Madhya Gujarat

વડતાલધામને વિશ્વની સૌથી મોટી શિક્ષાપત્રી અર્પણ

આણંદ : વિશ્વની સૌથી મોટી હસ્તપ્રત તરીકે ભગવાન શ્રી સ્વામિનારાયણ રચિત શિક્ષાપત્રીને ગિનિસ વર્લ્ડ રેકોર્ડસ્, એશિયા બુક ઓફ રેકોર્ડસ્ અને ઈન્ડિયા બુક ઓફ રેકોર્ડસ્માં સ્થાન મળ્યું છે. આ શિક્ષાપત્રી કુંડળધામના જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરવામાં આવી છે. જેનું વજન 120 કિલોગ્રામ, 8 ફુટ પહોળાઇ અને 5.5 ફૂટ ઉંચાઇ છે. આ સચિત્ર શિક્ષાપત્રીમાં 212 શ્લોક,  કુલ 224 હસ્તલિખિત પેજ છે. આ હસ્તપ્રતનું લેખન તથા ચિત્રકામ કુંડળધામના 150 જેટલાં હરિભક્તોએ માત્ર 24 કલાકમાં પૂર્ણ કર્યું હતું. બાઈન્ડીંગ માત્ર 10 કલાકમાં કરવામાં આવ્યું હતું. આજથી 196 વર્ષ પહેલા વડતાલધામે બિરાજી સ્વામિનારાયણ ભગવાને આ શિક્ષાપત્રી લખી હતી. તેથી પૂજ્ય સ્વામીજીએ શિક્ષાપત્રીની પ્રાગટ્ય ભૂમિ એવા વડતાલધામને અર્પણ કરી છે.

કુંડળધામ દ્વારા જ્ઞાનજીવનદાસજી સ્વામીની પ્રેરણાથી તૈયાર કરાયેલી હસ્તપ્રત શિક્ષાપત્રી વડતાલધામ ખાતે તૈયાર થઈ રહેલા શ્રી સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીભૂત વસ્તુઓના ભવ્ય મ્યુઝિયમના ખાતમુહૂર્ત પ્રસંગે તેનું લોકાર્પણ તથા વડતાલધામને અર્પણ કરવામાં આવી છે. આ શિક્ષાપત્રીનો હેતુ માનવજાત અને ભક્તોના કલ્યાણ માટે ભગવાન શ્રી સ્વામિનારાયણના આશીર્વાદ અને આજ્ઞાઓનો લાભ પ્રાપ્ત થાય તેવો છે. દુનિયાની પ્રત્યેક વ્યક્તિ સુધી આ દિવ્ય સંદેશાઓ પહોંચે એવા માનવકલ્યાણના ઉમદા હેતુ સાથેની આ શિક્ષાપત્રીના તમામ 224 પાનાઓ શરૂઆતથી અંત સુધી હસ્તલિખિત છે. તમામ ચિત્રો પણ હાથથી જ તૈયાર કરાયા છે. ક્યાંય પ્રિન્ટીંગ કરાયું નથી. 196 વર્ષ પહેલા વડતાલધામમાં રહીને ભગવાન શ્રી સ્વામિનારાયણે 212 શ્લોકની આ શિક્ષાપત્રીની રચના મૂળ સંસ્કૃત ભાષામાં કરી હતી. જેને હાલ સંસ્કૃત, હિન્દી, ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં મોટા કદમાં તૈયાર કરવામાં આવી છે, તે આઠ ફૂટ પહોળી, સાડા પાંચ ફૂટ ઉંચી તથા 120 કિલો વજનની છે.

અત્રે નોંધપાત્ર બાબત એ છે કે,  ગિનિસ વર્લ્ડ રેકોર્ડસની વેબસાઈટમાં એવી ખાસ નોંધ કરાઈ છે કે સ્વામિનારાયણ સંપ્રદાયના કરોડો હરિભક્તો આ શિક્ષાપત્રીને તેમની પ્રાત:પૂજામાં રાખી નિત્ય પઠન કરે છે. જેનાથી કરોડો મોક્ષભાગી જીવાત્માઓ સદાચાર એવં ભગવત્પ્રાપ્તિના માર્ગે આ લોક પરલોકનું શ્રેય પ્રાપ્ત કરે છે. વડતાલમાં અર્પણ કરાયેલી આ સચિત્ર શિક્ષાપત્રી કરોડો મુમુક્ષુઓ માટે એક અનોખું દિવ્યદર્શનનું સંભારણું બની રહેશે. આ પ્રસંગે જ્ઞાનજીવનદાસજી સ્વામીને વડતાલ પીઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજ તથા સંતોની નિશ્રામાં વરિષ્ઠ સંતોના હસ્તેસર્ટીફીકેટ તથા મેડલ પણ અર્પણ કરવામાં આવ્યા હતા.

Most Popular

To Top