Business

DTCના આ ફરમાનથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ખળભળાટ

સુરત: ડીટીસી કંપનીના (DTC Company) એક ફરમાનથી હીરા ઉદ્યોગકારોમાં (Diamond Industrialists) હલચલ મચી ગઈ છે. મોટી સાઈઝના હીરા (Diamond) જોઈતા હોય તો બોત્સ્વાનામાં પોલિશિંગ સેન્ટર (Polishing Center) ઊભું કરવું પડશે તે મુજબના ડીટીસીના ફરમાનથી સુરતના હીરા ઉદ્યોગકારોમાં ચિંતાવ્યાપી ગઈ છે. આફ્રિકાના બોત્સ્વાના ખાતે હીરાની ખાણો આવેલી છે અને આ ખાણો જાડી સાઇઝના હીરા માટે સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. પરંતુ ડીટીસી ઉપરાંત સરકાર હસ્તગત હિસ્સામાંથી જો કોઇ ડીટીસી સાઇટ હોલ્ડર કંપનીને મોટી સાઇઝના હીરા જોતા હોય તો તેની માટે ત્યાં સ્થાનિક લેવલે પોલિશિંગ હબ ઉભું કરવાની શરત મૂકવામાં આવી છે. જેથી સુરત સહિત મુંબઇના અનેક વેપારીઓએ બોત્સ્વાના ખાતે પોતાના પોલિશિંગ યુનિટો નાના પાયે શરૂ કર્યા છે.

ડાયમંડ ટ્રેડિંગ કંપની (ડીટીસી) અને બોત્સ્વાના સરકાર વચ્ચે થયેલી ભાગીદારી પછી ડીટીસીએ બોત્સવાનામાં હીરા ખાણકામની કામગીરી તથા રફ હીરાના વેચાણ વ્યવસ્થા હાથ ધરી હતી. બોત્સ્વાના સરકારે હીરાના ખાણકામ અને હીરાના વેચાણની વ્યવસ્થા સંભાળવા ડેબસ્વાના નામની કંપનીની સ્થાપના કરી હતી. એટલે કે ડેબસ્વાના ડીબિયર્સ અને બોત્સ્વાના સરકારનું સરખો હિસ્સો ધરાવતું સંયુક્ત સાહસ છે. બોત્સ્વાના મોટી સાઈઝના રફ હીરાનું ઉત્પાદન કરતો વિશ્વનો અગ્રણી દેશ છે. જે બોત્સ્વાના ની મુખ્ય તાકાત છે. હવે ડીટીસી અને બોટ્સવાના સરકાર વચ્ચે નવા ભાગીદારી કરારમાં બોત્સ્વાનાએ મુકેલી વધુ એક શરત ડીટીસીએ સ્વીકારી છે.

બોત્સ્વાના સરકાર દ્વારા મુકવામાં આવેલી શરતોને આધીન ડીટીસી તરફથી ફરમાન જારી કરવામાં આવ્યું છે. જે મુજબ બોત્સ્વાના ગુણવત્તા યુક્ત જાડા હીરાની સાઈટ જોઈતી હોય તો ડીટીસી સાઈટ હોલ્ડર્સ કંપનીઓએ બોત્સ્વાનામાં હીરા તૈયાર કરવાની ફેક્ટરી શરૂ કરવી પડશે. ઉપરાંત સ્થાનિક યુવાનોને રોજગારી આપી હીરાની કંપનીઓ તમામ શરતોનું પાલન કરવું પડશે.જે કંપનીઓ આ શરતોનું પાલન કરશે માત્ર તેવી કંપનીઓને જ બોત્સ્વાનાની સાઈટ મળશે. અહેવાલ મુજબ ઉપરોક્ત શરતોને પરિપૂર્ણ કરવા હીરાની કેટલીક ભારતીય સાઈટ હોલ્ડર કંપનીઓએ બોત્સ્વાનાની સાઈટ લેવાના ઉદ્દેશ્ય સાથે બોત્સ્વાનામાં હીરાના કારખાના શરૂ કરી રહ્યા છે.

આ શરતો અમુક પ્રકારના જાડા હીરાઓ માટે જ છે: દિનેશ નાવડીયા
જેમ એન્ડ જ્વેલરી પ્રમોશન કાઉન્સિલના રિજનલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ જે શરતો છે એ અમુક પ્રકારના જાડા હીરા બાબતેની છે, જ્યારે અન્ય હીરાની રફ આસાનીથી અહીં પણ મળી રહેશે. સુરત અને મુંબઇની અનેક કંપનીઓએ લિમિટેડ સ્ટાફ સાથે ત્યા ખાતા શરૂ કર્યા છે. પરંતુ આને લઇને સ્થાનિક બજારમાં કોઈ સમસ્યા નથી. માત્ર ત્યાની ગવર્મેન્ટ પાસે જે જાડા હીરાની રફનો જથ્થો છે તે મેળવવા માટેજ ત્યા ખાતાની જરૂર છે. જેનું પોલિશિંગ પણ ત્યાજ થશે પરંતુ તેની માંગ ખુબજ મર્યાદિત હોય છે.

Most Popular

To Top