Columns

ચરબીથી ડાયાબિટિસ નીપજે, ચરબીથી મગજ બંધ થાય

ખૂબ ચરબી ચડી જાય તે માનસિક અને શારીરિક બંને રીતે સારું નથી. ચરબી પર ભાષણો અને લખાણો ખૂબ થયાં છતાં વધુ ને વધુ લોકો સ્થૂળ કે જાડાં થતાં રહે છે. હજી એવાં પુષ્કળ લોકો છે જે દેશી ઘીના વખાણ કરતાં રહે છે. વાસ્તવમાં દેશી ઘી એવી ચીજ છે જેના વખાણ કરવા જ પડે. તેનામાં અનેક ગુણ છે પણ એ ગુણ ત્યારે કામ આપે જ્યારે તમે આખો દિવસ ખેતીવાડીમાં કે અન્યત્ર આખો દિવસ પસીનો વળતો રહે એટલો શ્રમ કરતા હો. અગાઉ લોકો બે પાંચ મણ જેટલો પરિશ્રમ કરતાં ત્યારે દિવસનું 100 gm ઘી ખાઈ શકતાં હતાં અને તંદુરસ્ત રહેતાં. આજે ઘીના વખાણ સાંભળીને લોકો દિવસની 100 gm કસરત કે પરિશ્રમ કરે અને 200 gm હાનિકારક ચરબી આરોગી જાય. એ ચરબી પચવાની નથી. શરીરમાં જ્યાં ખાલી કે ભરેલી જગ્યાઓ હોય ત્યાં એ જમા થવા માંડે. મગજ અને લોહીમાં પણ જમા થયેલી રહે. મગજમાં જમા થાય તો વિસ્મરણની અને પેરેલિસિસની બીમારી લાગુ પડે. હલનચલનમાં બેલેન્સ ન જળવાય, પડી જવાય, હાડકાં તૂટે અને મોત પણ આવે. લોહી અને હૃદયની આસપાસ જમા થાય તો હાર્ટએટેક આવે. ચરબીના થરો શરીરમાં અવયવોને કાર્યક્ષમતાપૂર્વક કામ કરવા દેતાં નથી. તેમાં આજકાલ જે જે પ્રકારની ચરબીઓ વપરાય છે તેની એક જ ફલશ્રુતિ આવે. પાપકર્મ અને આરોગ્ય તેમ જ પૈસાની બેહાલી.

હમણાં એક ઊડીપી હોટેલમાં જમવા જવાનું થયું. આજકાલ પૈસા દવા પાછળ વેડફવા ન હોય તો સામાન્ય લોકોએ રેસ્ટરાંમાં જમવાનું રાખવું જરૂરી છે અથવા ત્યાં જ જમો જે રેસ્ટરાં વિશે પાકી ખાતરી હોય. ઊડીપીમાં ચાઈનીઝ વેજ રાઈસનો ઓર્ડર આપ્યો. ડીશમાં એટલું તેલ અથવા ઘી કે ચરબી હતી કે કોઈ રાપુનઝેલ ( સૌથી લાંબા વાળ ધરાવતી એક સ્ત્રી) ના તમામ વાળમાં એ તેલ લગાવી શકાય. સમજાવવા માટે થોડીક અતિશયોક્તિ કરી છે. સવાલ થયો કે આટલી ચરબી શા માટે?

ખાવામાં રાઈસ મીઠા લાગે પણ આટલી ચરબી રેસ્ટરાંવાળાને પોસાય કેવી રીતે? સાથેના મિત્રોએ તર્ક આપ્યો કે અમુક હોટેલોવાળા ડુક્કરની ચરબી વાપરે છે. જીવતાં ડુક્કરોને ગરમ ઊકળતાં પાણીની કડાઈઓમાં નાખીને તેઓના શરીરમાંથી ચરબી મેળવાય છે. એ ચરબી રેસ્ટરાં અને ફૂડસ્ટોલ્સને સસ્તામાં પૂરી પડાય. તેમાં સ્વાદ, સુગંધ ઉમેરીને ડિશને સોડમદાર અને સ્વાદિષ્ટ બનાવાય. રેસ્ટરાં ચાલકો દાલ ફ્રાય વગેરેમાં પણ આ સસ્તી, ક્રુરતાથી મેળવેલી ચરબી ભેળવે છે. શાકાહારી ગ્રાહકોના વિચારો અને ધર્મની પણ મર્યાદા રાખતાં નથી. વાસ્તવમાં આ પ્રકારની વાતો કરનારને આજકાલ લોકો વેદિયા સમજે છે. લોકોને ખાવાનો ચસકો એટલો જોરથી લાગ્યો છે કે કોઈ અહિંસક ધર્મના સભ્ય કે સભ્યાણી આપણને સલાહ આપશે કે, ‘‘એવું બહુ બધું વિચારવાનું નહીં. જે ભાવે એ ખાઈ લેવાનું’’

ઓકે. થેંકસ પણ આટલી બધી ચરબી ખાવાનો આગ્રહ શા માટે? ચરબીના ફાયદા પણ છે જો તે જરૂર પ્રમાણે આરોગવામાં આવે. ચરબી ઠંડી ઋતુમાં શરીરને ગરમી આપે છે, ઊર્જા આપે છે. શરીરમાં યોગ્ય માત્રામાં ચરબી હોય તો તેનાથી વિટામિન્સ પચે છે. ખાસ કરીને D વિટામિન. પરંતુ ચરબીના 3 પ્રકારોમાંથી કઈ ચરબીનું સેવન વધુ થઈ રહ્યું છે તેનું માપ રાખવું મુશ્કેલ છે. સામાન્ય જનસમાજને તો એ પ્રકાર વિષે જ કોઈ જાણકારી હોતી નથી.

અમુક સારી, અમુક ખરાબ અને અમુક એક સાથે સારી અને ખરાબ બંને હોય. સારી વાત એ છે કે સારી ચરબી એક સીમિત પ્રમાણમાં આરોગવામાં આવે છે. એક હદથી વધુ માત્રામાં લેવાય તો તમામ ચરબી હાનિકારક છે. આપણે અનેક પ્રકારની ચરબી આરોગીએ છીએ. પાંઉભાજી, બર્ગર, પીત્ઝા, દાલ ફ્રાય, પંજાબી, ચાઈનીઝ ડીશો. ચરબી ક્યાં ક્યાં નથી? એ સર્વવ્યાપક છે પણ શરીરમાં બે જગ્યાએ જામે છે. સ્થિર થાય છે. દૂર ન કરો અથવા તેને દૂર થવાની જરૂર ન જણાય તો તે કાયમ માટે જામેલી રહે છે.

એ વોલીબોલ જેવા આકારમાં ફાંદના રૂપમાં બહાર દેખાય એટલી જ નથી હોતી. શરીરનાં અને ખાસ કરીને પેટનાં આંતરિક અવયવોમાં પણ જામે છે, તેની આસપાસ પણ જામે છે. એટલી હદે જામવા દેવાય તો એક સમય એવો આવે છે જ્યારે તેને દૂર કરવાનું અશક્ય બની જાય છે. આ અશક્યતા અમુક જિનેટિક કારણોસર પણ પેદા થતી હોય છે. કંઈ પણ ખાધાપીધા વગર ચરબી વધે તેવા અચંબાકારી કિસ્સાઓ અવારનવાર જોવા મળે છે પણ મેજોરીટી કિસ્સાઓમાં ધ્યાન અપાય તો ચરબીથી નિજાત મેળવી શકાય છે. ત્વચા નીચે જે ચરબી જમા થાય તે સ્પષ્ટપણે જોઈ શકાય છે.

વધુ જમા થાય તો બાવડા કે ખભા નીચેના હાથમાં મધપૂડાની જેમ લટકતી જોવા મળે. ઘણા બે હાથ વડે નીચેથી પેટ પકડે ત્યારે ઊભા થઈ શકે. પણ જે આંતરડા, લીવર, કીડની, જઠરની આસપાસ હોય છે તે જોઈ શકાતી નથી પરંતુ તે વધારે જોખમી છે. માણસના શરીરમાં કુલ ચરબી હોય તેમાંની 10% આ પેટની અંદરની ચરબી હોય જેને અંગ્રેજીમાં વિસ્સેરાલ ફેટ કહે છે અથવા કહો કે વિસ્સેરાની ફેટ. તે મહત્ત્વનાં આંતરિક અંગોને ઘેરી વળે છે.

જો કે તે અંગોને એક મુલાયમ, સ્થિતિસ્થાપક, પોચું કવચ પૂરું પાડે છે પરંતુ આ વિસેરાની ફેટને પરિણામે જ ડાયાબિટિસ, સ્તનનું કેન્સર અને હૃદયરોગને થવાનો અવસર મળે છે. આ વિસ્સેરાલ ચરબી એક પ્રકારનું પ્રોટિન પેદા કરે છે, જેને કારણે ઈન્સ્યુલીન સામેનો પ્રતિકાર (રેઝિસ્ટન્સ) વધી જાય છે અને ડાયાબિટિસ જન્મે અને આગળ વધે. પ્રસિદ્ધ મેગેઝીન લાન્સેટમાં એક અભ્યાસ પ્રગટ થયો છે જે સિંગાપુરમાં ગયા ફેબ્રુઆરીમાં હાથ ધરાયો હતો. તેમાં જાણવા મળ્યું કે પેટમાંની વધુ પડતી ચરબીની મગજ પર ખરાબ અસર પડે છે. મગજની કાર્યશક્તિ ઘટતી ચાલે છે. સ્મૃતિભ્રંશની બીમારી લાગુ પડે છે.

સામાન્યપણે એમ કહેવાતું હોય છે કે શરીરનું વજન વધારે હોય તો માણસને ટાઈપ 2 ડાયાબિટિસ લાગવાની શક્યતા વધારે રહે છે પરંતુ માત્ર શરીરના વજનથી જ પાકે પાયે ન કહી શકાય કે વજન હાનિકારક છે કારણ કે વજન અથવા ચરબી શરીરમાં સરખી માત્રામાં સપ્રમાણ ફેલાયેલી હોય અને પેટની અંદરનું તેનું પ્રમાણ મર્યાદામાં હોય તો તે ડાયાબિટિસકારક ન બને પરંતુ શરીરના હાથ-પગ વગેરે પાતળા હોય અને ચરબીનો એક મોટો હિસ્સો પેટમાં સંઘરાયેલો હોય તો ચિંતાનો વિષય બને છે.

ચરબી આરોગ્યા પછી શરીરની અંદર કઈ જગ્યાએ જઈને જમા થાય છે તેનું ચોક્કસ માપ જાણવું થોડું મુશ્કેલ છે. શરીરના જીન્સ અને હોર્મોન્સ પણ ક્યા અંગમાં ચરબી જમા કરવી તે નક્કી કરતાં હોય છે. MRI દ્વારા તે જાણવાના- માપવાના પ્રયત્નો સફળ નીવડે છે. અન્ય ખર્ચાળ પધ્ધતિઓ છે પણ ચરબી માપવા માટે અમુક જોખમી અને ખર્ચાળ પધ્ધતિઓ વાપરવી તેને વાજબી ગણવામાં આવતું નથી. જો કે ચરબી ક્યાં છુપાયેલી છે તે ડોક્ટરો પોતાની રીતે, જ્ઞાન અને અનુભવથી જાણી શકે છે. પેટ વધે ત્યારે આપણે પણ સમજી શકીએ છીએ કે ચરબી ક્યાં છે? ઘરે બેસીને માપવાની અમુક સાદી રીતો પણ છે.

તમારા નિતંબ અને પેટને આવરી લઈને મેઝરટેપ વડે ગોળાકારનું માપ કાઢો. ત્યાર બાદ કમરની ઉપરના ભાગ, નાભિથી થોડે ઉપરનું માપ કાઢો. જ્યાં સૌથી પતલો અથવા સાંકડો પેટનો ભાગ હોય તે પસંદ કરો. બંને માપ લેતી વખતે શ્વસનક્રિયા બંધ રાખો. ત્યાર બાદ નિતંબ-પેટના ગોળાકારના માપને કમરની ઉપરના ગોળાકારના માપના આંકડા વડે ડિવાઈડ (ભાગાકાર) કરો.

જો કમરના સાંકડા ભાગ કરતાં નિતંબ અને પેટના ગોળાનો ભાગ બમણો કે બમણાથી પણ સહેજ ઓછો હોય તો તે જોખમી ગણાય. ગણવાની સરળતા માટે કાલ્પનિક દાખલો લઈએ તો સાંકડી ગોળાઈ 100 cm હોય અને પહોળી ગોળાઈ 175 cm કે વધુ હોય તો જોખમી ગણી શકાય. આમાં આગળ પાછળ ફરક હોય તો ચાલે. ટૂંકમાં નિતંબની ગોળાઈ કરતાં કમરની ગોળાઈ ઓછી હોવી જોઈએ.   વિસ્સેરા ફેટને ઓછી કરવાનું આસાન નથી તો ધારીએ એટલું મુશ્કેલ પણ નથી. સમસ્યા એ છે કે આપણે સતત સભાનતા સાથે તે માટેના પ્રયત્નો કરતા નથી. કસરત કરવાની સાથે ખોરાકની યોગ્ય પસંદગી પણ જરૂરી છે.

Most Popular

To Top