World

UAEમાં ટ્રમ્પનું સ્વાગત કરવાની રીત પર વિવાદ, મુસ્લિમ મહિલા ડાન્સર્સે વાળ હલાવીને તેમનું સ્વાગત કર્યું

સંયુક્ત આરબ અમીરાત (UAE) માં મુસ્લિમ મહિલા ડાન્સર્સ દ્વારા અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પનું ખાસ રીતે સ્વાગત કરવામાં આવી રહ્યું છે તેવો વીડિયો આખી દુનિયામાં ચર્ચાનો વિષય બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે UAE એ કદાચ આ પહેલા ક્યારેય કોઈ મહેમાનનું આ રીતે સ્વાગત કર્યું નથી. આ વીડિયો વિવિધ યુઝર્સે તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે, જેમાં જોઈ શકાય છે કે ટ્રમ્પનું સ્વાગત કરવા માટે લાઇનમાં ઉભી રહેલી મુસ્લિમ મહિલા ડાન્સર્સ સફેદ કપડાં પહેરીને અમેરિકન રાષ્ટ્રપતિની સામે અલગ અલગ સ્ટાઇલમાં પોતાના વાળ હલાવી રહી છે.

આ વીડિયોમાં યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને ઢોલ અને પરંપરાગત યુએઈ ગીતોના તાલ પર વાળ ઝૂલાવતી મહિલાઓની ભીડમાંથી પસાર થતા જોવા મળે છે. આ દ્રશ્ય સંયુક્ત આરબ અમીરાત (UAE) માં તેમના સ્વાગત સમારોહનું હતું જેણે સોશિયલ મીડિયા પર ઘણું ધ્યાન ખેંચ્યું છે.

ટ્રમ્પનું સ્વાગત કરવા માટે મુસ્લિમ મહિલાઓએ રૂઢિપ્રથાઓ તોડી
આ વીડિયો સૌથી વધુ ચર્ચામાં છે કારણ કે મુસ્લિમ ધર્મમાં મહિલાઓને હિજાબ ઉતારવાની પણ પરવાનગી નથી. મહેમાનનું સ્વાગત કરતી વખતે હિજાબ વગર આ રીતે વાળ ખુલ્લા રાખીને તેમને જોવું આશ્ચર્યજનક છે. ઘણા યુઝર્સે લખ્યું કે મહેમાન કેટલો શક્તિશાળી છે તેના આધારે તેનું સ્વાગત એ જ રીતે કરવામાં આવે છે. પછી બધા માપદંડ બદલાઈ જાય છે. વીડિયોમાં મુસ્લિમ મહિલા નર્તકો બધી રૂઢિપ્રથાઓ તોડીને અને ખુલ્લા વાળ હલાવીને ટ્રમ્પનું સ્વાગત કરતી જોઈ શકાય છે. આ વીડિયો ગુરુવારનો છે.

ડોનાલ્ડ ટ્રમ્પ કતારની મુલાકાત પૂર્ણ કર્યા પછી ગુરુવારે UAE ની રાજધાની અબુ ધાબી પહોંચ્યા જ્યાં UAE ના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાન દ્વારા તેમનું ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું. બાદમાં યુએઈના રાષ્ટ્રપતિ મહેલ, કસર અલ વતન પહોંચ્યા પછી તેમને અલ-અય્યાલા નામના પરંપરાગત સાંસ્કૃતિક પ્રદર્શનથી સન્માનિત કરવામાં આવ્યા. આ ઓમાન અને યુએઈમાં લોકપ્રિય લોક કલા છે જેમાં સ્ત્રીઓ નાટકીય રીતે તેમના લાંબા વાળ એક બાજુથી બીજી બાજુ ફેરવે છે. વીડિયોમાં ટ્રમ્પ ચૂપચાપ ચાલી રહ્યાં હતા અને નર્તકોને વાળ ફેરવતા જોઈ રહ્યા હતા.

ટ્રમ્પનો મધ્ય પૂર્વ પ્રવાસ
ટ્રમ્પના મધ્ય પૂર્વ પ્રવાસનો છેલ્લો પડાવ યુએઈ હતો. અગાઉ તેઓ સાઉદી અરેબિયા અને કતારની મુલાકાતે ગયા હતા. આ બધા દેશોમાં તેમનું ભવ્ય ઉજવણી સાથે સ્વાગત કરવામાં આવ્યું. ટ્રમ્પના વિમાન એરફોર્સ વનને સાઉદી અરેબિયામાં છ ફાઇટર જેટ દ્વારા એસ્કોર્ટ કરવામાં આવ્યું હતું. કતારમાં તેમના કાફલાનું સ્વાગત ડઝનબંધ ઊંટો સાથે કરવામાં આવ્યું. ન્યૂ યોર્ક પોસ્ટના અહેવાલ મુજબ ટ્રમ્પે આ મુલાકાત દરમિયાન 1 ટ્રિલિયન ડોલરથી વધુના આર્થિક રોકાણ કરારો મેળવ્યા છે.

Most Popular

To Top