનશીલ પર્દાર્થ લઈ તે આગ પર ફેંકતો હતો ત્યારે એકાએક આગની જ્વાળાઓએ યુવકના શરીરને ઝપેટમાં લઈ લીધો હતો. પળભરમાં યુવક આગમાં ભડભડ સળગવા લાગ્યો હતો. યુવક આગમાં સળગી રહ્યો હોવાનું જોતા જ યાત્રામાં સામેલ લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી. ચારેતરફ અફરાતફરી મચી ગઈ હતી. જોકે, આગની આ ઘટનામાં યુવકને સામાન્ય ઈજા થઈ હતી. પરંતુ તેના શરીર પર લાગેલી આગ જોઈ લોકોના જીવ ઉચાટે ચઢી ગયા હતા. યુવકે પોતાનો શર્ટ કાઢીને તરત જ આગ ઓલવી હતી.

ગણેશ મંડપમાં કરંટ લાગતા નડિયાદના 2 યુવાનોના મોત
નડિયાદમાં પીજ રોડ પર આવેલી ગીતાંજલિ ચોકડી નજીક સાર્વજનિક ગણેશ ઉત્સવનું આયોજન કરાયું હતું. અહીં મંડપમાં 3 યુવકો તાડપત્રી લગાવી રહ્યાં હતાં ત્યારે કરંટ લાગ્યો હતો. બે યુવકોના મોત થયા છે. ઘટનાને પગલે શહેરમાં માતમ છવાઈ ગયો હતો. યુવકોના પરિવાર પર આભ તૂટી પડ્યો હતું. સ્થાનિકોના જણાવ્યા મુજબ મંડપ પર શણગારનું કામ ચાલી રહ્યું હતું ત્યારે યુવકોને 11 કેવીના વાયર માથાના ભાગમાં અડી ગયો હતો, જેના પગલે કરંટ લાગ્યો હતો. 3 યુવાનો જમીન તરફ પટકાતા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. જે પૈકી બે યુવાનોના મોત નિપજ્યા છે. હાલ બન્ને યુવકોના મૃતદેહને નડિયાદ સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે મોકલવા આવ્યા છે. મરણજનાર અને ઈજાગ્રસ્ત તમામ લોકો મંડપ ડેકોરેશનની કામગીરીના વ્યવસાયમા જોડાયેલા હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Most Popular

To Top