Vadodara

દિવાળીની ખરીદીનો ભારે ઉત્સાહ : શહેરના બજારોમાં ખરીદી માટે લોકોની રાત સુધી ભારે ભીડ ઊમટી

વડોદરા: કોરોનાના કપરાકાળ બાદ આ વખતે દીપાવલીના તહેવારો ઉજવવા માટે લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.દિવાળીને હવે માંડ ગણતરીના દિવસો બાકી રહ્યા હોય,ત્યારે વડોદરા શહેરના બજારોમાં ખરીદી અર્થે લોકોની ભારે ભીડ ઉમટી રહી છે.જ્યારે ખાનગી કંપનીઓ દ્વારા પણ બોનસ આપી દેવાતા લોકો મન મૂકીને ખરીદી કરી રહ્યા છે.
કોવિડ 19 મહામારી બાદ સૌ પહેલી રાહત ભરી દિવાળીમાં રાજ્યભરના બજારો માનવ મહેરામણ થી ઉભરાઈ રહ્યા છે ત્યારે ઉત્સવ પ્રિય નગરી વડોદરા શહેરમાં પણ ચાર દરવાજા વિસ્તારોમાં લોકોનો ભારે ઘસારો જોવા મળી રહ્યો છે શહેરભરમાં ભારે ખરીદી છે.

કારણ કે ખાનગી કંપનીઓએ બોનસ આપી દીધું છે અને સરકારે પણ જાહેરાત કરી દીધી છે પેન્શનની મહિનાના અંત પહેલા એટલે કે આગામી તારીખ 17 ની આસપાસ દરમ્યાન ચૂકવાશે.ત્યારે લોકોમાં પણ આ વખતે તહેવારો મનાવવા અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.કોરોના મહામારીમાં ગત વર્ષે દિવાળીની ઉજવણી ફિક્કી રહી હતી.ત્યારે આ વખતે કોરોના મહામારીમાં ઘટાડો નોંધાતા લોકો મનભરીને દિવાળી મનાવવા તૈયાર થઇ ગયા છે.બજારમાં દિવાળીની ખરીદી માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી રહ્યાં છે.અને બજારમાં વેપારીઓના ચહેરા પર દિવાળીની ખુશી છલકાઇ રહી છે.ત્યારે ચાલુ વર્ષે ફટાકડા સહિતની દિવાળીની દરેક વસ્તુઓના વેચાણમાં ધૂમ વધારો નોંધાયો છે.જેને પગલે દિવાળીની રોનક જોવા મળી રહી છે.

ન્યાયમંદિર -લહેરીપુરા વિસ્તારમાં ટ્રાફિક જામના દૃશ્યો સર્જાયા
શહેરના ભરચક ગીર્દી ધરાવતા ન્યાય મંદિર વિસ્તારમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.દિવાળીના તહેવારોને લઇ ભીડ ઉમટી પડતા વાહન ચાલકોને હાલાકી વેઠવાની ફરજ પડી છે. જ્યારે તહેવારોને લઈને વિવિધ ચીજ વસ્તુઓના માર્ગો ઉપર સ્ટોલ પણ લાગી ગયા છે.જેના કારણે પણ ટ્રાફિક જામ થતો હોવાનું જાણવા મળ્યું છે.

Most Popular

To Top