જૂનમાં સોનાક્ષી-ઝહીરના લગ્નને એક વર્ષ થશે. સોનાક્ષીએ પોતાનાથી ઓછા જાણીતા અભિનેતા અને તે પણ પાછા મુસ્લિમ સાથે લગ્ન કર્યા એટલે વિવાદ થયો હતો. તેણે લગ્ન ઇકબાલ ફિલ્મો સોનાક્ષી સિંહા રાજકારણ સહિત અનેક મુદ્દે વાત કરી છે.
સોનાક્ષી સિંહા: ના, ના, અમે એકબીજાના ધર્મ તરફ નથી જોયું. હકીકતે એ એવા બે વ્યક્તિની વાત હતી જે એકબીજાના પ્રેમમાં હતા અને પરણવા માંગતાં હતાં. ઇકબાલે મારી પર ધર્મ બદલવા કોઇ દબાણ નથી કર્યું કે મેં પણ એને કહ્યું નથી કે તારે હિન્દુ બનવું જોઇએ. અમે એકબીજાના ધર્મો વિશે ચર્ચા જ નથી કરી. અમે એકબીજાના સંસ્કારને જાણીએ છીએ અને તેનો આદર કરીએ છીએ. તે મારી દિવાળી પૂજામાં આવીને બેઠો છે ને હું તેની નિયાઝમાં બેસું છું. અમે બંનેએ કોઇ ધાર્મિક વિધિથી લગ્ન નથી કર્યાં, બલ્કે સ્પેશ્યલ મેરેજ મુજબ પરણ્યા છીએ. લગ્ન વખતે હું હિન્દુ જ હતી અને એ મુસ્લિમ જ હતો.
પ્ર.: તમે ફિલ્મોમાં કામ કરતા રહેવા વિશે શું વિચારો છો?
સોનાક્ષી: જુઓ, કોઇના પણ લગ્ન તેની જિંદગીની વ્યાખ્યાને સ્પષ્ટ કરતા નથી બલ્કે લગ્ન તો જીવનનો એક ભાગ માત્ર છે. મારા માટે ફિલ્મોમાં કામ કરવું ખૂબ અગત્યનું છે કારણ કે મને અભિનય કરવો ગમે છે. સવારે ઊઠું ને શૂટિંગ પર જાઉં એવું મને ગમે છે એટલે લગ્ન પછી પણ કામ કરું જ છું ને કરતી રહીશ. હું ફિલ્મોમાં કામ કરું તેનાથી વધારે આનંદ ઝહીરને જ હોય છે. મેરી ખુશી મેં ઉસકી ખુશી હૈ. લગ્ન પછી એ અગત્યનું છે કે તમારા કામથી તમારો જીવનસાથી ખુશ હોય.
પ્રશ્ન: તમારા પિતા રાજકારણમાં છે. શું તમે પણ રાજકારણમાં આવશો?
સોનાક્ષી: ના, ફિર વહાં ભી નેપોટિઝમ નેપોટિઝમ કરોગે. મારા પિતા તો લોકોના નેતા છે જ્યારે હું ઘણી પ્રાઇવેટ પર્સન છું. રાજકારણમાં તો તમારે લોકો વચ્ચે રહેવું પડે. મારામાં રાજકારણ તરફ જવાનું કોઇ વલણ જ નથી. પોલિટિક્સ ઇઝ નોટ માય કપ ઓફ ચાય.
પ્રશ્ન: તમારા પહેલા હીરો સલમાન વિશે તમે શું વિચારો છો?
સોનાક્ષી: સલમાન સાથે મારા સંબંધો ગાઢ છે. તે મારા માટે ફક્ત સહઅભિનેતા નથી કારણ કે અભિનય કરવો શરૂ કર્યો તે પહેલાંથી તેને જાણું છું. તેને મારા મિત્રથી વધારે સમજું છું. સલમાન બહુ બિન્દાસ્ત માણસ છે. તેનામાં ઘણા વિરોધાભાસો છે. પણ જ્યારે તે જે કોઇ વિચારે છે ત્યારે તેમ કરે છે. ઇસકા કયા હોગા, ઉસકા કયા હોગા એવું વિચારતો નથી. એણે ક્યાંક સાયકલ ચલાવીને જવું હશે તો સાયકલ પર જ જશે. સલમાન બહુ બિન્દાસ છે.
પ્રશ્ન: તમે અત્યાર સુધી ઘણા દિગ્દર્શકો સાથે કામ કર્યું છે. છેલ્લે સંજય લીલા ભણશાલી સાથે હીરામંડીમાં કામ કર્યું. તમે એક એકટ્રેસ તરીકે દિગ્દર્શકને કઇ રીતે વિચારો છો?
સોનાક્ષી : મને જો મારા યોગ્ય ભૂમિકા મળે અને યોગ્ય દિગ્દર્શક મળે તો હું જાદુ કરી શકું છું. હું જાણીતા દિગ્દર્શકો અને નવોદિત દિગ્દર્શકો જોડે કામ કરવામાં માનું છું. જો દિગ્દર્શક પાસે વિઝન હોય તો હું તેને એ વિઝન સુધી પહોંચવામાં મદદ કરું છું. સંજય લીલા ભણશાલી જબરજસ્ત દિગદર્શક છે. પરદા પર તે જે રીતે સ્ત્રીને રજૂ કરે છે તેવું તો કોઇ રજૂ ન કરી શકે.
પ્રશ્ન: અત્યારે તમારી કઇ ફિલ્મો આવવામાં છે?
સોનાક્ષી : હમણાં જટાધરા નામની ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું છે. એ મારી પહેલી જ તેલુગુ ફિલ્મ છે. મારા પતિ ઝહીર સાથે તું હે મેરી કિરનમાં કામ કરી રહી છું. એ જ રીતે મારા ભાઇ લવ સિંહાના દિગ્દર્શનમાં નિકિતા રોય એન્ડ ધ બુઝ ઓફ ડાર્કનેસમાં કામ કરું છું. જટાધરામાં કામ કરવામાં મુઝે બહોત મઝા આયા, બહોત ધમાલ કિયા. મારી ખિલાડી 1080 પણ આવી રહી છે.
પ્રશ્ન: લવ સિંહા તમારા ભાઇ છે. તેની સાથે કેવા સંબંધો રહ્યા છે. હવે તે દિગ્દર્શક બન્યો છે તે કેવું લાગે છે?
સોનાક્ષી : દિગ્દર્શક તરીકે તે ખૂબ મહેનતુ છે. સેટ પર અમને બહુ મજા પડે છે. બાકી શું છે કે ઘરમેં મેં હી સબસે છોટી થી, ઘરકી લડકી સબસે લાડલી તો ભૈયા કો જલન તો હોતી થી તો મુજે પડતી થી. મને બહુ માર પડ્યો છે. •

