National

ભોપાલથી દિલ્હી જઈ રહેલી વંદે ભારત ટ્રેનમાં આગ લાગતા અફરા તફરી મચી

નવી દિલ્હી: ભોપાલથી (Bhopal) નવી દિલ્હી (Delhi) તરફ જઈ રહેલી વંદે ભારત ટ્રેનને (Vande Bharat Train) એક મોટો અકસ્માત (Accident) નડ્યો હતો. સોમવારે જ્યારે ટ્રેન બીના સ્ટેશન (Station) પર ઉભી હતી ત્યારે આ ટ્રેનમાં એકાએક આગ (Fire) ભભૂકી ઉઠી હતી. આગની માહિતી મળતા જ મુસાફરોમાં અફરા-તફરી મચી ગઈ હતી અને ટ્રેનને અધવચ્ચે રોકીને જ મુસાફરોને નીચે ઉતારવા લાગ્યા હતા.

  • આગના કારણે રેલ્વે વાહનવ્યવહાર બંધ થઈ ગયો
  • જે કોચમાં આગ લાગી તેમાં લગભગ 36 મુસાફરો હતા

ભોપાલથી હઝરત નિઝામુદ્દીન જતી વંદે ભારત ટ્રેન (20171) સોમવારે સવારે 5.40 વાગ્યે ભોપાલ રેલવે સ્ટેશનથી રવાના થઈ હતી. આ દરમિયાન ટ્રેનના કોચ નંબર C 14માં આગ લાગી હતી. આ કોચમાં લગભગ 36 મુસાફરો હતા જેઓ પોતાનો જીવ બચાવવા માટે ટ્રેન થોભતા જ ઉતાવળમાં ઉતરી ગયા હતા. પ્રાથમિત મળતી માહિતી મુજબ કુરવઈ કેથોરા સ્ટેશન પર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના બેટરી બોક્સમાં આગ લાગી હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ફાયર બ્રિગેડની ટીમે અગ્નિશામક સાધનોની મદદથી આગને કાબૂમાં લીધી હતી. આગના કારણે રેલ્વે વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. તમામ મુસાફરોને સમયસર ટ્રેનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.

દેશમાં એક ડઝનથી વધુ વંદે ભારત ટ્રેનોનો લાભ લોકોને મળી રહ્યો છે
વંદે ભારત ટ્રેન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ્સમાંથી એક છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા તાજેતરના દિવસોમાં અડધો ડઝનથી વધુ વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપવામાં આવી હતી. ભૂતકાળમાં પીએમ મોદીએ ઘણા રાજ્યોને વંદે ભારત ટ્રેનની ભેટ આપી હતી. અત્યાર સુધીમાં દેશમાં એક ડઝનથી વધુ વંદે ભારત ટ્રેનોનો લાભ લોકોને મળી રહ્યો છે. આ ઉપરાંત અન્ય ઘણાં રાજ્યોમાં ટ્રેન માટે કામ ચાલી રહ્યું છે. તાજેતરમાં મધ્યપ્રદેશ અને દિલ્હીથી દહેરાદૂન માટે વંદે ભારત ટ્રેન પણ શરૂ કરવામાં આવી હતી.

Most Popular

To Top