Comments

ઇસરોના વૈજ્ઞાનિકોને જેટલા અભિનંદન આપીએ તેટલા ઓછા છે

ઇન્ડિયન સ્પેસ એન્ડ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન ઇસરો એ ભારતની શાન છે તેમ કહીએ તો જરાપણ ખોટું નથી. આ સંસ્થાએ શુક્રવારે સફળતાપૂર્વક તેનું ત્રીજુ મૂન મિશન લોન્ચ કર્યું હતું, જેમાં આજે તેણે ચંદ્રયાન-૩ રવાના કર્યું હતું અને તેની ૪૧ દિવસની મુસાફરી આ વખતે વધુ ગુંચવાડાભરી છે જે ચંદ્રના દક્ષિણ ધ્રુવ તરફ જવાનું છે જ્યાં આજ સુધી અન્ય કોઇ દેશ ગયો નથી.

ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (ઈસરો) મુજબ, ચંદ્રની સપાટી પર ટેકનિકલી પડકારરૂપ સોફ્ટ લેન્ડિંગ, જે ચંદ્રયાન-2 હાંસલ કરી શક્યું ન હતું, તે 23 ઓગસ્ટના રોજ સાંજે 5.47 કલાક માટે આયોજન કરવામાં આવ્યું છે. 1958થી 2023 સુધી, ભારત તેમજ અમેરિકા, યુએસએસઆર, જાપાન, યુરોપિયન યુનિયન, ચીન અને ઇઝરાયેલે વિવિધ ચંદ્ર મિશન લોન્ચ શરૂ કર્યા છે. અંદાજે રૂ. ૬૦૦  કરોડનું ચંદ્રયાન-૩ મિશન એ ઇસરોનું ચંદ્રની ધરતી પર રોબોટિક લ્યુનર રોવર ઉતારવાનું છે અને જો તે તેમાં સફળ થશે તો ભારત આ રીતે ચંદ્રની ધરતી પર યાનનું સોફ્ટ લેન્ડિંગ કરાવનાર ચોથો દેશ બની જશે. આ અગાઉ અમેરિકા, ચીન અને ભૂતપૂર્વ સોવિયેટ યુનિયન આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે.

આ અગાઉ ભારતનું ચંદ્રયાનનું પ્રથમ મિશન ૨૦૦૮માં હાથ ધરાયું હતું જે ફક્ત ભ્રમણકક્ષામાં ભ્રમણ કરવા માટેનું જ હતું અને તે સફળ રહ્યું હતું. ત્યારપછી ૨૦૧૯માં ચંદ્રયાન-૨ મિશનમાં ચંદ્રની ધરતી પર સોફટ લેન્ડિંગ કરાવવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જો કે તેમાં ઓર્બિટરે ભ્રમણકક્ષામાં ફરતું  રહીને સફળ કામગીરી બજાવી હતી. યાનને લઇને રોકેટ રવાના થયું તેની ૧૬ મિનીટ પછી જાહેરાત થઇ હતી કે ચંદ્રયાન-૩ તેને લઇને રવાના થયેલા એલએમવી-૩ રોકેટથી સફળતાપૂર્વક અલગ પડ્યું છે અને ભ્રમણકક્ષામાં પહોંચ્યું છે તે સાથે મિશન કન્ટ્રોલ કેન્દ્રમાં હાજર વૈજ્ઞાનિકો આનંદની ચિચિયારીઓ પાડી ઉઠ્યા હતા. ઇસરોના અધ્યક્ષ એસ. સોમનાથે જાહેરાત કરી હતી કે રોકેટે ચંદ્રયાન-૩ને ઇચ્છિત ભ્રમણકક્ષામાં મૂકી આપ્યું છે.

ઇસરોના વડા સોમનાથે જણાવ્યું હતું કે અમે અપેક્ષા રાખીએ છીએ કે ચંદ્રયાન-૩ ચંદ્રની ભ્રમણકક્ષામાં ૧ ઓગસ્ટે પ્રવેશશે અને ત્યારબાદ બે-ત્રણ સપ્તાહ પછી પ્રોપલ્ઝન મોડ્યુલ અને લેન્ડર મોડ્યુલ જુદા થશે, જે ૧૭ ઓગસ્ટના રોજ બનશે. છેવટનો કાર્યક્રમ લેન્ડિંગનો છે જે ૨૩ ઓગસ્ટે ભારતીય સમય પ્રમાણે સાંજે પ.૪૭ કલાકે થશે. જો બધુ સમુસુતરું પાર પડશે તો આ શક્ય બનશે. છેલ્લા સાત દાયકામાં 111 ચંદ્ર મિશનમાંથી 62 સફળ, 41 નિષ્ફળ અને 8માં આંશિક સફળતા મળી હતી, એમ અમેરિકી સ્પેસ એજન્સી નાસાના ચંદ્ર મિશન પરની માહિતીઓથી જાણવા મળ્યું હતું.

ભારતે શુક્રવારના રોજ ચંદ્ર પર તેનું ત્રીજું મિશન, ચંદ્રયાન-3 લોન્ચ કર્યું હતું. ચંદ્ર પર સફળ ઉતરાણ અમેરિકા, ચીન અને તે સમયના સોવિયત સંઘ પછી દુર્લભ સિદ્ધિ હાંસલ કરનાર ભારત ચોથો દેશ બનશે. જો કે, આ સિદ્ધિ મળે તો તેની સાથે અન્ય એક સિદ્ધિ પણ નોંધાશે અને એ હશે કિંમતની સિદ્ધિ. અન્ય દેશના અવકાશી મિશનમાં જેટલો ખર્ચ થાય છે તેના કરતા 40 ટકા ખર્ચમાં જ ઇસરો તેના તમામ મિશન પાર પાડે છે. ઇસરોના વૈજ્ઞાનિકોને આ માટે જેટલા અભિનંદન પાઠવીએ તેટલા ઓછા છે. એક સમય હતો જ્યારે ભારતને સાયન્સની દ્રષ્ટીએ વિકસિત દેશો પછાત ગણતા હતા પરંતુ ઇસરોના કારણે હવે આ દેશો પણ ભારતના વૈજ્ઞાનિકોને સલામ કરતાં થઇ ગયા છે.

પશ્વિમી દેશો તેમના મિશન પાછળ અબજો રૂપિયાનું બજેટ ફાળવે છે પરંતુ ઇસરો ઓછા બજેટમાં પણ કોઇપણ મિશન પાર પાડવા માટે સક્ષમ છે એમાં કોઇ બેમત નથી. આજે સેટેલાઇટ તરતા મૂકવામાં તો કોઇપણ દેશ ઇસરોની તોલે આવી શકે તેમ નથી કારણ કે, ઇસરોના વૈજ્ઞાનિકો એક સાથે અનેક ઉપગ્રહ અવકાશમાં તરતા મૂકવા માટે સક્ષમ છે અને આ જ કારણ છે કે, દુનિયાના અનેક દેશો તેમના સેટેલાઇટને અવકાશમાં મોકલવા માટે ઇસરો ઉપર નિર્ભર છે. આ અવકાશી છલાંગ માટે માત્ર દેશમાંથી જ નહીં પરંતુ દુનિયાની તમામ અવકાશી સંસ્થાઓના વૈજ્ઞાનિકો ઇસરોને અભિનંદન પાઠવી રહ્યાં છે.

Most Popular

To Top