ગુવાહાટી: આસામમાં પૂર(Assam flood)ના કારણે સ્થિતિ વધુ વણસી ગઈ છે. રાજ્યના 26 જિલ્લાઓમાં ચાર લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત છે. કચર જિલ્લામાં સ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ હતી કે ભારતીય સેના(Indian Aarmy)ને બચાવ કામગીરી માટે અહીં બોલાવવામાં આવી હતી. આસામમાં ભારે વરસાદ અને પૂરના કારણે મૃત્યુઆંક વધીને 8 પર પહોંચી ગયો છે. અને 4 લાખથી વધુ લોકોને અસર થઈ છે.
ભારે વરસાદને કારણે, ત્રિપુરા, મિઝોરમ અને મણિપુરના પાડોશી રાજ્યો સહિત આસામની બરાક ખીણ અને દિમા હસાઓ જિલ્લાના ભાગોમાંથી માર્ગ અને રેલ સંપર્ક તૂટી ગયો હતો. આસામ અને મેઘાલયમાં ઘણી જગ્યાએ રોડ અને રેલવે ટ્રેક ધોવાઈ ગયા છે. પુરના પગલે આસામમાં બુધવારથી શરૂ થનારી ધોરણ 11ની પરીક્ષા આંશિક રીતે સ્થગિત કરવામાં આવી છે.
કચર જિલ્લામાં સેના બચાવ કાર્યમાં લાગી
કચર જિલ્લામાં સ્થિતિ વધુ વણસી જતાં, બચાવ કામગીરી માટે ભારતીય સેનાને બોલાવવામાં આવી હતી. સેના અને આસામ રાઈફલ્સની ટીમોએ કચર જિલ્લાના જુદા જુદા ભાગોમાં બચાવ કામગીરી શરૂ કરી દીધી છે. સંરક્ષણ વિભાગના પીઆરઓએ કહ્યું કે કચર જિલ્લાના ડેપ્યુટી કમિશનર તરફથી વિનંતી મળી હતી, જેના પગલે પૂરમાં ફસાયેલા લોકોને બચાવવા માટે ભારતીય સેના અને આસામ રાઇફલ્સની ટીમોને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. પીઆરઓએ જણાવ્યું હતું કે બચાવમાં મહિલાઓ, વૃદ્ધો અને નાના બાળકોને પ્રાથમિકતા આપવામાં આવી હતી. સમયસર લેવાયેલ ત્વરિત પગલાના પરિણામે, જીવન બચાવી શકાયું હતું અને મોટી દુર્ઘટના ટળી હતી. આસામ રાઈફલ્સની શ્રીકોના બટાલિયન અને બંને બાજુના આર્મીના જવાનો દ્વારા કુલ 500 ગ્રામજનોને બચાવી લેવામાં આવ્યા હતા.
26 જિલ્લામાં પૂર, 4 લાખથી વધુ લોકો પ્રભાવિત
આસામના 26 જિલ્લામાં પૂરથી 4.03 લાખથી વધુ લોકો પ્રભાવિત થયા છે. આસામ સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અહેવાલ મુજબ, એકલા કચર જિલ્લામાં કુલ 96,697 લોકો પ્રભાવિત થયા છે. આ પછી, હોજાઈમાં 88,420, નાગાંવમાં 58,975, દરંગમાં 56,960, વિશ્વનાથમાં 39,874 અને ઉદલગુરી જિલ્લામાં 22,526 લોકો પ્રભાવિત થયા છે. 67 મહેસૂલ વિભાગના 1,089 ગામો પૂરના આ મોજાથી પ્રભાવિત છે અને 32944.52 હેક્ટર પાકની જમીન પૂરના પાણીમાં ડૂબી ગઈ છે. નાગાંવ જિલ્લાના કામપુર રેવન્યુ ડિવિઝનમાંથી એક વ્યક્તિ ગુમ થવાના અહેવાલ છે. જિલ્લા વહીવટીતંત્રે 89 રાહત શિબિરો અને 89 વિતરણ કેન્દ્રો સ્થાપ્યા છે જ્યાં 39,558 પૂર પ્રભાવિત લોકો આશ્રય લઈ રહ્યા છે.
રોડ અને રેલ સંપર્ક ખોરવાયો
આસામના દિમા હસાઓ જિલ્લામાં અનેક સ્થળોએ ભૂસ્ખલનને કારણે રોડ અને રેલ સંપર્ક ખોરવાઈ ગયો છે. મેઘાલયના પૂર્વ જયંતિયા હિલ્સ જિલ્લામાં ભૂસ્ખલનથી દક્ષિણ આસામની બરાક ખીણ અને ત્રણ ઉત્તરપૂર્વીય રાજ્યોના મહત્વના ભાગો સાથેનો માર્ગ સંપર્ક વિક્ષેપિત થયો હતો. પૂર્વ જયંતિયા હિલ્સ પોલીસે તેના અધિકારક્ષેત્રમાં તાજા ભૂસ્ખલન અંગે ચેતવણી આપી છે. આસામ પોલીસના વિશેષ મહાનિર્દેશક જી પી સિંહે લોકોને જ્યાં સુધી જામ સાફ ન થાય ત્યાં સુધી રસ્તાનો ઉપયોગ કરવાનું ટાળવા જણાવ્યું છે. એક સત્તાવાર બુલેટિનમાં જણાવાયું છે કે ભારે વરસાદને કારણે દિમા હાસાઓમાં સંચાર ચેનલો રવિવારથી બંધ છે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે શક્ય તમામ મદદની ખાતરી આપી
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે મંગળવારે આસામના મુખ્ય પ્રધાન હિમંતા બિસ્વા સરમા પાસેથી પરિસ્થિતિ વિશે માહિતી લીધી અને તમામ શક્ય મદદની ખાતરી આપી હતી. ગૃહમંત્રી અમિત શાહે ટ્વીટ કર્યું, “આસામના કેટલાક ભાગોમાં ભારે વરસાદ પછીની સ્થિતિ અંગે ચિંતિત. સ્થિતિનો તાગ મેળવવા મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સાથે વાત કરી હતી. NDRF ટીમો પહેલેથી જ તૈનાત કરવામાં આવી છે. કેન્દ્રએ સરકાર તરફથી શક્ય તમામ મદદની ખાતરી આપી છે.”
આસામમાં પૂરને કારણે ધો.11ની પરીક્ષા સ્થગિત
આસામમાં બુધવારથી શરૂ થનારી ધો.11ની પરીક્ષા આંશિક રીતે સ્થગિત કરી દેવામાં આવી છે.આસામ હાયર સેકન્ડરી એજ્યુકેશન કાઉન્સિલ (AHSCE) એ મંગળવારે એક નોટિફિકેશન બહાર પાડીને આ અંગે માહિતી આપી હતી. AHSCE આ પરીક્ષાઓનું આયોજન કરે છે. નોટિફિકેશનમાં કહેવામાં આવ્યું છે કે કાઉન્સિલે તેની હેઠળની તમામ શાળાઓના વડાઓને સૂચના આપી છે કે શનિવાર સુધી યોજાનારી તમામ ઉચ્ચ માધ્યમિક પ્રથમ વર્ષની પરીક્ષાઓ આગામી આદેશો સુધી સ્થગિત કરવામાં આવી છે.