Editorial

સંઘર્ષો છતાં ભારતના અર્થતંત્રનો દેખાવ સારો રહ્યો છે

છેલ્લા ચારેક વર્ષથી વૈશ્વિક અર્થતંત્ર જાત જાતની મુશ્કેલીઓનો સામનો કરી રહ્યું છે. ખાસ કરીને વર્ષ ૨૦૨૦ની શરૂઆતમાં કોરોનાવાયરસનો વૈશ્વિક રોગચાળો શરૂ થયો ત્યારથી વિશ્વના અર્થતંત્રમાં મોટા પાયે મુશ્કેલીઓની શરૂઆત થઇ. કોરોનાવાયરના રોગચાળાને કારણે ભારત સહિત અનેક દેશોએ લોકડાઉન જેવા નિયંત્રણા નાખવા પડ્યા, જેના કારણે તેમના અર્થતંત્રોમાં જાત જાતની મુશ્કેલીઓ ઉભી થઇ. જો કે આ નિયંત્રણો હળવા બનાવાયા તે પછી અને રોગચાળો પણ ધીમો પડવા માંડ્યો તે પછી દેશોમાં આર્થિક રિકવરી આવવા માંડી.

ભારતીય અર્થતંત્રમાં એકંદરે ઝડપથી રિકવરી આવી. જો કે કોરોનાવાયરસજન્ય કોવિડ-૧૯નો રોગચાળો હજી પુરો શમ્યો ન હતો કે ફેબ્રુઆરી ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કરી દીધું અને રશિયા-યુક્રેન યુદ્ધે ફરી એક વાર વેશ્વિક અર્થતંત્રમાં વમળો જન્માવ્યા. જો કે આ સમયે ભારતનું અર્થતંત્ર ખાસ હચમચ્યું નહીં. ભારતનો મજબૂત આર્થિક પાયો તેને ઘણી વૈશ્વિક વિપરીત ઘટનાઓ વચ્ચે ટકાવી રાખે છે. વૈશ્વિક વિપરીત ઘટનાઓને કારણે ભારતનો રૂપિયો ઘણો ઘસાયો ખરો, અને તેને કારણે તેના વિદેશી હુંડીયામણ અનામત ભંડોળને પણ અસર થઇ, પરંતુ હાલમાં આવેલા અહેવાલ જણાવે છે કે ભારતની વિદેશી હુંડીયામણ અનામત ભંડોળની રીતે સ્થિતિ ફરી મજબૂત થઇ ગઇ છે.

ભારતનું વિદેશી ચલણોનું અનામત ભંડોળ આ ૧૨ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના રોજ ૧.૬૩૪ અબજ ડોલરનો કૂદકો મારીને ૬૧૮.૯૩૭ અબજ ડોલર થયું છે એમ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ શુક્રવારે જણાવ્યું હતું. અગાઉના રિપોર્ટિંગ સપ્તાહમાં ભારતના વિદેશી હુંડીયામણની કુલ અનામતો પ.૮૯ અબજ ડોલરથી તીવ્ર રીતે ઘટીને ૬૧૭.૩ અબજ ડોલર થઇ હતી. દેશનું વિદેશી ચલણોનું અનામત ભંડોળ ઓકટોબર ૨૦૨૧માં ૬૪૫ અબજ ડોલરની ઓલ ટાઇમ હાઇ સપાટી પર પહોંચ્યું હતું.

જો કે ગયા વર્ષે કેટલીક વૈશ્વિક ઘટનાઓને કારણે દબાણ હેઠળ આવી ગયેલા આપણા ભારતીય રૂપિયાને બચાવવા માટે રિઝર્વ બેન્કે વિદેશી ચલણોને કામે લગાડતા આ વિદેશી હુંડીયામણોનું અનામત ભંડોળ ખૂબ ગગડી ગયું હતું. રૂપિયાને વધુ ગગડતો અટકાવવા માટે રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ડોલર વેચવા પડ્યા હતા અને આને પરિણામે ભારતનું વિદેશી હુંડિયામણ અનામત ભંડોળ ગગડી ગયું હતું. જો કે બાદમાં તે ફરીથી વધવા માંડ્યું હતું. ૧૨ જાન્યુઆરીના રોજ પુરા થતા સપ્તાહે વિદેશી ચલણોની મિલકતો – કે જે અનામતોનો એક મોટો ભાગ છે તે ૧.૮પ૯ અબજ ડોલર વધીને પ૪૮.પ૦૮ અબજ ડોલર થઇ છે એમ આંકડાઓ જણાવે છે.

જેને ડોલરમાં દર્શાવવામાં આવે છે તે વિદેશી ચલણોની મિલકતો પર અમેરિકી ડોલર સિવાયના ચલણો જેવા કે યુરો, પાઉન્ડ અને યેન વગેરેના મૂલ્ય વધારા કે ઘસારાની પણ અસર થતી હોય છે જે ચલણો વિદેશી હુંડિયામણ અનામત તરીકે રાખવામાં આવે છે. આ સપ્તાહ દરમ્યાન દેશની સોનાની અનામતો ૨૪૨ મિલિયન ડોલર ઘટીને ૪૭.૨૪૭ મિલિયન ડોલર થઇ છે એમ આરબીઆઇએ જણાવ્યું છે. જ્યારે દેશના સ્પેશ્યલ ડ્રોઇંગ રાઇટ્સ(એસડીઆર્સ) ૧૨૦ લાખ ડોલર વધીને ૧૮.૩૧ અબજ ડોલર થયા છે એમ મધ્યસ્થ બેંકે જણાવ્યું છે. ભારતની આઇએમએફ પાસેની અનામત સ્થિતિઓ આ રિપોર્ટિંગ વીકમાં ૬૦ લાખ ડોલર વધીને ૪.૮૭૨ અબજ ડોલર થઇ છે એમ આરબીઆઇના ડેટા વધુમાં જણાવે છે. આ આંકડાઓ સૂચવે છે કે દેશનું અર્થતંત્ર એકંદરે સારી સ્થિતિમાં છે અને વિદેશી હુંડીયામણ અનામત ભંડોળની રીતે દેશની સ્થિતિ ફરી મજબૂત થઇ છે.

અહીં એ નોંધપાત્ર છે કે કોવિડના રોગચાળા પછી ભારતના અર્થતંત્રની રિકવરી ઘણી સારી રહી છે. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨માં તો ભારતનો જીડીપી વિકાસ દર ૯.પ ટકા જેટલો રહ્યો હતો. હાલમાં પણ ભારત મજબૂત રિકવરી બતાવી રહ્યું છે અને તેણે અન્ય મોટા ભાગના અર્થતંત્રોને વિકાસની ઝડપની બાબતમાં પાછળ મૂકી દીધા છે. સરકારે ભરેલા પ્રોત્સાહક પગલાઓ, ગ્રાહક માગમાં થયેલો સુધારો અને વધેલું ઔદ્યોગિક ઉત્પાદન જેવા પરિબળોના મિશ્રણથી આ શક્ય બની શક્યું છે અને તે સાથે જ ભારતના વિશાળ બજારને કારણે આકર્ષાતી વિદેશી કંપનીઓ અને આકર્ષાતું વિદેશી રોકાણ પણ તેને મદદરૂપ થઇ રહ્યા છે.

Most Popular

To Top